ઈરાનમાં (IRAN) હિજાબ (hijab)વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે. આ વિરોધમાં હજારો મહિલાઓ તેમના મૂળભૂત અધિકારો સામે અવાજ ઉઠાવી રહી છે અને સરકારને ચેતવણી આપી રહી છે. 13 સપ્ટેમ્બરે 22 વર્ષીય મહેસા અમીનીને (Mahsa Amini) પોલીસે કસ્ટડીમાં લીધો હતો. ત્રણ દિવસ પછી તેમનું અવસાન (death) થયું, જેના પછી દેશભરમાં ઉગ્ર દેખાવો શરૂ થયા. હવે ઈરાનની એક સરકારી ચેનલમાં તેનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે મહેસાનું મોત પોલીસ કસ્ટડીમાં ત્રાસથી નહીં પરંતુ તબિયત બગડવાને કારણે થયું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
શુક્રવારે પોલીસ સર્વેલન્સમાં લગાવવામાં આવેલા કેમેરામાં રેકોર્ડ થયેલો સંપૂર્ણ વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં મહસા અમીની સાથે શું થયું તે બતાવવામાં આવ્યું હતું. 13 સપ્ટેમ્બરના ફૂટેજમાં પોલીસ કેટલીક મહિલાઓને બિલ્ડિંગની અંદર લઈ જતી દેખાઈ રહી છે. આ મહિલાઓમાં એક મહસા અમીની પણ છે. અહીં તે પૂછપરછ રૂમમાં જતાં પહેલાં બેભાન થઈને પડી જાય છે. વીડિયોમાં જોવા મળે છે કે અમીની કથિત રીતે એક મહિલા પોલીસ અધિકારી પાસે જાય છે અને બેહોશ થાય તે પહેલા તેની સાથે વાત કરે છે. બંને અમીનીના કપડા પર ચર્ચા કરતા જોવા મળે છે.
પોલીસના ત્રાસથી મોત નથી થયું – વીડિયોમાં દાવો
અમીનીના મોત બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમના મૃત્યુ પછી, આંદોલને વધુ વેગ પકડ્યો. મહસાના પરિવારનો આરોપ છે કે પોલીસ કસ્ટડી દરમિયાન મહસા સાથે ક્રૂરતા આચરવામાં આવી હતી. તેને એટલો ત્રાસ આપવામાં આવ્યો કે તેનું મૃત્યુ થયું. મહસાના માતા-પિતાનો દાવો છે કે તેના મૃતદેહ પર ઈજા અને હુમલાના સ્પષ્ટ ચિહ્નો હતા. સત્તાવાર IRNA ન્યૂઝ એજન્સીએ કહ્યું, “અહેવાલ સૂચવે છે કે મહસાનું મૃત્યુ સેરેબ્રલ હાયપોક્સિયાથી થયું હતું. આ રોગમાં મગજમાં ઓક્સિજનનો પુરવઠો ઓછો થઈ જાય છે. તેના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. માથા અને શરીરના મહત્વપૂર્ણ ભાગો પર મારના કારણે મહસાનું મૃત્યુ થયું ન હતું. હૉસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં, અમિનીને હાર્ટ એટેક, હાયપોટેન્શન હતું.
ફોરેન્સિક સંસ્થાના અહેવાલમાં ખુલાસો
એએફપીના જણાવ્યા અનુસાર ઈરાનના ફોરેન્સિક ઓર્ગેનાઈઝેશને પોતાના રિપોર્ટમાં કહ્યું કે, માહસા અમીનીનું મોત માથા અને શરીરના મહત્વપૂર્ણ ભાગોમાં ઈજાના કારણે નથી થયું. આઠ વર્ષની ઉંમરે તેમને મગજની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. જે બાદ તેની સર્જરી થઈ હતી. મૃત્યુ આ સાથે સંબંધિત હતું. મહસાના મૃત્યુના લગભગ ત્રણ અઠવાડિયા પછી મેડિકલ રિપોર્ટ આવ્યો છે, જેમાં તેને ટાંકવામાં આવ્યો છે.