VALSAD : વલસાડમાં અનરાધાર વરસાદ, ઉમરગામમાં 11 ઇંચ, વાપીમાં 6 ઇંચ વરસાદ પડ્યો

RAIN IN VALSAD : ઉમરગામમાં સર્વાધિક 10 ઈંચ, વાપીમાં 6 ઈંચ અને પારડી, કપરાડામાં 2 ઈંચ તેમજ વલસાડમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Aug 31, 2021 | 5:01 PM

VALSAD : વલસાડ જિલ્લામાં મેઘરાજા દે ધનાધન વરસ્યા છે. ઉમરગામમાં સર્વાધિક 10 ઈંચ વરસાદ ખાબક્યો, તો વાપીમાં 6 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. પારડી, કપરાડામાં 2 ઈંચ અને વલસાડમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને કારણે ઉમરગામ અને વલસાડના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં. આ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. ઉમરગામની કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા, જો કે દુકાનદારોએ માલ ઉપર મૂકી દીધો હોવાથી મોટી નુકસાની ટળી છે. વલસાડમાં દર વર્ષે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો અંત ન આવતા સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ પણ જોવા મળ્યો છે.

વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહેરથી નાના-મોટા નદી-નાળા છલકાઈ ગયા છે.કેટલાક બેઠા પુલ પર પાણીનો પ્રવાહ વધ્યો, તો વહીવટી તંત્રએ લોકોને પુલ પરથી પસાર થવાની મનાઈ ફરમાવી છે. વલસાડના ઉમરગામની વારોલી નદી બે કાંઠે વહેવા લાગી. વારોલી નદીમાં પ્રચંડ પ્રવાહ જોવા લોકો પુલ પર ટોળે વળ્યાં હતા. મેઘરાજાએ વલસાડ જિલ્લાની સાથે દક્ષિણ ગુજરાતમાં મહેર વરસાવતા ખેતીને ફાયદો મળશે.

ગુજરાતમાં 10 તારીખ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમની અસરના ભાગરૂપે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડયો છે.

આ પણ વાંચો : GANDHINAGAR : નવા મુખ્યસચિવ પંકજ કુમારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો, કહ્યું, કોઈપણ સમસ્યા કે આપદા, નિવારીશું સંપૂર્ણપણે

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati