Surat : મેયરની મમતા, 17 વર્ષથી પોતાના ઘરે કામ કરતી મહિલાની દીકરીને હાથેથી પીઠી ચોળી

મેયર તરીકેના પહેલા કામોમાં ઔપચારિક હાજરી આપીને વ્યસ્ત સમયમાંથી પણ તેઓ આ દીકરીના પીઠી પ્રસંગમાં પહોંચ્યા અને પ્રેમથી સપનાના સપનાને પૂર્ણ કર્યું અને તેને હૃદયથી આશીર્વાદ આપ્યા.

Surat : મેયરની મમતા, 17 વર્ષથી પોતાના ઘરે કામ કરતી મહિલાની દીકરીને હાથેથી પીઠી ચોળી
Surat Mayor


શહેરના પ્રથમ નાગરિક, મેયરને (Mayor) ગણવામાં આવે છે. કારણ કે પ્રથમ નાગરિક તરીકે મેયરના શિરે આખા શહેરની (City) જવાબદારી હોય છે અને જયારે વાત સુરત જેવા મહાનગરની હોય ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આ શહેરની ઘણી બધી જવાબદારી અને પ્રશ્નોને લઈને ચાલવાનું હોય છે. ત્યારે સુરતના મેયરે આ બધી જવાબદારી નિભાવતા એક માતૃ હ્રદયનો પણ પરિચય કરાવ્યો છે. 

વાત છે સુરતના મેયર હેમાલી બોઘાવાલાની. શહેરમાં રોડ, રસ્તા, ગટર જેવી પ્રાથમિક સમસ્યાઓ અને શહેરના સગળતાં પ્રશ્નોને નિવારવા માટે મહિલા હોવા છતાં હંમેશા રાત દિવસ જોયા વગર દોડતા હેમાલી બોઘાવાલાએ તેમનામાં રહેલા માતૃ હ્રદયનો પણ હંમેશા પરિચય કરાવ્યો છે. આવું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું જયારે તેઓએ તેમના ઘરે ઘરકામ કરતી મહિલાની દીકરીને પોતાના હાથેથી પીઠી ચોળી હતી.

હેમાલી બેનના ઘરે છેલ્લા 17 વર્ષથી આશા દાસ નામની મહિલા ઘરકામ કરવા આવે છે. આશા બેનને સંતાનમાં એક દીકરી સપના છે. સપના નાની હતી ત્યારથી જ આશા બેન સાથે હેમાલી બેનના ઘરે સાથે આવતી જતી હતી. માતા આશા બેન જયારે ઘરકામ કરતા ત્યારે સપના ત્યાં જ રહેતી હતી. ત્યારથી જ સપના માટે હેમાલી બેનને પ્રેમ હતો. હેમાલી બેનના પરિવારમાં પણ એક દીકરો જ હતો. એટલે દીકરીનો બધો પ્રેમ તેઓએ સપનાને આપ્યો હતો.

આશા બેન દાસના પતિ થોડા વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તેવામાં હવે મોટી થયેલી દીકરી સપનાના લગ્ન નક્કી થયા, ત્યારે આશા બેને પણ નક્કી કર્યું કે દીકરીને પીઠી ચોળવાનો પહેલો હક હેમાલી બેનને જ મળશે અને તેઓએ હેમાલી બેનને આ વાત કરી. હેમાલી બેન બોઘાવાલાએ પણ આ નિમંત્રણને પ્રેમથી સ્વીકાર્યું અને મેયર તરીકે નહીં પણ પરિવારના સભ્ય તરીકે તેમજ એક માતા તરીકે જયારે એક દીકરીને નજર સામે મોટી થતા જોઈ હોય એ દીકરીના આ પ્રસંગે જવાનું નક્કી કર્યું.

મેયર તરીકેના પહેલા કામોમાં ઔપચારિક હાજરી આપીને વ્યસ્ત સમયમાંથી પણ તેઓ આ દીકરીના પીઠી પ્રસંગમાં પહોંચ્યા અને પ્રેમથી સપનાના સપનાને પૂર્ણ કર્યું અને તેને હૃદયથી આશીર્વાદ આપ્યા. જોકે આ પહેલો બનાવ નથી આ પહેલા પણ મેયરે પોતાનામાં માતૃત્વ કેટલું રહ્યું છે તેના તો અનેક ઉદાહરણ આપ્યા છે.

કોરોના મહામારીએ અસંખ્ય બાળકોના માતા-પિતા છીનવી લીધા છે. અનેક પરિવારોએ પોતાના ઘરના મોભી, માતા-પિતા, ભાઈ બહેન કે અન્ય સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે સરકારે આવા બાળકોને હૂંફ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત 21 વર્ષ સુધી મહિને 4 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા શહેરના 45 બાળકોની પડખે ઉભા રહી તેમની સાથે ભોજન લીધું હતું. જેમાં મેયરે 10 વર્ષની કન્વીશાને દત્તક લઈને દાખલો પણ બેસાડ્યો હતો.

10 વર્ષની દીકરી કન્વીશા અને તેના ભાઈએ સાડા ત્રણ વર્ષ પહેલા તેના પિતાનું છત્ર ગુમાવ્યું હતું. તેના પિતા ફોટોગ્રાફર હતા અને ગત વર્ષે કોરોનાથી તેની માતાનું પણ અવસાન થતા બાળકોએ આધાર ગુમાવ્યો હતો. જોકે હાલ આ બંને બાળકો તેના નાના- નાનીના ઘરે રહે છે. જયારે મામા બાળકોની પણ બાળકોની દેખરેખ અને સાર સંભાળ રાખે છે. કન્વીશા હાલ છઠ્ઠા ધોરણમાં ભણે છે. બાળકી સાથે જમતી વખતે તેને મેયરે પૂછ્યું હતું કે તેને શું બનવું છે ત્યારે નિખાલસતાથી તેણે કહ્યું હતું કે તે કલેકટર બનવા માંગે છે.

દીકરીની આંખોમાં દ્રઢ ઈચ્છા અને સપના જોઈને મેયરની આંખોમાં પણ આંસુ છલકાઈ ઉઠ્યા હતા અને દીકરીના સપનાઓને પુરા કરવા તેણીને બાળકીના આરોગ્ય અને આગળના અભ્યાસની તમામ જવાબદારીમાં મદદરૂપ થવાની નિર્ણય લીધો હતો. મેયરે જણાવ્યું છે કે આ દીકરીને દત્તક લઈને તેની તમામ જવાબદારી મેં ઉપાડી છે. દીકરીને ધોરણ 12 સુધી તો તે બાળકીના અભ્યાસ સુધી તેઓ બાળકીને અભ્યાસ સહિત આરોગ્યલક્ષી તમામ જરૂરિયાતો પુરી કરશે. દર 15 દિવસે તે બાળકીના ખબર અંતર પણ લેશે અને દીકરીના ઉછેરની કોઈ કમી ન રહી જાય તેનું પણ તેઓ પૂરતું ધ્યાન રાખશે.

 

આ પણ વાંચો : Surat : મેગા ટેક્સ્ટાઇલ પાર્ક માટે નવસારીના વાંસી ગામમાં કરાયો સર્વે

આ પણ વાંચો : Surat : દરેક ચૂંટણીમાં સરકારનું નાક દબાવતા કાપડ વેપારીઓને ટેક્સ્ટાઇલ મંત્રીએ ખંખેર્યા, પુછ્યુ, ચૂંટણી આવે ત્યારે જ જીએસટીની સમસ્યા ઉભી થાય છે?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati