Vadodara : સેવાની સંનિષ્ઠાનો પત્ર પુરાવો, ગોત્રી હોસ્પિટલના તબીબો ખરેખર લીધેલા શપથ સાચા કરે છે

Vadodara : સગર્ભા અને કોરોના સંક્રમિત પત્નીની જી.એમ.ઇ.આર.એસ.માં સલામત અને નોર્મલ પ્રસૂતિથી ખુશખુશાલ જયેશભાઇએ પત્ર પાઠવી માન્યો સહુનો આભાર.

Vadodara : સેવાની સંનિષ્ઠાનો પત્ર પુરાવો, ગોત્રી હોસ્પિટલના તબીબો ખરેખર લીધેલા શપથ સાચા કરે છે
તબીબોને આભાર વ્યક્ત કરતો પત્ર
yunus.gazi

| Edited By: Utpal Patel

May 13, 2021 | 3:59 PM

Vadodara : સગર્ભા અને કોરોના સંક્રમિત પત્નીની જી.એમ.ઇ.આર.એસ.માં સલામત અને નોર્મલ પ્રસૂતિથી ખુશખુશાલ જયેશભાઇએ પત્ર પાઠવી માન્યો સહુનો આભાર.

એક સામાન્ય પરિવારની સગર્ભા મહિલાને પ્રસુતિ નજીકમાં હોય તેવા સમયે કોરોનાનો ચેપ લાગે,જ્યાં લગભગ સગર્ભા અવસ્થાના સાડા આઠ મહિના તપાસ કરાવી હોય એ ડોકટર હવે પ્રસૂતિ કરાવવાની ના પાડી બીજા દવાખાનાનું સરનામું ચીંધે અને એ નવા દવાખાનાના તબીબ સિઝેરિયન સહિત લગભગ ત્રણ લાખના ખર્ચનો અંદાજ આપે ત્યારે મધ્યમવર્ગી પરિવારની કેવી હાલત થાય, એ કેવી મૂંઝવણમાં મુકાય ?

જયેશભાઇ જાદવ સાથે કંઇક એવું જ બન્યું.એમના પત્ની જ્યોતિબહેન જાદવ સગર્ભા હતા.એક તબીબને ત્યાં નોંધણી કરાવી આ જાગૃત દંપતિ નિયમિત ચેક અપ કરાવતા. બધું સુખરૂપ ચાલી રહ્યું હતું. ત્યાં કોરોનાની આસમાની આફત ત્રાટકી. પ્રસૂતિ નજીક હતી તેવા સમયે જ્યોતિબહેનને કોરોનાનો ચેપ લાગ્યો. સ્વાભાવિક રીતે જ જયેશભાઇ એ નોંધણી કરાવી હતી એ તબીબને જાણ કરી. તો એ તબીબે કોરોનાગ્રસ્ત સગર્ભાની પ્રસૂતિ કરાવવા માટેની જરૂરી વ્યવસ્થાના અભાવે ના પાડી.પરંતુ તેમણે નવા તબીબનું સરનામું ચીંધ્યું અને ડોકટર સારા છે,વાજબી ચાર્જ લેશે એવું આશ્વાસન પણ આપ્યું.

એટલે એ તબીબને ત્યાં ગયા. એમણે તો રોકડું પરખાવ્યું કે રૂ.1.50 લાખ આગોતરા ભરવા પડશે અને દવા, સિઝેરિયનથી પ્રસૂતિ,આ બધું મળીને રૂ.3 લાખ જેવો ખર્ચ થશે. જયેશભાઇને તો આ સાંભળી જાણે આંખે અંધારા આવી ગયાં. મધ્યમવર્ગી પરિવાર માટે આ ગજા બહારની વાત હતી. તેવા સમયે જી.એમ.ઇ.આર.એસ.,ગોત્રી ખાતે કાર્યરત ડો.હિરેન પ્રજાપતિ તેમની મદદે આવ્યા અને આ સરકારી દવાખાના ના ગાયનેક વિભાગના ડો.અંજલિ સોનીનો સંપર્ક કર્યો. તેમણે તે સમયે વિભાગમાં ફરજ પર હાજર ડો.એના અને ડો.સ્મિત ને આ કેસ સંભાળવાની સૂચના આપી.

ગાયનેક વિભાગ ના હેડ ડો.આશિષ ને આ બાબતની જાણ કરવામાં આવી. તેમના માર્ગદર્શન હેઠળ ડો.એના અને ડો.સ્મિતે સુખરૂપ પ્રસૂતિ કરાવી અને માં તેમજ નવજાત શિશુની જરૂરી દેખરેખ કાળજીપૂર્વક લઈને પોતાની કર્તવ્ય નિષ્ઠાને દીપાવી.

અને,ખરા આશ્ચર્યની વાત તો હવે આવે છે. ડો.એના અને ડો.સ્મિત અને તેમના સહયોગી તબીબો, ટીમે આ કોરોનાગ્રસ્ત સગર્ભાની વિશેષ કાળજી સાથે સલામત અને નોર્મલ પ્રસૂતિ કરાવી.જાણે કે સુળીનું દર્દ સોયના ચટકાથી ટળ્યું.

જયેશ જાદવે પાઠવેલા એક લાગણીથી છલકાતા આભાર પત્રમાં જણાવ્યું છે કે ફરજ પરના તબીબો,નર્સ બહેનો અને ટીમે ખૂબ જ સહયોગ અને માર્ગદર્શન આપ્યું છે. તેમણે સહુ સારું જ થશેનું આશ્વાસન આપી અમારું મનોબળ મક્કમ કર્યું.

ખરેખર અહીંના તબીબો દાક્તરીના ભણતર વખતે લીધેલા શપથ સાચા ઠેરવે છે. આ સરકારી દવાખાનું સાચો રાહ બતાવે છે અને સહયોગ આપે છે. હું અને મારો પરિવાર દિલથી તેમના આભારી છીએ.

અહીં નોંધ લેવી ઘટે જે ગોત્રી હોસ્પીટલમાં લગભગ કોરોના મહામારીની શરૂઆતથી ડો.આશિષ શાહ અને તેમની સમગ્ર ટીમ ગાયનેક વિભાગમાં કોરોનાનો ચેપ ધરાવતી સગર્ભાઓ માટે અલગ લેબર રૂમ અને અલગ ટીમ રાખી સલામત પ્રસૂતિનું સ્તુત્ય પુણ્ય કાર્ય કરી રહ્યાં છે.આ હોસ્પિટલમાં કોરોના સગર્ભા માટેના પ્રસૂતિ રૂમથી સાવ અલાયદિ જગ્યાએ નોર્મલ લેબર રૂમ કાર્યરત રાખવામાં આવ્યો છે અને હંમેશની માફક નોર્મલ પ્રસુતિની સુવિધા ઉપલબ્ધ જ છે જેની જરૂરિયાતમંદોને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. ( આભાર પત્રના આધારે)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati