રાજસ્થાનથી દુલ્હન લઈ પરત આવતા જાનૈયાઓને ફિલ્મી અંદાજમાં લુંટી લેવાયા, ફાયરીંગ કરી હુમલો કરતા 8 ઘાયલ

રાજસ્થાનથી દુલ્હન લઈ પરત આવતા જાનૈયાઓને ફિલ્મી અંદાજમાં લુંટી લેવાયા, ફાયરીંગ કરી હુમલો કરતા 8 ઘાયલ
દંત્રાલ ગામથી રાજસ્થાન જાન ગઈ હતી

જાનૈયાઓ વરરાજા અને દુલ્હનને લઈને પરત ઉત્સાહ સાથે પરત ફરતા હતા ત્યારે જ 30 થી 40ના હથીયાર બંધ ટોળાએ ઘેરી લઈ હુમલો કર્યો, ઘટનાને લઈ જાનૈયાઓએ ડુંગરોમાં દોટ લગાવવી પડી

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

May 28, 2022 | 6:46 PM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પોશીના તાલુકામાંથી રાજસ્થાનના ઉદયપુર (Udaipur) જિલ્લાના અંતરિયાળ સરહદી વિસ્તારમાં જાન લઈને ગયેલા જાનૈયાઓનો જીવ પડીકે બંધાઈ જવાનો ઘાટ સર્જાયો હતો. વરરાજાથી માંડીને જાનૈયાઓએ જીવ બચાવવા માટે ડુંગરોમાં દોટ મુકવી પડી હતી. કારણ કે 30 થી 40 લોકોના ટોળુ લુંટના ઇરાદે હથીયાર સાથે જાનૈયાઓ પર ધસી આવીને ઘેરી લીધુ હતુ. ત્યાર બાદ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા જ જાનૈયાઓએ ચિચિયારીઓ લગાવી જીવ બચાવવા માટે દોટ મુકી હતી. તો વળી આ દરમિયાન કેટલાક પર હુમલો કરતા 8 જાનૈયાઓને ઈજાઓ પહોંચી હતી. જોકે ઘટનાને લઈને આ મામલે હજુ સુધી કોઈ ફરીયાદની કાર્યવાહી કરાઈ નથી. આમ છતાં સામાજિક રીત મુજબ ઘટના અંગે સમાધાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

પોશીનાના દંત્રાલ ગામેથી ગત શુક્રવારે જાન રાજસ્થાન ગઈ હતી. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના આંતરરાજ્ય સરહદી વિસ્તારના વેરાકાતરામાં લગ્નની વિધી કરાઈ હતી. લગ્ન કરીને જાન વળાઈ દેવાનો સમય થતા જાન ઉતારાના રોકાણ તરફ પરત આવી રહી હતી ત્યારે આ ઘટના સર્જાઈ હતી. પરણીને વરરાજા દુલ્હન સાથે પરત આવી રહ્યા હતા. ત્યારે જ અચાનક 30 થી 40 લોકોનુ ટોળુ બંદૂક અને હથીયારો સાથે ત્રાટક્યુ હતુ. ટોળાએ જાનૈયાઓ પર રીતસરનો હુમલો કરી દીધો હતો અને હવામાં ત્રણેક રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ. જેને લઈ જાનૈયાઓ જીવ બચાવવા માટે ભાગવુ પડ્યુ હતુ. જોકે આમ છતાં લુંટના ઈરાદે આવેલા ટોળાના હુમલામાં 8 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. રાજસ્થાનની સરહદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને અડીને આવેલી છે અને અહીં બંને તરફે સામાજીક વ્યવહાર પણ થતા હોય છે.

હુમલામાં ઘાયલ થયેલા લોકોને રાજસ્થાન અને ગુજરાતની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. પોશીના સ્થિત સરકારી દવાખાને પણ કેટલાક ઘાયલોને લાવવામાં આવ્યા. ઘટનાને લઈને જોકે હજુ સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરીયાદની કાર્યવાહી હાથ ધરાઈ નથી. જોકે વિસ્તારમાં જે પ્રમાણે સામાજીક પ્રથા મુજબ ઘટના અંગે વાતચીત રાજસ્થાનના હુમલાખોર ટોળાને લઈને વાતચીત હાથ ધરાઈ છે. સમાધાન દ્વારા મામલાનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરાયો છે. જોકે આ અંગે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની પોલીસ દ્વારા પણ હજુ સુધી કોઈ જાણકારીનો ખુલાસો કર્યો નથી, કે ટોળાનો ઇરાદો સ્પષ્ટ રીતે લુંટનો જ હતો કે અન્ય સામાજીક કારણોસર ઘર્ષણ સર્જાયુ હતુ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati