સુરત(Surat)શહેર પોલીસ દ્વારા નશાના કારોબાર સામે વારંવાર કાર્યવાહી કરવામાં આવે છે. ગાંજો અને ડ્રગ્સની(Drugs)સાથે સાથે ગેરકાયદે વેચાતી કફ સીરપ(Cough Syrup)ની સામે પણ સુરત પોલીસ દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ચાલતા મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ તથા નશાયુક્ત દવાઓનું વેચાણ કરવામાં આવતું હોય છે આ પ્રકારની દવા અને સીરપનો ઉપયોગ કરીને કેટલા ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય છે તેમ જ આજનું યુવાધન આ પ્રકારના નશાઓ કરીને નશાખોરીના રવાડે ચડતા હોય છે અને પોતાના આરોગ્યને જોખમમાં મૂકે છે.
આ પ્રકારનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર સુરત શહેર પીસીબી દ્વારા વોચ રાખવામાં આવતી હતી તે દરમિયાન પીસીબી પીઆઇ આર.એસ સુવેરાને મળેલી બાતમીના આધારે શહેરના ગોડાદરા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આ પ્રકારની નશાકારક દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાનું જણાયું હતું જેથી પીસીબી ની ટીમે વોચ રાખીને ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સાથે મળીને શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલ પર્વત ગામમાં ગોગા મહારાજના મંદિરની સામે આઈજી કેમેસ્ટ નામની મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવીને ડમી ગ્રાહક મોકલ્યો હતો અને મેડિકલ સ્ટોરના સંચાલક પ્રકાશ ચૌધરી પાસે આ પ્રકારની નશાયુક્ત દવાની માંગણી કરેલ હતી જેથી પ્રકાશ ચૌધરીએ ડોક્ટરના કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર ડમી ગ્રાહકને આ દવાનું વેચાણ કરી દીધું હતું.
જેથી વોચમાં રહેલ પીસીબીની ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા મેડિકલ સ્ટોર ઉપર રેડ કરવામાં આવી હતી જેમાં પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી 648 નંગ આલ્પ્રાઝોલમ, ટ્રામાડોલ તેમજ 154 બોટલ કોડેન સીરપનો જથ્થો કબજે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં નશા ખોલીને રવાડે ચડેલા યુવાધનને બરબાદ થતું અટકાવવા માટે સુરત શહેર પોલીસે કમર કસી છે. ત્યારે શહેરમાં આવી નશાકારક ગોળીઓના રવાડે ચડી તેમજ ગુનાખોરી આચરીને બરબાદ થતા યુવાઓને અટકાવવા સામે સુરત પોલીસનું આ એક સરાહનીય પગલું કહી શકાય. આગામી દિવસોમાં પણ સુરત પોલીસ દ્વારા ગુપ્ત રાહે ટ્રેપ ગોઠવીને તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી આ પ્રકારની નશાકારક દવાઓ અને સીરપનું પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરતા મેડિકલ સ્ટોર સંચાલકો સામે તવાઈ બોલાવવામાં આવશે.