કરજણમાં સુમેરૂ નવકાર તીર્થ કોવિડ કેર સેન્ટર બન્યું કોરોના દર્દીઓની સારવાર, સેવા અને સુશ્રુષાનું કેન્દ્ર

જિલ્લા પ્રશાસન દ્વારા કરજણમાં જરૂરી તમામ મેડિકલ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સુમેરૂ નવકાર તીર્થ આજે દર્દી નારાયણોની સેવા સારવારનું કેન્દ્ર બન્યું છે.

કરજણમાં સુમેરૂ નવકાર તીર્થ કોવિડ કેર સેન્ટર બન્યું કોરોના દર્દીઓની સારવાર, સેવા અને સુશ્રુષાનું કેન્દ્ર
કરજણ કોવિડ સેન્ટર

કોરોનાની મહામારીએ સૌની કમર તોડી નાખી છે. ઘણી બધી જગ્યાએ કોવિડની સારવારના તબીબી યજ્ઞો ચાલી રહ્યા છે. કરજણમાં સુમેરૂ નવકાર તીર્થ કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

સૂમેરૂ નવકાર તીર્થ કોવીડ કેર સેન્ટરમાં સારવાર લઈ સાજા થયેલા મિયાગામના નટવર પંચાલ, ક્રિષ્ના પંચાલ અને પ્રવિણાબેને તેમના અનુભવો જણાવ્યા હતા. તેમના શબ્દો હતા “કોવિડ કેર સેન્ટરમાં દર્દી વાંકો વળીને આવે છે અને સાજો થઈને ઘરે પરત ફરે છે.” “હું 12 જ દિવસમાં સ્વસ્થ થયો છું.” “માત્ર સાત જ દિવસની સારવારથી હું કોવીડમાંથી બહાર આવી છું. મારી તબિયત હવે બિલકુલ સારી છે.”

દર્દીઓના અભિપ્રાય છે કે અહી ડોકટરોની ટીમ દર્દીઓની સેવા માટે દિન રાત ખડે પગે રહે છે. જમવા સહિત તમામ વ્યવસ્થાઓ બહુ જ સરસ છે.

વડોદરા જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા સુમેરૂ નવકાર તીર્થ, કરજણમાં સંસ્થાની ધર્મશાળામાં 500 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. આ સેન્ટર કરજણ તથા આસપાસના કોવિડના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થયું છે.

જિલ્લા પ્રશાસન દ્વારા અહીં જરૂરી તમામ મેડિકલ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સુમેરૂ નવકાર તીર્થ આજે દર્દી નારાયણોની સેવા સારવારનું કેન્દ્ર બન્યું છે.

સુમેરૂ નવકાર તીર્થના મેનેજર નરેશ પંડ્યા જણાવે છે કે જિલ્લા પ્રશાસનના પીઠબળથી સંસ્થામાં સપ્ટેમ્બર – 2020 થી 500 પથારીનું કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાંથી અત્યાર સુધીમાં ૩૦૦૦ થી વધુ કોરોનાના દર્દીઓ સાજા થઈને હેમખેમ પોતાના ઘરે પરત ફર્યા છે.

તેઓ ઉમેરે છે કે સરકાર, ટ્રસ્ટીઓ તથા દાતાઓના સહયોગથી જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. દર્દીઓની સેવા સારવાર કરવા સાથે દવા, બે વેળાનું જમવાનું, ચા, નાસ્તો, વેપેરાઈઝર, સાબુ, કપડાં ધોવાના સાબુ, ટૂથ પેસ્ટ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

સીમળીના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પાયલ સોલંકી કહે છે કે હાલમાં આ સેન્ટરમાં 350 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સેન્ટરમાં 38 ઓકસીજન સિલીન્ડરની પણ વ્યવસ્થા છે એટલું નહીં અહી ઓક્સિજનની કાયમી વ્યવસ્થા પણ ટૂંક સમયમાં ઉભી થઇ જશે.

તેઓ જણાવે છે કે તબીબો અને પેરા મેડિકલ સહિત 15 જેટલા આરોગ્ય યોદ્ધાઓ દર્દીઓની પુરી સંવેદનશિલતા સાથે સેવા સારવાર કરી રહ્યા છે. આરોગ્ય કર્મયોગી દ્વારા દર્દીઓના વાયટલસની ચકાસણી, ઓકસીજન લેવલ સહિત તેઓના આરોગ્યની કાળજી એક સ્વજનની જેમ લેવામાં આવી રહી છે.

કોરોના મહામારીમાં ધાર્મિક, સેવાભાવી સંસ્થાઓ કોરોનાની કપરી પરિસ્થિતિમાં સરકાર સાથે ખભેખભો મિલાવી કામ કરી સમાજ પ્રત્યે જેટલો થઈ શકે એટલો સહયોગ કરી, આ સંકટની ઘડીમાં પ્રશાસન અને સરકારને મદદરૂપ થઇ સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરી રહી છે જે સરાહનીય છે.

ધાર્મિક સંસ્થાઓ આસ્થા ભક્તિનું કેન્દ્ર બનવા સાથે જીવ માત્રની સેવા કરી રહ્યા છે. ત્યારે સુમેરૂ નવકાર તીર્થ કોવિડના વ્યવસ્થાપનમાં સરકાર સાથે સહ ભાગીદાર બની દર્દી સેવા યજ્ઞમાં પોતાની આહુતિ આપી એક નવો રાહ ચિંધ્યો છે.

  • Follow us on Facebook

Published On - 1:13 pm, Wed, 12 May 21

Click on your DTH Provider to Add TV9 Gujarati