ગુનાખોરી (Crime ) નાથવાની સાથે સુરત પોલીસ (Police ) દ્વારા અવારનવાર માનવતાના ધોરણે પણ એવી ઘણી કામગીરી કરવામાં આવતી હોય છે. આવી જ એક કામગીરીમાં બિહારથી (Bihar ) ગુમ થયેલા કિશોરને સુરત પોલીસે તેનું મિલન પરિવાર સાથે કરાવ્યું છે. બિહારથી ગુમ 12 વર્ષીય કિશોરને સુરત ક્રાઈમ બ્રાન્ચે ભારે જહેમત બાદ શોધી કાઢી પરિવાર જોડે ભેટો કરાવ્યો છે.
5મી ઓકટોબરના રોજ બાળક બિહારથી ટ્રેન મારફતે સુરત આવી પહોંચ્યો હતો. જ્યાં વેસુના એક કેટરિંગમાં કામ કરતો હોવાની માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે બાળકને શોધી કાઢી પરિવારને સોંપ્યો હતો. બાળક બિહારમાં પોતાની માતા સાથે મેળામાં ગયો હતો. જો કે મેળામાં જવા પહેલા તેણે ઘરના સભ્યોની જાણ બહાર 2800 રૂપિયા મેળામાં વાપરવા માટે કાઢી લીધા હતા. ઘરના લોકો ઠપકો આપશે તે ડરથી પોતે ઘરેથી ભાગી સુરત આવી ગયો હતો.
બિહાર રાજ્યના મારંગા પોલીસ મથકની હદમાંથી 12 વર્ષીય જ્ઞાનચંદ રાય નામનો બાળક ગુમ થયો હતો. ઘરેથી માતા સાથે ગામમાં લાગેલા મેળામાં તે ફરવા માટે ગયો હતો. જે દરમ્યાન મેળામાં નાચગાન ચાલી રહ્યું હોય, ;તે જોવા બાળક મેળામાં જ રોકાઈ ગયો હતો અને માતાને ઘરે મોકલી આપી હતી. નાચગાન જોઈ તે પરત ઘરે ફરશે તેવી વાત માતાને જણાવી હતી. પરંતુ બાદમાં બાળક ઘરે પરત ફર્યો નહોતો. જેથી પરિવારે બિહાર ના મારંગા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જેથી બિહાર પોલીસ દ્વારા સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યાં સુરત પોલીસ કમિશ્નર ના આદેશ બાદ સુરત ક્રાઇમબ્રાન્ચની જુદી જુદી ટિમો બાળકની શોધખોળ ના કામે લાગી હતી. દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાન્ચે મળેલ માહિતીના આધારે વેસુના એક કેટરિંગ વાળાને ત્યાંથી બાળકને શોધી કાઢી પરિવાર જોડે ભેટો કરાવ્યો હતો. જ્યાં બાળકની પૂછપરછમાં હકીકત સામે આવી હતી કે, માતા સાથે મેળામાં જતા પહેલા ઘરના સભ્યોની જાણ બહાર 2800 રૂપિયા વાપરવા માટે તેણે કાઢી લીધા હતા. જેની જાણ ઘરમાં સભ્યોને થશે તો ઠપકો આપશે. જે ડરથી બાળક બિહારથી ભાગી સુરત આવી પોહચ્યો હોવાની હકીકત જણાવી હતી. સુરત પોલીસની આ કામગીરી બદલ પરિવારે પણ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.