ગીરસોમનાથમાં તાઉ તે વાવાઝોડાના સંભવિત આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્રએ તમામ તાકાત કામે લગાવી છે. હાલમાં જિલ્લાના તમામ બંદરોમાં સમુદ્રની શાંત પરિસ્થિતિ છતાં તંત્રએ અગમચેતીના પગલાં લીધા છે.
ગીરસોમનાથ જિલ્લામાં કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ થયો છે સાથે જ વેરાવળની સમુદ્ર સીમામાં કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્ર મધ્યમાં જઈ માછીમારોને પરત ફરવા સંદેશ અપાયો છે.
ગીરસોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ બંદર પર 2 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયું છે. જેના પગલે વેરાવળ બંદર પર બોટોનો ખડકલો થયો છે. બંદરની મોટાભાગની બોટ પરત ફરી છે. 70 જેટલી બોટ દરિયામાં હોય તેને પરત લાવવા તંત્ર કટિબદ્ધ બન્યું છે. જેના પગલે હજુ બોટોનો બંદર તરફ આવવાનો સિલસિલો શરૂ છે.
કોરોનાની મહામારીમાં તમામ દુર્ગમ પરિસ્થિતિમાં કોવિડ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓની સારવારમાં કોઈપણ અડચણ ન આવે તેના માટે તંત્ર દ્વારા તમામ હોસ્પિટલમાં રિઝર્વ પાવર સપ્લાયની વ્યવસ્થા કરી રહ્યું છે. તેમજ નીચાણવાળા વિસ્તારમાં લોકોના કોરોના ટેસ્ટ કરીને પોઝિટીવ દર્દીઓને અલગ તારવીને બાકીના લોકોને સાયક્લોન સેન્ટર અને શાળાઓમાં સ્થાનાંતર કરવા માટે પણ તંત્રએ તમામ વ્યવસ્થા હાથ ધરી છે.
આ પણ વાંચો: Mumbai: કોરોના દર્દીઓ પર Tauktae ચક્રવાતનું સંકટ, હજારો કોરોના દર્દીઓને અન્યત્ર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ