વલસાડ વેપારી એસો.નો નિર્ણય, તમામ બજારની દુકાનો રાત્રે 8 વાગે બંધ

દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા ચિંતીત વલસાડ વેપારી એસોસિએશને એક નિર્ણય કર્યો છે. વલસાડમાં વિવિધ બજારોની દુકાનો હવે રાત્રીના 9.30ને બદલે રાત્રે 8 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.

  • Bipin Prajapati
  • Published On - 9:38 AM, 5 Apr 2021
વલસાડ વેપારી એસો.નો નિર્ણય, તમામ બજારની દુકાનો રાત્રે 8 વાગે બંધ
વલસાડ વેપારી એસોસિએશન અને જિલ્લા વહીવટીતંત્રની બેઠક

સમગ્ર દેશની સાથે ગુજરાતમાં વધી રહેલા કોરોનાના ( corona ) કેસને ધ્યાને લઈને વિવિધ નગર અને ગામમાં સ્થાનિક કક્ષાએ અનેક સ્વૈચ્છીક નિયમો બનાવીને તેનું પાલન કરવામા આવી રહ્યુ છે. દક્ષિણ ગુજરાતના મોટા શહેર એવા વલસાડમાં ( valsad ) પણ વેપારી એસોસિએશને ( Traders Association ) અને વહીવટીતંત્રે ભેગા મળીને કેટલાક નિયમો બનાવ્યા છે.  કોરોના કાળને ધ્યાને લઈને વલસાડ શહેરમાં વેપારીઓએ તેમની દુકાન રાત્રે આઠ વાગે (8pm) બંધ કરી દેશે. જો કે અત્યાર સુધી આ દુકાનો રાત્રે 9.30 સુધી ખુલ્લી રહેતી હતી.

દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાના દર્દીઓના આંકડામા રોજબરોજ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે ઠેર ઠેર સાવચેતી માટે તંત્ર પગલા ભરી રહ્યું છે અને લોકોને પણ સંક્રમણ અટકે તે માટે તકેદારી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.  વલસાડ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર અને વેપારી એસોસિયેશન એ ખાસ બેઠક યોજીને કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને તમામ દુકાનો સાંજે ૮ વાગે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

વલસાડ શહેરમાં દક્ષિણ ગુજરાતનુ ખુબ મોટું માર્કેટ છે અને લગભગ ૯:૩૦ સુધી દુકાનો ચાલુ રહે છે. ત્યારે દુકાનો બંધ કરવાનો સમય હવે કોરોનાને વધતા સંક્રમણને ધ્યાને લઈને ૮ વાગ્યાનો કર્યો છે. હાલમાં જે રીતે કોરોના વધી રહ્યો છે. તે જોતોં અગામી ૧૫ દિવસ માટે આ નિર્ણય લેવાયો છે અને ત્યારબાદની પરિસ્થિતિ જોઇને આગળના પગલા નક્કી કરશે.

જોકે કોરોનાના કાળમાં કેટલાક સરકારી વિભાગ દ્વારા વેપારીઓને હેરાન- પરેશાન કરી અને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેને રોકવા માટે વેપારીઓએ ભારપૂર્વકની રજુઆતો કરી હતી. વલસાડ પ્રાંત અધિકારી એ વેપારીઓને તંત્ર દ્વારા કોઈ ખોટી હેરાનગતી કે પરેશાની ન થાય એ માટેની ખાતરી આપી છે અને વેપારીઓને પણ, કોરોનાની ગાઈડલાઈનનું સપૂર્ણ પાલન કરવાની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.

જો કે લોક ડાઉનમાં વેપાર ભાંગી ગયો હતો અને જેમ તેમ વેપારીઓ બેઠા થયા છે. ત્યારે વેપારીઓ પણ ઈચ્છી રહ્યા છે કે લોકડાઉન જેવી પરિસ્થિતિ ન સર્જાય અને કોરોનાના સંક્રમણ ને અટકાવવા બનાવાયેલા નિયમોનું પાલન થાય.