સાબરકાંઠાના ગુણભાખરી ગામે યોજાતો ચિત્ર-વિચિત્ર મેળો આ વર્ષે પણ રદ કરાયો છે. ગયા વર્ષ બાદ આ વખતે પણ કોરોનાના કેરને પગલે મેળો રદ કરતું કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.. પોશીનાના ગુણભાખરી નજીક સરસ્વતી નદીના સંગમસ્થાને પ્રતિવર્ષ યોજાતો મેળો આ વખતે 11 એપ્રિલે ફાગણી અમાસે યોજાવાનો હતો. પરંતુ હવે આ મેળો નહીં યોજાય. આ મેળામાં ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. અનોખા આ મેળાને જોવા વિદેશી પર્યટકો પણ આવતા હોય છે.
Chitra Vichitra Fair : Trible Girls
ચિત્ર- વિચિત્ર મેળાની વિશેષતા
મહત્વનું છે કે ચિત્ર-વિચિત્ર આ મેળામાં ડુંગરીની ટેકરીઓમાંથી રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી તરૂણ, તરૂણીઓ ઉભરાવા માંડે છે. કોઈના માથે સાફા, મનને ચકરાવે ચડાવે તેવી ભાતીગળ ઓઢણી અને આભૂષણોનો ઠાઠ જાણે ધરતી પર દેવકન્યાઓ ઉતરી પડી હોય તેવી ભીલ કન્યાઓ ઢોલના તાલે નાચતા-નાચતા મેળો મહાલવા ઉમટી પડે છે. આંખમાં ઉલાળાથી કામણ કરતો યુવક પોતાના મનની માનીતીને શોધવાનો પ્રયત્ન કરે છે તો કોઈ યુવતી મનના માણીગરને હૈયામાં ધરબવા બાવળી બને છે. ત્યાં કોઈ છેલને નખરાળી ગમી ગઈ તો તેની પાસે જાય. ચવાણું, પાન કે ચગડોળ જો સાથ આપે તો અહીંથી તેમની મુલાકાત ચાલુ થાય. છૂટા પડતાં ફુદડીનો સુંદર રૂમાલ એકબીજાને ભેટ આપતા જાય. અવાર-નવારની મુલાકાત અને પ્રેમની પરાકાષ્ઠા પછી વાલીઓ સંમત થાય તો ઠીક છે. નહીં તો છોકરી ભગાડી પોતાના કોઈ સગાને ત્યાં સંતાડી દે અને ત્યાં કૂવા ઉપરથી પાણીનું બેડું ભરીને લાવે તો તેની સંમતિ છે તેમ માની લેવામાં આવે છે.
આ મેળા માં લગ્નવાંછુ યુવકો અને યુવતીઓ પોતાનું પરંપરાગત ભીલી નૃત્ય કરે છે. ચોકમાં વચ્ચો-વચ વાંસ ની ઉપર નાળીયેર અને ગોળની પોટલી બાંધવામાં આવે છે જેની આજુબાજુ કન્યાઓ નૃત્ય કરે છે અને આદિવાસી યુવાનો આ નાળીયેર અને ગોળ પાડવાનો પ્રયત્ન કરે છે. જોકે આ સમયે આદિવાસી કન્યાઓ નૃત્ય દ્વારા અંતરાયો ઉભા કરી યુવાનો ને વાંસ સુધી પહોંચતા અટકાવે છે. પ્રાચીન સમયમાં જે યુવાન પોતાના પ્રયત્નો દ્વારા વાંસ સુધી પહોંચી ને નાળીયેર અને ગોળ મેળવી લેતો તેને પોતાની મનપસંદ યુવતી લગ્ન માટે પસંદ કરવાનો અધિકાર મળતો . આમ આ મેળા માં કન્યા પસંદ કરવા માટેની તક મળતી હોવાથી આદિવાસીઓમાં ખુબ જ લોકપ્રિય બનેલ. ગોળની પોટલી મેળવવામાં આદિવાસી યુવાનને ગધેડા જેટલો માર પડતો હોવાથી આ મેળાને ગોળ-ગધેડાનો મેળો કહેવાય છે.