હવે તો હદ થઈ ! સુરતની આ કોલેજના ટોયલેટમાં CCTV લગાવાતા વિવાદ, ABVP એ 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ
ટોયલેટમાં (Toilet) પણ CCTV ગોઠવી શંકા ઉભી કરવાના પ્રયાસ સામે ABVPના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે, સાથે આવેદનપત્ર પાઠવી 48 કલાકમાં સીસીટીવી દૂર કરવા માંગ કરી છે.
Surat : સુરતના વરાછા વિસ્તારમાં (Varacha area) આવેલ આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજમાં બોયઝના ટોયલેટમાં સીસીટીવી લગાવાતા વિરોધનો સૂર ઉઠ્યો છે. ટોયલેટમાં (Toilet) પણ CCTV ગોઠવી શંકા ઉભી કરવાના પ્રયાસ સામે ABVPના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. આ માટે કોલેજના પ્રશાસનને આવેદનપત્ર પાઠવી 48 કલાકમાં સીસીટીવી દૂર કરવા ABVP એ માંગ કરી છે. આ સાથે ઉગ્ર આંદોલનની (Protest) ચીમકી પણ ઉચ્ચારી છે.
CCTV લગાવાતા કોલેજ વિવાદમાં
અત્યાર સુધી તમે જુદી- જુદી જગ્યાએ સીસીટીવી લાગેલા જોયા હશે, પરંતુ કોઈ પણ ટોયલેટમાં સીસીટીવી લગાવેલા જોયા છે ? જી હા અહીંની કોલેજમાં બોયઝના ટોયલેટમાં જ CCTV લગાવવામાં આવ્યા છે. જેને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની પાંખ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતના વરાછા વિસ્તારના કાપોદ્રા ખાતે આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજ (Atmanand Saraswati Science College) આવેલી છે. આ કોલેજમાં પ્રશાસને બોયઝ હોસ્ટેલના ટોયલેટમાં CCTV લગાવવામાં આવતા વિવાદોમાં સંપડાઈ છે.
સ્કોલરશીપની રજૂઆત કરવા જતા CCTV નજરે પડ્યા
મળતી માહિતી મુજબ ABVPના કાર્યકરો કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ (Scholarship) અટકી છે તે સમયસર નથી મળતી, તેની રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે ટોયલેટમાં લગાવેલા CCTV નજરે પડ્યા હતા. ટોયલેટમાં સીસીટીવી લગાવાની કોલેજની આ કામગીરીને ABVP એ સખત શબ્દોમાં વખોડી છે. સાથે આ ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવી હતી. હાલ ABVP દ્વારા CCTV તાત્કાલિક દૂર કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે, સાથે જ 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યુ છે.