Surendranagar: સરકારી બાબુઓ જરા આળસ ખંખેરો, ધાંગધ્રાનાં રાજચરાડી ગામે ગયા વર્ષે તણાઈ ગયેલો પુલ આજે પણ જૈસે થેની સ્થિતિમાં, નવો બનશે ખરો?

Surendranagar: રાજચરાડી ગામના લોકોને સીમમાં જવા માટે 15 કિલોમીટર ફરીને જવું પડે છે તો સીમ વિસ્તારમાં રહેતા ખેત મજૂરોના બાળકો શિક્ષણ, આરોગ્યની સુવિધા માટે હેરાન થાય છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 9:20 PM

Surendranagar: સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે નદી(River) પરનો પુલ(Bridge) ગત ચોમાસામાં ધોવાઈ ગયો હતો આ પુલ ફરી બનાવવા સ્થાનિકો, આગેવાનોએ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

રાજચરાડી ગામના લોકોને સીમમાં જવા માટે 15 કિલોમીટર ફરીને જવું પડે છે તો સીમ વિસ્તારમાં રહેતા ખેત મજૂરોના બાળકો શિક્ષણ, આરોગ્યની સુવિધા માટે હેરાન થાય છે. અહીં સત્વરે નવો ઉંચો પુલ બનાવીને હાલાકી દૂર કરવામાં આવે તેવી લોકોની માગણી છે.

સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રાના રાજચરાડી ગામની આ સમસ્યા ગયા ચોમાસાથી ચાલતી આવી છે. ગામને જોડતો પૂલ જ ધોવાઈ જતા ગ્રામજનો હાલાકીમાં આવી ગયા હતા. તેમને એમ હતું કે થોડાક મહિનામાં સરકારી તંત્ર નવો પૂલ બનાવી આપશે પરંતુ પૂલ તો દુરની વાત રહી ગઈ સરકારી તંત્રનાં અધિકારીઓ પણ આ બાજુ ફરકતા નથી.

હવે તકલીફ એ સર્જાઈ છે કે ગ્રામજનો એ અગર અવર જવર કરવી હોય તો તેમણે 15 કિમિ જેટલો વધારાનો રસ્તો કાપીને જવું પડે છે. આ વર્ષે ફરીવાર ચોમાસુ બેસી ગયું છે ત્યારે ગ્રામજનોની તકલીફમાં કોઈ ઘટાડો થયો નથી. બલકે હવે તો કામ વધુ સમયમાં ખેંચાઈ જાય તેમ લાગી રહ્યું છે.

તંત્ર દ્વારા પુલ બનાવવામાં નહી આવે તો ગ્રામજનો મુશ્કેલીમાં મુકાશે તે અંગે ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવી છે છતા પણ સમસ્યા ઠેરનીઠેર રહી ગઈ છે. રાજચરાડી ગામથી સીમમાં જવાના રસ્તા પર આવેલો આ એક માત્ર પુલ છે.

આથી ગામના સરપંચ સહીતના આગેવાનો દ્વારા તંત્રમાં લેખીત તેમજ મૌખિક રજૂઆત કરી ચુક્યા છે. આ વાતને હવે એક વર્ષ જેટલો સમય થવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી ન કરાતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઇ છે.

હાલ ચોમાસાની સિઝન શરૂ થઇ ગઇ છે ત્યારે થોડા વરસાદમાંજ પુલ પર પાણી ફરી વળે છે જેના કારણે સીમમાં જવાનો રસ્તો બંધ થઇ જાય છે સાથે સાથે સીમમાં રહેતા ખેતમજૂરો પણ સંપર્ક વિહોણા બની જાય છે અને સીમમાં રહેતા આ મજૂરોની હાલત વધુ કફોડી બને છે આથી ગ્રામજનોની હાલાકીને ધ્યાને લઇ તંત્ર દ્વારા સત્વરે પુલ નવો બનાવવામાં આવે તેવી માગ ઉઠી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">