VADODARA : વડોદરાની GMERS ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 60 વિદ્યાર્થીઓના રેગિંગ મામલે એન્ટી રેગિંગ કમિટિએ મોટો નિર્ણય લીધો છે. રેગિંગ કરનારા 5 વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા હતા, આ 5 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. અ સાથે જ 6 મહિના માટે કોલેજમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભોગ બનનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે ચર્ચા કરી એ વાતનો નિર્ણય કરવામાં આવ્યો છે કે, રેગિંગ કરનારા વિદ્યાર્થીઓ પર પોલીસ કેસ નહીં કરવામાં આવે.
ગત તારીખ 25 જુલાઈના રોજ શહેરની ગોત્રી GMERS હોસ્પિટલમાં 60 વિદ્યાર્થીઓનું રેગિંગ થયાની ઘટના સામે આવી હતી. મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 60 વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 4 કલાકે આ 60 વિદ્યાર્થીઓને એક લાઈનમાં ઉભા રાખી 100 ઉઠક-બેઠક કરાવી હતી, જે દરમિયાન 3 વિદ્યાર્થીને ઉલટીઓ થવા લાગી હતી. આ વિદ્યાર્થીઓની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.રેગિંગમાં કેટલાક પૂર્વ વિદ્યાર્થી અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની સંડોવણી હતી.