ફ્રિજમાં રાખેલા જૂના ભાત ખાવા સ્વાસ્થ્યપ્રદ, તાજા રાંધેલા ભાત કેમ ન ખાવા જોઈએ? જાણો તેની પાછળનું રસપ્રદ વિજ્ઞાન
તાજા રાંધેલા ભાતની સરખામણીએ ફ્રિજમાં ઠંડા કરીને ફરી ગરમ કરેલા ભાત ખાવાથી બ્લડ સુગરમાં ઓછો વધારો થાય છે. આવું ભાતમાં સર્જાતા 'રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ' (Resistant Starch) ને કારણે થાય છે. ડાયાબિટીસ કે બ્લડ સુગરની સમસ્યા ધરાવતા લોકો માટે ભાત ખાવાની આ રીત કેવી રીતે કામ કરે છે અને તેને સાચવવાની સાચી રીત કઈ છે? જાણો વૈજ્ઞાનિક વિશ્લેષણ.

ભારતીય ઘરોમાં દાળ-ભાત હોય કે રાજમા-ચાવલ, રોજેરોજ ભાત બનવા ખૂબ સામાન્ય છે અને મોટાભાગના લોકોને તે ભાવે પણ છે. પરંતુ ડાયાબિટીસ અથવા અનિયંત્રિત બ્લડ સુગરની સમસ્યા ધરાવતા દર્દીઓને ડોક્ટરો હંમેશા ભાત ઓછો ખાવાની સલાહ આપે છે. શું તમે જાણો છો કે ભાત બનાવ્યા બાદ તેને ફ્રિજમાં ઠંડો કરીને ખાવાથી શરીર પર તેની અસર બદલાઈ જાય છે? વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, ઠંડા કરેલા ભાતને ફરી ગરમ કરીને ખાવાથી અમુક કિસ્સાઓમાં તાજા ભાતની તુલનાએ બ્લડ સુગરમાં ઘણો ઓછો ઉછાળો આવે છે. આ ચમત્કાર પાછળ ભાતમાં રહેલા સ્ટાર્ચમાં થતો ફેરફાર જવાબદાર છે.
ભાતમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જ્યારે ભાત રાંધવામાં આવે છે, ત્યારે ગરમી અને પાણીના સંપર્કથી તેમાં રહેલો સ્ટાર્ચ નરમ અને ઢીલો થઈ જાય છે. પરિણામે આપણું પાચનતંત્ર એન્ઝાઇમ્સની મદદથી તેને સરળતાથી તોડીને ઝડપથી ગ્લુકોઝમાં રૂપાંતરિત કરી દે છે. આ ગ્લુકોઝ લોહીમાં ભળતાં જ બ્લડ સુગરનું લેવલ ઝડપથી વધી જાય છે.
પરંતુ જ્યારે રાંધેલા ભાતને ફ્રિજમાં ઠંડા કરવામાં આવે છે, ત્યારે સ્ટાર્ચનું બંધારણ ફરીથી ગોઠવાવા લાગે છે. વિજ્ઞાનમાં આ પ્રક્રિયાને ‘સ્ટાર્ચ રેટ્રોગ્રેડેશન’ (Starch Retrogradation) કહેવાય છે. આ પ્રક્રિયા દરમિયાન ભાતમાં રહેલા સામાન્ય સ્ટાર્ચનો કેટલોક ભાગ ‘રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ’ (Resistant Starch) માં ફેરવાઈ જાય છે.
શું છે રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ અને તે કેવી રીતે કામ કરે છે?
રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ એવો સ્ટાર્ચ છે જે સામાન્ય સ્ટાર્ચની જેમ નાના આંતરડામાં સરળતાથી પચતો નથી. તે શરીરમાં ડાયેટરી ફાઇબર (રેસા) ની જેમ વર્તે છે અને તેનો મોટો ભાગ સીધો મોટા આંતરડા સુધી પહોંચે છે. મોટા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયા તેને આથો (ફર્મેન્ટ) લાવે છે. આ કારણથી ભાતમાંથી મળતા ગ્લુકોઝની માત્રા ઘટી જાય છે અને શરીરમાં તેના શોષાવાની ઝડપ પણ ધીમી પડી જાય છે, જેથી બ્લડ સુગર અચાનક સ્પાઇક થતું નથી.
- 2015 નો અભ્યાસ: ‘એશિયા પેસિફિક જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશન’માં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં 15 સ્વસ્થ પુખ્ત વયના લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં 24 કલાક સુધી 4 ડિગ્રી સેલ્સિયસ પર ફ્રિજમાં રાખીને ફરી ગરમ કરાયેલા ભાત ખાવાથી તાજા રાંધેલા ભાતની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછો ગ્લાયસેમિક રિસ્પોન્સ જોવા મળ્યો હતો.
- 2022 નો અભ્યાસ: ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા 32 દર્દીઓ પર કરવામાં આવેલા અન્ય એક સંશોધનમાં પણ જોવા મળ્યું કે ઠંડા કરીને ફરી ગરમ કરેલા ભાત ખાધા બાદ લોહીમાં શર્કરાનું સ્તર પ્રમાણમાં ખૂબ ઓછું વધ્યું હતું.
જોકે, આ પરિણામો દરેક વ્યક્તિ માટે એકસરખા જ સાબિત થાય તે જરૂરી નથી. ભાતની જાત (વેરાયટી), બનાવવાની પદ્ધતિ, પીરસાયેલું પ્રમાણ અને દર્દીની ચાલુ દવાઓ પણ બ્લડ સુગર પર પ્રભાવ પાડે છે.
ભાતને ફ્રિજમાં સ્ટોર કરવાની સાચી રીત:
ભાત રાંધ્યા પછી તેને લાંબા સમય સુધી રૂમના સામાન્ય તાપમાને ખુલ્લા ન છોડવા જોઈએ, કારણ કે તેનાથી બેક્ટેરિયા પેદા થવાનું જોખમ રહે છે. તેને ઝડપથી ઠંડા કરવા માટે નાના અને છીછરા (Shallow) કન્ટેનરમાં ભરીને તુરંત ફ્રિજમાં મૂકી દેવા હિતાવહ છે. વધેલા ભાતનો 24 કલાકની અંદર જ ઉપયોગ કરવો જોઈએ અને ખાતાં પહેલાં તેને યોગ્ય રીતે વ્યવસ્થિત ગરમ કરી લેવા જોઈએ.
