Surat : રેલવે સ્ટેશન રામ ભરોસે, મુસાફરોનો સામાન ચેક કરવા માટેનુ બેગ સ્કેનર ધૂળ ખાઈ રહ્યું છે

એવી અપેક્ષા હતી કે બેગ સ્કેનર સિસ્ટમ ટૂંક સમયમાં શરૂ થશે. પરંતુ આજદિન સુધી આ મશીન કામ કરતું નથી. કોરોના પહેલા પણ જ્યારે બેગ સ્કેનર મશીન ચાલુ હાલતમાં હતું, ત્યારે પણ કેટલીક ટ્રેનોના મુસાફરોના સામાનની જ તપાસ કરવામાં આવી હતી.

Surat : રેલવે સ્ટેશન રામ ભરોસે, મુસાફરોનો સામાન ચેક કરવા માટેનુ બેગ સ્કેનર ધૂળ ખાઈ રહ્યું છે
Bag Scanner

સુરત રેલવે સ્ટેશન(Surat Railway Station ) પર મુસાફરોનો સામાન ચેક કરવા માટે લગાવવામાં આવેલ બેગ સ્કેનર(Bag Scanner ) ઘણા સમયથી બંધ છે. જનરલ મેનેજર, વેસ્ટર્ન રેલવેની મુલાકાતના કારણે બેગ સ્કેનર મશીનને પ્લેટફોર્મ નંબર 1 પરથી ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવામાં આવ્યું હતું. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે સ્થાનાંતરણ પછી, રેલવે પ્રોટેક્શન ફોર્સ બેગ સ્કેનરને કામે લગાડશે. લાખો રૂપિયાનું આ મશીન કોઈપણ કામ વગર ધૂળ ખાઈ રહ્યું છે. હાલ સુરતસ્ટેશન પર મુસાફરોનો સામાન ચેક કરવાની કોઈ વ્યવસ્થા નથી.

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની સલામતી વધારવા માટે બેગ સ્કેનર સહિતના આધુનિક સાધનોની માંગ ઘણા સમયથી છે. રેલવે દ્વારા કરાયેલી વ્યવસ્થા ઉંટના મોંમાં જીરૂ જેવી પુરવાર થઈ રહી છે. થોડા દિવસો પહેલા, ઉચ્ચ ગુણવત્તાવાળા સીસીટીવી કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશ દ્વારા કરવામાં આવ્યું હતું. સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર 8-ઓક્ટોબર 2018 ના રોજ રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ હેલ્પ ડેસ્ક પાસે બેગ સ્કેનર મશીન સ્થાપિત કરવામાં આવ્યું હતું.

માર્ચ 2020 માં કોવિડ 19 રોગચાળાને કારણે ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. કોરોના ઓછો થયા બાદ ટ્રેનોનું સંચાલન ફરી શરૂ થઈ ગયું છે. હવે સુરત સ્ટેશન પર દરરોજ 60 હજારથી વધુ મુસાફરોની અવરજવર થાય છે. પરંતુ હજુ સુધી બેગ સ્કેનર મશીન ચાલુ કરવામાં આવ્યું નથી. રેલવે કર્મચારીઓએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરની સુરત મુલાકાતને ધ્યાનમાં રાખીને બેગ સ્કેનર મશીન પ્લેટફોર્મ નંબર એક પરથી ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવામાં આવ્યું હતું.

એવી અપેક્ષા હતી કે બેગ સ્કેનર સિસ્ટમ ટૂંક સમયમાં શરૂ થશે. પરંતુ આજદિન સુધી આ મશીન કામ કરતું નથી. કોરોના પહેલા પણ જ્યારે બેગ સ્કેનર મશીન ચાલુ હાલતમાં હતું, ત્યારે પણ કેટલીક ટ્રેનોના મુસાફરોના સામાનની જ તપાસ કરવામાં આવી હતી. પ્લેટફોર્મ 1 , 2-3 અને 4 માં કેટલાક પ્રવેશદ્વારો છે, પરંતુ ત્યાં ઘણા બધા દરવાજા પણ છે જેના દ્વારા મુસાફરો પ્રવેશ કરે છે. આ માર્ગો પર મુસાફરોના સામાન કે શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખવા માટે કોઈ નથી.

અગાઉ, પશ્ચિમ રેલવેએ મુંબઈ ડિવિઝનના સ્ટેશનો પર બેગ સ્કેનર મશીન સ્થાપિત કરવા માટે મુંબઈની ન્યુટેક કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. સુરતને 5માંથી માત્ર એક જ મશીન મળ્યું છે. આ મશીનની લંબાઈ 22 ફૂટ, ઊંચાઈ 8 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સના જવાનો સવારે 7 થી 3, બપોરે 3 થી 11 અને રાત્રે 11 થી 7 એમ ત્રણ શિફ્ટમાં બેગ સ્કેનર પર ફરજ બજાવતા હતા. કોરોના બાદ સુરત રેલવે પ્રોટેક્શન ફોર્સ સ્ટેશને જવાનોની તૈનાતી બંધ કરી દીધી છે.  સુરત સ્ટેશનને વિવિધ રૂટ પરથી પસાર થતા મુસાફરોની તપાસ માટે 5 બેગ સ્કેનર મશીનની જરૂર છે. પરંતુ સુરતમાં એક માત્ર બેગ સ્કેનર મશીન મળી આવ્યું હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર તેને ચાલુ કરી શક્યું નથી.

સુરત રેલવે સ્ટેશનના સ્ટેશન ડિરેક્ટરના જણાવ્યા પ્રમાણે ટેકનિકલ ખામીને કારણે મશીન બંધ છે  બેગ સ્કેનર મશીનને કાર્યરત રાખવાની અને સ્ટાફની જવાબદારી રેલવે પ્રોટેક્શન ફોર્સ પોસ્ટ અને તેમના વરિષ્ઠ અધિકારીઓની છે. જીએમના પ્રવાસ પહેલા મશીનને ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવામાં આવ્યું છે. શિફ્ટિંગ દરમિયાન મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તે બંધ છે. મશીન રિપેર કરવા માટે કંપનીના ટેકનિશિયનને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : અમદાવાદ પોલીસનો સરાહનીય પ્રયાસ, ડ્રગ્સના રવાડે ચઢેલી 48 યુવતીઓને નવજીવન બક્ષ્યું

આ પણ વાંચો : Gram Panchayat Election : ગીરસોમનાથનું બાદલપરા ગામમાં ફરી સમરસ મહિલા બોડી સત્તારૂઢ બનશે, આઝાદી બાદ ક્યારેક નથી યોજાઇ ચૂંટણી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati