
દરેક માતા પિતાને પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન ધામધૂમથી કરવાના સપનાઓ હોય છે. આ માટે જીવનભર મૂડી એકઠી કરીને સપનાઓ પૂરા કરવા માટે તૈયારીઓ કરવામાં આવતી હોય છે. પરંતુ યુવાનીના જોશમાં યુવક યુવતીઓ ક્યારેક પોતાના જીવનસાથીની પસંદગીમાં ભૂલ કરી બેસતા હોય છે. જેને લઈ સામાજીક ચિંતાઓમાં દિવસે દિવસે વધારો થવા લાગ્યો છે.
આ માટે હવે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ પ્રધાન રમણલાલ વોરાએ લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવા માટે રજૂઆત કરી છે. રમણલાલ વોરા હાલમાં ઈડરના ધારાસભ્ય છે અને તેઓએ આ અંગેનો પત્ર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે.
યુવાનો જેને પ્રેમ કહે છે, એ પ્રેમમાં ઘણીવાર યુવાનીનો જોશ વધારે જોવા મળતો હોય છે. આવા વધુ પડતા જોશમાં યુવાનો પોતાના જીવન સાથીની પસંદગી કરવામાં ક્યાંક ભૂલ કરી બેસતા હોય છે. પ્રેમના સંબંધમાં વર્તમાન સમયમાં યુવક અને યુવતીના પરિવારજનો યોગ્ય પાત્રો હોવાની ચકાસણી કરીને લગ્ન કરવા માટે હરખથી મંજૂરી પણ આપતા હોય છે.
પરંતુ કેટલાક કિસ્સાઓમાં યુવક યુવતીઓ પરિવારજનોને અંધારામાં રાખીને લગ્ન કરી લેતા હોય છે. જેની નોંધણી પણ કરાવી લેતા હોય છે અને તેઓ પરિવારની જાણ બહાર ગામ અને શહેર છોડીને જતા રહેતા હોય છે. જેને લઈ પરિવારજનો મોટો આઘાત અનુભવતા હોય છે. આવી સ્થિતિ નિવારવા અને પરિવારજનોના સુમેળ ભર્યા માહોલને જાળવી રાખવાની માંગ થતી હોય છે. જેને લઈ હવે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ લગ્ન નોંધણી નિયમમાં સુધારો કરવા માટે માંગ કરી છે.
રમણલાલ વોરાએ પત્ર લખીને જણાવ્યુ છે કે, દીકરીની સાથે છેતરપિંડી ના થાય એ હેતુસર તેમના પરિવારજનોને લગ્નની જાણ હોવી જરુરી છે. આ માટે લગ્નના અધિનિયમમાં સુધારો કરીને વાલીની સહીને ફરજિયાત કરવા માટેની રજૂઆત કરી છે. જેથી પરિવાર પુત્રીના સારા ભવિષ્યને નિર્માણ કરવામાં અંધારામાં ના રહે.
બીજી તરફ યુવાનો પોતાની મરજીથી પાત્ર પસંદ કરવાને લઈ પાછળથી ઘણીવાર પસ્તાવો વ્યક્ત કરતા હોય છે. મોટા સપના બતાવીને યુવતીઓને પોતાની જાળમાં ફસાવવાના પણ અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. આવી અનેક ગંભીરતાઓને નિવારવા માટે થઈને વાલીની સહીની જરુરિયાત દર્શાવી છે.
શરુઆતમાં લગ્ન કરી લીધા બાદ છૂટાછેડાના કિસ્સા વધુ સામે આવી રહ્યા છે. પાછળથી યુવક અને તેના પરિવારજનોનો યુવતીને અહેસાસ થતા લગ્નજીવનમાં ભંગાણ સર્જાતુ હોય છે. જેને લઈ ઘણીવાર લગ્ન જીવન બરબાદ થવાના કિસ્સા સામે આવે છે. આવા અનેક કારણોને લઈ રાજ્યમાં અનેકવાર સામાજીક બેઠકો અને સંમેલન થતા હોય છે. જેમાં લગ્ન નોંધણીને લઈ સુધારાઓની માંગ કરવામાં આવી છે. જોકે હવે ધારાસભ્ય આ અંગે આગળ આવ્યા છે.
Published On - 8:21 pm, Tue, 9 January 24