
ગુજરાતમાં ચોમાસાએ વિદાય લઇ લીધી છે, છતા હજુ પણ કેટલાક વિસ્તારોમાં મિશ્ર ઋતુ જોવા મળે છે. જો કે રાજ્ય સહિત સમગ્ર દેશમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટા પાયે પલટો આવવાની શક્યતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ઓક્ટોબરથી શરૂ થતાં આ પરિવર્તન ડિસેમ્બર સુધી ચાલે તેવી શક્યતા છે, જેમાં પવન, વરસાદ, ઠંડી અને ચક્રવાત જેવી ઘટનાઓ જોવા મળશે.
ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં 13 ઓક્ટોબરથી વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. હવામાનમાં પલટો શરૂ થતો જોઈ શકાય છે.
ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં 17 અને 18 ઓક્ટોબરના રોજ ભારે પવન ફૂંકાય તેવી સંભાવના છે. માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
હવામાનમાં વધુ એક ફેરફાર 24 ઓક્ટોબરથી જોવા મળશે. રાજયમાં ઠંડીનો પ્રારંભ થઈ શકે છે અને હવામાં ઠંડકનો ચમકારો અનુભવાશે.
30 ઓક્ટોબર સુધી દક્ષિણ ભારત, મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં હળવા માવઠાની શક્યતા છે.
ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતા રહે છે, જેના કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ઠંડીનો ચમકારો વધી શકે છે. તાજેતરમાં જ ઉત્તરભારતમાં ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થયે લી છે.
હવામાન વિભાગ અનુસાર 8થી 13 નવેમ્બર દરમિયાન દક્ષિણ ભારતના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.
ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાતી હલચલ જોવા મળી શકે છે.
18 થી 21 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે.
ખાસ કરીને 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સક્રિય થવાની શક્યતા છે.
ડિસેમ્બર સુધી આ પ્રકારની ચક્રવાતી પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે.
23 થી 26 નવેમ્બર દરમિયાન ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની આગાહી છે, જેના સીધા અસર રૂપે ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોમાં ઠંડી વધી શકે છે.
ડિસેમ્બર અંતે ખાસ કરીને 22 ડિસેમ્બરથી રાજ્યમાં ગાત્રો થીજવી નાખે એવી કડકડતી ઠંડીનો આરંભ થવાની શક્યતા છે.
Published On - 9:25 am, Mon, 13 October 25