Surat: વિનામૂલ્યે 1 લાખના કોરોના વીમા કવચનો CR પાટીલના હસ્તે પ્રારંભ, આખા દેશમાં આ પ્રકારનો આ પહેલો કાર્યક્રમ

શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલી શ્રી રત્નસાગર જૈન વિદ્યાશાળામાં આજે સવારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે શુભારંભ થયો હતો.

  • Tv9 webdesk41
  • Published On - 18:20 PM, 1 May 2021
Surat: વિનામૂલ્યે 1 લાખના કોરોના વીમા કવચનો CR પાટીલના હસ્તે પ્રારંભ, આખા દેશમાં આ પ્રકારનો આ પહેલો કાર્યક્રમ
CR Patil

Surat શહેરના તમામ સમાજના 18 વર્ષથી 65 વર્ષ સુધીના ભાઈ બહેનો માટે સુરતની સેવાભાવી સંસ્થા મુક્તિતિલક ફાઉન્ડેશન દ્વારા સી.આર.પાટીલ કોરોના કવચ વીમા યોજનાનો શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલી શ્રી રત્નસાગર જૈન વિદ્યાશાળામાં આજે સવારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે શુભારંભ થયો હતો.

 

આ અવસરે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં લોકો અલગ અલગ પ્રકારે સેવાકીય પ્રવૃત્તિ કરે છે, ત્યારે આ વિશિષ્ટ આયોજન ખરેખર પ્રશંસનીય છે. આખા દેશમાં આ પ્રકારનો આ પહેલો કાર્યક્રમ છે. આ માટે વડાપ્રધાન મોદીજીએ પણ શુભકામનાઓ પાઠવી છે.

 

આ યોજનાનું સંચાલન શહેરની જાણીતી સંસ્થા મુક્તિતિલક ફાઉન્ડેશનના ચેરમેન સુરેશ ડી. શાહ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. શહેરના તમામ લોકો માટે કોરોના વીમા કવચ લેવામાં આવશે. જેમાં 18થી 65 વર્ષ સુધીની વયમર્યાદા છે. આ એસ.બી.લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીની કોરોના રક્ષક પોલિસીની ટર્મ 195 દિવસની છે અને વિમાની રકમ 1 લાખની રહેશે. પોલિસી સૌએ ઓનલાઈન લેવાની રહેશે. દરેક વ્યક્તિનો સમય બચે તેથી વ્યક્તિએ જાતે જ ઓનલાઈન પોલિસી લેવાની છે.

 

જેમાં એસ.બી.આઈ. લાઈફ ઈન્સ્યોરન્સ કંપની દ્વારા માગેલા ડોક્યુમેન્ટની પૂર્તિ થતાં પોલિસી મળી જશે. આ પોલિસી તા-1લીમે થી 5મી મે સુધીમાં લઈ લેવાની રહેશે. આ સમયગાળામાં જ લીધેલી પોલિસીનું પ્રીમિયમ મુક્તિતિલક ફાઉન્ડેશન દ્વારા પરત કરવામાં આવશે.

 

વ્યક્તિ જાતે ઓનલાઈન પોલિસી લે ત્યારે તેનું પ્રીમિયમ તેણે જાતે જ ઓનલાઈન કરવાનું છે. જ્યારે વિમાની પોલિસી મળે ત્યારે પોલિસીની ઝેરોક્ષ, આધારકાર્ડ અને સંસ્થાનું એક ફોર્મ ભરશો એટલે ચૂકવેલી પ્રીમિયમની પુરેપુરી રકમ મુક્તિતિલક ફાઉન્ડેશન દ્વારા પરત આપી દેવાશે.

 

આ યોજના શરૂ કરવાના હેતુ અંગે સુરેશ શાહે કહ્યું કે વર્તમાનમાં કોરોનાની કપરી પરિસ્થિતિ છે, લોકોને નિસ્વાર્થ ભાવે મદદરૂપ થવાના આશયથી આ આયોજન કરાયું. આ યોજના સુરત શહેરના કોઈપણ સમાજના 18 વર્ષથી 65 વર્ષ સુધીના ભાઈઓ બહેનો માટે છે.

 

આ પ્રસંગે દર્શનાબેન જરદોશ, નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય હર્ષ સંઘવી, અરવિંદભાઈ રાણા, સંગીતાબેન પાટીલ, મેયર હેમાલિબેન બોઘાવાળા, ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણી, પરેશભાઈ પટેલ, કિશોરભાઈ બિંદલ તેમજ કોર્પોરેટર મહાનુભાવો તથા સુરત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું યુ ટ્યુબ ‘મુક્તિતિલક’ ચેનલ પર લાઈવ કરવામાં આવ્યુ હતું. જેમાં હજારો લોકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો. જેમાં પોલિસી અંગેની તમામ માહિતી દર્શકોને ઓનલાઈન આપવામાં આવી હતી.

 

આ પોલિસી માત્ર કોરોનાની સારવાર માટેની છે. તેમાં બીજીકોઈ સારવાર મળી શકશે નહીં. સરકાર માન્ય કોવિડ રિપોર્ટ અને સરકાર માન્ય હોસ્પિટલમાં 3 દિવસ વ્યક્તિ દાખલ થાય તો આ પોલિસીની એક લાખ રૂપિયા રકમ મળે છે.

 

જણાવવામાં આવે છે કે સંસ્થાનો એવો આશય છે કે શહેરના નાગરિકો વધુ સંખ્યામાં આ પોલિસી લે અને તેના પ્રીમિયમનો લાભ ભક્તિ સ્વરૂપે સંસ્થાને મળે. જો 10 હજાર લોકો આ પોલિસી લે તો એક વ્યક્તિના એક લાખ રૂપિયાના વીમા પ્રમાણે લગભગ પ્રીમિયમ 1 કરોડ જેટલું થાય અને તેની વિમાની રકમ 100 કરોડ થાય છે.

 

આ પણ વાંચો: દેશમાં ઓક્સિજનનું સૌથી વધુ ઉત્પાદન કરવા Reliance ઈન્ડસ્ટ્રીઝની યુદ્ધના ધોરણે કામગીરી, તમામ સંસાધનો કામે લગાડ્યા