વડોદરાના પાદરામાં 9 જૂલાઈએ ઘટેલી ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં 21 લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા. આ બ્રિજ દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બ્રિજ પર ટેન્કર લટકી રહ્યુ છે. જે હજુ પણ લટકેલુ જ છે. 24 દિવસ બાદ પણ તંત્ર આ ટેન્કર ઉતારી શક્યુ નથી. આ ટેન્કરને ઉતારવા માટે હવે ઍર બલૂન ટેકનોલોજીનો ઉપયોગ થવા જઈ રહ્યો છે.
સિંગાપુરના ત્રણ એન્જિનિયર અને મરીન ઈમરજન્સી ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પ્રથમ બલૂનને ટેન્કરની નજીક લાવવામાં આવ્યા. તમામ સેફ્ટીના સાધનો અને ટેકનિકલ સામાન પણ લઈ જવાયો. ટેન્કરની પાછળની બાજુ લાંબા દોરડા પણ તૈયાર કરાયા છે. અન્ય હવા ભર્યા વિનાના બલૂન પણ સ્પેર માટે તૈયાર કરવામાં આવ્યા છે.
સૌથી ખાસ વાત એ છે કે, ટેન્કર હટાવવા માટે ક્રેનનો ઉપયોગ નહીં કરવામાં આવે. તેના બદલે પ્રથમવાર એર લિફ્ટિંગ બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ થવાનો છે. આ ટેક્નોલોજી હેઠળ હવા ભરેલા વિશેષ પ્રકારના બલૂન્સ અને થીકનેસવાળી ટયૂબ મૂકીને ટેન્કરને ઉપાડવામાં આવશે. આ કામગીરી દરમિયાન સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે અને સમગ્ર ઓપરેશન નિષ્ણાતોની દેખરેખ હેઠળ હાથ ધરાશે.
ટેન્કરને ઉતારવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ હવે સરકાર બલૂન ટેકનોલોજીનો સહારો લઈ રહી છે. આ કામ માટે પોરબંદરની એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હેવી મશીનરીનો ઉપયોગ જોખમી હોવાથી પોરબંદરની વિશ્વકર્મા કંપની બલૂન ટેક્નોલોજીથી ઓપરેશન પૂર્ણ કરશે. આ માટે સિંગાપુરથી ત્રણ એન્જિનિયરો બોલાવવામાં આવ્યા છે અને 20 સભ્યોની ટીમે સર્વે પૂર્ણ કર્યો છે. કામગીરી પૂર્ણ થવામાં 6 થી 7 દિવસ લાગી શકે છે.
Published On - 3:46 pm, Mon, 4 August 25