સુરતમાં (Surat) છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાએ લોકોને અજગરી ભરડામાં લીધા છે. કોરોનાનો કહેર આજે પણ યથાવત રહેવા પામ્યો છે. સોમવારે બપોર સુધી કોરોનાના 880 કેસો નોંધાયા છે. જ્યારે બપોર સુધીમાં સ્કૂલ કોલેજ અને 15થી 18 વર્ષના યુવાનોને 4 હજાર જેટલા કો વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા જણાવવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે કોરોનાના આતંક વચ્ચે રવિવારે દક્ષિણ ગુજરાતમાં નવા 3,160 કેસો નોંધ્યા હતા. જેમાં સૌથી વધુ 2,464 કેસ સુરતમાં અને સુરત જિલ્લામાં 293 કેસ નોંધાયા હતા. તે જ પ્રમાણે નવસારીમાં 97, તાપીમાં 9, વલસાડમાં 283 તથા દમણમાં 14 કેસ મળી આવ્યા હતા.
બીજી બાજુ સુરતમાં કોરોનાના મોતનો સિલસિલો શરૂ થયો હોય તેમ રવિવારે કોરોના સંક્રમિત બે દર્દીઓના મોત નિપજ્યા હતા. નોંધનીય છે કે શહેરમાં નોંધાયેલ 2,464 કેસો પૈકી 1,272 વ્યક્તિઓએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા. જ્યારે 25 વ્યક્તિઓએ એક અને 9 વ્યક્તિઓએ કોરોનાનો એક પણ ડોઝ લીધો ન હતો.
24 કલાકમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 990 વધી છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે સુરતમાં 400 કરતા વધારે પરિવારો એવા છે જેમાં એક કરતા વધારે સભ્યો સંક્રમિત થઈ ચુક્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે આવા પરિવારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ડોકટરો જણાવી રહ્યા છે કે આ કોરોનાનું ઓમિક્રોન વેરિયન્ટ છે, જે એટલું ઝડપી ફેલાઈ રહ્યું છે કે જો સવારે પિતા સંક્રમિત થાય તો સાંજે તેનો પુત્ર પણ પોઝિટીવ થઈ શકે છે. સુરતમાં આવા 100 કરતા વધારે પરિવાર છે, જેમાં 4 કરતા વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે.
નિષ્ણાંત મુુજબ કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ એટલો ઘાતક નથી પણ તેનું સંક્ર્મણ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જો કે કોરોનાના આ કેસો 15 દિવસમાં ઘટવા લાગશે. પીકમાં પણ હોસ્પિટલો હાઉસફુલ નહીં થાય. બીજી લહેરમાં 17 દિવસે દર્દી સાજા થતા હતા. હવે પાંચ કે સાત દિવસ જ લાગે છે.
ડેલ્ટા વેરિયન્ટમાં 100 દર્દીઓમાંથી 70 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી હતી. જોકે ઓમિક્રોન વેરિયન્ટમાં 100માંથી ફક્ત 6 કે 7 દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે અને એ પણ એવા દર્દીઓ જેને પહેલાથી કોઈ બીમારી છે. મોટાભાગના દર્દીઓની હોમ આઈસોલેશનમાં જ સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : Surat Corona Update : સુરતમાં કોરોના બેફામ, 10 જ દિવસમાં કેસની સંખ્યા 10 ગણી વધી
આ પણ વાંચો : Surat: સલાબતપુરા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની સાગમટે બદલી