પોર્ટુગલમાં ભારતીય ગર્ભવતી મહિલાનું મોત, સ્વાસ્થ્ય મંત્રીએ રાજીનામું આપવું પડ્યું
મહિલાએ બાળકને જન્મ આપ્યો છે પરંતુ મહિલાનું કથિત રીતે હાર્ટ એટેકથી મોત થયું છે. આ પછી, પોર્ટુગલના વડા પ્રધાને આરોગ્ય પ્રધાન ડૉ. માર્ટા ટેમિડોનું રાજીનામું સ્વીકાર્યું.

પોર્ટુગલ (Portugal) ગયેલી સગર્ભા ભારતીય મહિલાના (indian women)મોત બાદ પોર્ટુગલના આરોગ્ય મંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે. મહિલા ડિલિવરી માટે હોસ્પિટલ (Hospital)પહોંચી હતી. પરંતુ હોસ્પિટલમાં બેડની અછતને કારણે તેને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. પરંતુ મહિલાનું કથિત રીતે હાર્ટ એટેકથી મોત થયું છે. આ પછી, પોર્ટુગલના વડાપ્રધાને આરોગ્ય પ્રધાન ડૉ. માર્ટા ટેમિડોનું રાજીનામું સ્વીકાર્યું.
એક 34 વર્ષીય ભારતીય મહિલાને કથિત રીતે હાર્ટ એટેક આવ્યો હતો અને દેશની સૌથી મોટી હોસ્પિટલમાંથી ટ્રાન્સફર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. જોકે આ પહેલી ઘટના ન હતી, પરંતુ ટીકાકારોનું કહેવું છે કે મેટરનિટી યુનિટમાં સ્ટાફની અછત પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી છે. ડૉ. માર્ટા ટેમિડો 2018 થી દેશના આરોગ્ય પ્રધાન હતા. અને તેમને દેશમાં કોરોના વાયરસ ચેપનો સામનો કરવાનો શ્રેય આપવામાં આવે છે.
વડાપ્રધાને રાજીનામું માંગ્યું
જોકે, મંગળવારે, પોર્ટુગીઝ સરકારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ડૉ. ટેમિડો સમજી ગયા છે કે તેઓ હવે આરોગ્ય પ્રધાન તરીકે ચાલુ રાખવા માટે યોગ્ય નથી. વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ કહ્યું કે મહિલાના મૃત્યુને કારણે તેમનું રાજીનામું લેવામાં આવ્યું છે. દેશના મેટરનિટી યુનિટમાં સ્ટાફની અછત છે. અને આને લઈને સરકારનો વિરોધ પણ થઈ રહ્યો છે. સાથે સાથે અનેક યુનિટો પણ બંધ થઈ ગયા છે અને સગર્ભા મહિલાઓને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ભટકવું પડે છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, સગર્ભા પ્રવાસીને લિસ્બનની સાન્ટા મારિયા હોસ્પિટલમાંથી ટ્રાન્સફર કરવામાં આવી રહી હતી. જે દેશની સૌથી મોટી હોસ્પિટલ છે. પરંતુ અહીંના પ્રસૂતિ એકમમાં ખાલી બેડ નહોતો. મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હોવા છતાં મહિલાને બચાવી શકાઈ ન હતી. મહિલાના મોતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
અગાઉના મૃત્યુ
પોર્ટુગલમાં છેલ્લા કેટલાક મહિનામાં આવા જ કિસ્સાઓ નોંધાયા છે, જ્યારે એક દર્દીનું અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરતી વખતે મૃત્યુ થયું હતું. તાજેતરમાં બે બાળકોના મોત થયા હતા, જેમની માતાને હોસ્પિટલમાં દાખલ થવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. દેશમાં સ્ટાફની અછતને કારણે દેશની સરકારે પ્રસૂતિ એકમો માટે વિદેશથી ભાડે રાખવું પડે છે.