અમેરિકામાં ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખવા ગુજરાતીઓએ કરી હોળીની ઉજવણી 

અમેરિકન ભારતીયો દ્વારા અમેરિકામાં પણ ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખવા અને ભારતીય સંસ્કારોનું જતન સિંચન કરતા ઉત્સવોની ભાવસભર ઉજવણી કરવામાં આવે છે.

  • Neeru Zinzuwadia Adesara
  • Published On - 23:10 PM, 30 Mar 2021
અમેરિકામાં ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખવા ગુજરાતીઓએ કરી હોળીની ઉજવણી 

અમેરિકન ભારતીયો દ્વારા અમેરિકામાં પણ ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખવા અને ભારતીય સંસ્કારોનું જતન સિંચન કરતા ઉત્સવોની ભાવસભર ઉજવણી કરવામાં આવે છે. પશ્ચિમની સંસ્કૃતિમાં અને વાતાવરણમાં જઈ વસેલા ભારતીય ગુજરાતી પરિવારો ભારતીય ઉત્સવો પારંપરિક રીતે ઉજવે છે અને નવી પેઢીને સંસ્કારીત કરી રહ્યા છે. અમેરિકાના ઓરેન્જ સિટીના એનહાઈમાં ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી અને ગાયત્રી મંદિર પરિવારના સંયુક્ત ઉપક્રમે હોળી ઉત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં લોસ એન્જલસ, ઓરેન્જ કાઉન્ટી અને આસપાસ રહેતા અનેક ગુજરાતી પરિવારોએ હોળી પૂજનમાં ભાગ લીધો હતો.

 

 

ગાયત્રી મંદિરના ખુલ્લા ચોગાનમાં સાંજ ઢળતા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન વિધિ કરી હોળી પ્રગટાવવામાં આવી હતી. આ તબકકે શ્રધ્ધાળુઓ દ્વારા ગાયત્રી મંત્રના મંત્રોચ્ચાર સાથે પુંજન સામગ્રી હોળીમાં હોમવામાં આવી હતી. ઉત્સવના અંતે ધાણી, ખજૂર અને ગુજરાતી ભોજન પ્રસાદનું પણ આયોજન રખાયું હતું. આ ઉત્સવ કાર્યક્રમને સ્થાનિક ભારતીયોએ મનભરીને માણ્યો હતો. કોવિડ ગાઈડલાઈનને લઈ અન્ય તામઝામમાં સાદગી પાળવામાં આવી હતી. આ ઉત્સવ કાર્યક્રમમાં ગાયત્રી પરિવાર એનાઈમના પ્રમુખ રાજુભાઈ પટેલ, ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ પરિમલભાઈ શાહ, સંસ્થાના સેક્રેટરી અને લેબોન હોસ્પિટલીટી ગ્રુપના યોગી પટેલ દ્વારા ઉત્સવની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

 

ગાયત્રી પરિવારના પૂજારી કૌશિકભાઈ પટેલે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે પારંપરિક વિધિ સંપન્ન કરી હતી. આ તબક્કે સોનિયા પટેલ, હેમુ પટેલ, કલ્પના શાહ, જાગૃતિ પટેલ, ઉમા બેન પટેલ, ડાહીબેન પટેલ સહિત મહિલા શ્રધ્ધાળુઓએ ઉત્સવનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રત્યેક ઉત્સવ તેઓ સાથે મળી ભારતીય પરંપરા મુજબ ઉજવે છે. કાર્યક્રમના અંતે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના ચેરમેન યોગી પટેલ દ્વારા હોળીકા દહન સાથે કોરોના દહન પણ અનિવાર્ય હોવાનું જણાવી ઉપસ્થિત પ્રત્યેક ગુજરાતી પરિવારજનોને કોરોના વેકિસન લેવા અનુરોધ અને અપીલ કરાઈ હતી.