અફઘાનિસ્તાનમાં રહેતા શીખોને તાલિબાને આપી ધમકી, અકાલી દળે કહ્યું- પીએમ મોદી સમક્ષ મુદ્દો ઉઠાવશે

અકાલી દળના વરિષ્ઠ ઉપાધ્યક્ષ દલજીત સિંહ ચીમાએ કહ્યું કે જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા છે ત્યારથી શીખો પર ઘણા હુમલા થયા છે અને તે સ્પષ્ટ છે કે શીખો અને અન્ય લઘુમતી ધર્મના લોકો માટે અફઘાનિસ્તાન હવે સુરક્ષિત સ્થાન નથી.

અફઘાનિસ્તાનમાં રહેતા શીખોને તાલિબાને આપી ધમકી, અકાલી દળે કહ્યું- પીએમ મોદી સમક્ષ મુદ્દો ઉઠાવશે
File photo

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના (Taliban) કબજા બાદ ત્યાં રહેતા લોકોની સ્થિતિ વધુ ખરાબ બની છે. અફઘાનિસ્તાન હવે શીખો અને અન્ય લઘુમતી ધર્મના લોકો માટે સુરક્ષિત દેશ નથી. તાલિબાન અફઘાનિસ્તાનમાં રહેતા શીખોને (Sikh Community) ધમકી આપે છે. અફઘાનિસ્તાનમાં સમગ્ર શીખ સમુદાય તાલિબાનના ડરને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  અફઘાનિસ્તાનમાં હાલમાં લગભગ 180 અફઘાન શીખો અને હિન્દુઓ છે.

તાલિબાન દ્વારા શીખોને ધમકાવવાના મુદ્દે અકાલી દળના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને પંજાબના પૂર્વ મંત્રી દલજીત સિંહ ચીમાએ કહ્યું કે, આ મામલો ખૂબ જ ગંભીર છે અને ભારત સરકારે આ મામલામાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ અને શીખોની સાથે અફઘાનિસ્તાનમાં રહેતા અન્ય લઘુમતી ધર્મના લોકોને પણ અફઘાનિસ્તાનમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.

દલજીત સિંહ ચીમાએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા બાદથી શીખો પર ઘણા હુમલા થયા છે અને તે સ્પષ્ટ છે કે અફઘાનિસ્તાન હવે શીખ અને અન્ય લઘુમતી ધર્મોના લોકો માટે સલામત સ્થળ નથી. ચીમાએ કહ્યું કે અકાલી દળ ટૂંક સમયમાં આ સમગ્ર મામલો કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ઉઠાવશે.

તેમણે કહ્યું કે અકાલી દળની સાથે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ પણ આ બાબતે ભારત સરકારને સંપૂર્ણ સહકાર આપશે જેથી શીખોને જલ્દીથી ભારતમાં લાવી શકાય. ચીમાએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં રહેતા શીખોનો સમય ઘણો ઓછો છે. તેથી પંજાબ સરકારે પણ આ મામલો કેન્દ્ર સરકાર સાથે સત્તાવાર રીતે ઉઠાવવો જોઈએ અને અફઘાનિસ્તાનમાં રહેતા શીખોને બને તેટલી વહેલી તકે ભારત લાવવા માટેના પ્રયાસ શરૂ કરવા જોઈએ.

નોંધનીય છે કે, અફઘાનિસ્તાન સરકારના પતન પહેલા પણ અફઘાનિસ્તાનમાં તેમની સ્થિતિ ઘણી ખરાબ હતી. હવે એક અહેવાલ કહે છે કે, શીખોએ સુન્ની ઇસ્લામ અપનાવવા અથવા અફઘાનિસ્તાનથી ભાગી જવાના વિકલ્પો વચ્ચે પસંદગી કરવી પડશે. આ અહેવાલ એવા સમયે સામે આવ્યો છે જ્યારે થોડા દિવસ પહેલા જ તાલિબાનીઓ કાબુલના ગુરુદ્વારામાં ઘુસ્યા હતા.

શીખ સમુદાય સદીઓથી અફઘાનિસ્તાનમાં રહે છે, પરંતુ દાયકાઓથી અફઘાન સરકાર શીખોને પૂરતા પ્રમાણમાં આવાસ આપવામાં અને તેમના ઘરો પુન:સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે. 1990 ના દાયકા દરમિયાન, તેમના પડોશીઓ અને લડવૈયાઓએ શીખોના ઘરો પર ગેરકાયદે કબજો કર્યો હતો.

 

આ પણ વાંચો  : તાલિબાનના રાજમાં અફઘાન શીખોની ખરાબ હાલત! લોકોને ‘ધર્મ બદલો અથવા દેશ છોડો’ માંથી એક વિકલ્પ પસંદ કરવાની પડી ફરજ

આ પણ વાંચો : કાબુલની વીજળી ગુલ કરવા પાછળ ઇસ્લામિક સ્ટેટનો હાથ, IS-Kએ કહ્યું- અમારા લડવૈયાઓએ પાવર લાઇન પર હુમલો કર્યો

Click on your DTH Provider to Add TV9 Gujarati