તાલિબાનનો દેખાયો અસલી રંગ, છોકરાઓ અને છોકરીઓને સાથે ભણવા પર લગાવ્યો પ્રતિબંધ

અશરફ ગનીના નેતૃત્વવાળી અફઘાન સરકારના પતન બાદ તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં સત્તા પર પાછા ફર્યા બાદ આ પ્રથમ ફતવો બહાર પાડવામાં આવ્યો છે.

તાલિબાનનો દેખાયો અસલી રંગ, છોકરાઓ અને છોકરીઓને સાથે ભણવા પર લગાવ્યો પ્રતિબંધ
પ્રતીકાત્મક તસ્વીર

અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કર્યા બાદ તાલિબાનોએ (Taliban) સરકાર બનાવતા પહેલા જ પોતાનો સાચો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. હેરત પ્રાંતમાં તાલિબાનોએ જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓને આદેશ આપ્યો છે કે, હવે છોકરીઓને છોકરાઓ સાથે એક જ વર્ગમાં બેસવા દેવામાં આવશે નહીં.

આદેશ આપતા પહેલા તાલિબાન અધિકારીઓએ યુનિવર્સિટીના પ્રોફેસરો અને ખાનગી સંસ્થાઓના માલિકો સાથે ત્રણ કલાકની બેઠક યોજી હતી. ત્યારે તાલિબાને કહ્યું કે શાળાઓમાં સહ-શિક્ષણ ચાલુ રાખવા માટે કોઈ વિકલ્પ અને વાજબીપણું નથી. અમે તેને સમાપ્ત કરવાનો આદેશ આપી રહ્યા છીએ.

તાલિબાને અફઘાનિસ્તાનમાં છોકરા-છોકરી સાથે ભણવા પર પ્રતિબંધ મૂક્યો છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ દેશમાં મહિલા અધિકારોનું સન્માન કરવાની ખાતરી આપી હતી. તાલિબાનના ઉચ્ચ શિક્ષણ મંત્રી શેખ અબ્દુલ બાકી હક્કાનીએ કહ્યું કે, છોકરાઓને છોકરીઓ સાથે ભણાવવાની મંજૂરી નથી.

હક્કાનીએ વધુમાં કહ્યું કે શરિયા કાયદા અનુસાર શિક્ષણ પ્રવૃત્તિઓ થશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મહિલા લેક્ચરરોને માત્ર વિદ્યાર્થીનીઓને જ ભણાવવાની મંજૂરી આપવામાં આવશે, વિદ્યાર્થીઓને નહીં.

ત્યારબાદ અફઘાનિસ્તાનના પત્રકાર બશીર અહમદ ગ્વાખે ટ્વિટ કર્યું હતું કે, “આ પગલાએ છોકરીઓને ઉચ્ચ શિક્ષણથી અસરકારક રીતે વંચિત કરી દીધા છે કારણ કે યુનિવર્સિટીઓ વિવિધ વર્ગો પૂરા પાડી શકે તેમ નથી અથવા પૂરતા માનવ સંસાધનો નથી.”

હેરત પ્રાંતના પ્રોફેસરો અને વાચકોએ દલીલ કરી હતી કે સરકારી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ વર્ગખંડોનું અલગથી સંચાલન કરી શકે છે, પરંતુ ખાનગી સંસ્થાઓ મહિલા વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યાને કારણે અલગ વર્ગખંડો બનાવી શકતી નથી. અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતના ઉચ્ચ શિક્ષણના વડા, મુલ્લા ફરીદ, જે હેરાતમાં બેઠકમાં તાલિબાનનું પ્રતિનિધિત્વ કરતા હતા, તેમણે કહ્યું છે કે સહ-શિક્ષણ નાબૂદ થવું જોઈએ કારણ કે આ વ્યવસ્થા સમાજમાં તમામ દુષ્ટતાનું મૂળ છે.

અશરફ ગનીના નેતૃત્વવાળી અફઘાન સરકારના પતન બાદ તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં સત્તા પર પાછા ફર્યા બાદ આ પ્રથમ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનમાં ઉચ્ચ શિક્ષણના કાર્યકારી મંત્રી તરીકે શેખ અબ્દુલ બાકી હક્કાનીની નિમણૂક થયાના એક દિવસ બાદ આ આદેશ આવ્યો છે.

ફરિદે એક વિકલ્પ તરીકે સૂચવ્યું કે સ્ત્રી પ્રોફેસર અથવા વૃદ્ધ પુરુષ પ્રોફેસરને વિદ્યાર્થીનીઓને ભણાવવાની મંજૂરી છે અને સહ-શિક્ષણ માટે કોઈ વિકલ્પ અથવા વાજબીપણું નથી. હેરાતના વ્યાખ્યાતાઓએ જણાવ્યું હતું કે ખાનગી સંસ્થાઓ અલગ વર્ગો પરવડી શકે તેમ ન હોવાથી હજારો છોકરીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી શકે છે. પ્રાંતમાં ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં આશરે 40,000 વિદ્યાર્થીઓ અને 2,000 વ્યાખ્યાતા છે.

 

આ પણ વાંચો : Paddy Farming : ડાંગરના પાકની કાળજી ન લેવાથી થઇ શકે છે મોટું નુકસાન, રોગ-જીવાતના નિયંત્રણ માટે કરો આ કામ

આ પણ વાંચો :નર્સરીમાં કામ કરતા શીખી ખેતી કરવાની કળા, હવે બાગાયતી પાકોની ખેતી દ્વારા કરી રહ્યા છે કમાણી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati