બોલો કેવી તે ‘માં’! પુત્રી અવતરતા ખેતરમાં ખાડો કરી જમીનમાં માતાએ જ જીવતી જ દાટી દીધી, હ્રદય હચમચાવતો ખુલાસો

ખેતરમાં દાટેલી મળી આવેલી નવજાતના મામલામાં સાબરકાંઠા પોલીસે (Sabarkantha Police) માતા અને પિતાને ઝડપી લીધા છે, તેમની પૂછપરછ દરમિયાન માતાએ હ્રદયદ્રાવક ખુલાસો કર્યો છે.

બોલો કેવી તે 'માં'! પુત્રી અવતરતા ખેતરમાં ખાડો કરી જમીનમાં માતાએ જ જીવતી જ દાટી દીધી, હ્રદય હચમચાવતો ખુલાસો
માતા એ પોલીસ સમક્ષ સમગ્ર ઘટના વર્ણવી
Avnish Goswami

|

Aug 05, 2022 | 9:31 PM

સાબરકાંઠા પોલીસે (Sabarkantha Police) નવજાત બાળકીને દફનાવી દેવાના મામલામાં માતા અને પિતાની ઝડપી લીધા છે. બંનેની ઓળખ કરવા માટે પોલીસે હ્યુમન ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરીને બાળકીના માતા પિતાને શોધવા માટે પ્રયાસ શરુ કર્યો હતો. જેમાં ગાંભોઈ (Ganbhoi Police) વિસ્તાર અને આસપાસમાં આ અંગે તપાસ શરુ કરવામાં આવી હતી. આ દરમિયાન સાબરકાંઠા SP વિશાલકુમાર વાઘેલા (IPS Vishalkumar Vaghela) એ ત્રણ ટીમોની રચના કરીને બાળકીના માતા-પિતાને શોધી નિકાળવા માટે પ્રયાસ કર્યો હતો અને જે મોડીરાત સુધીમાં સફળ થયો હતો.

SP વિશાાલકુમાર વાઘેલાએ TV9 સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, માતા અને પિતાએ પૂછપરછ દરમિયાન પોતાના કૃત્યને કબૂલી લીધુ હતુ. બંનેએ ખૂબ જ શાંતિપૂર્વક પોલીસ સમક્ષ આખીય ઘટનાને વર્ણવી હતી. બાળકીને જન્મ આપનારી માતા મંજૂ બજાણિયા પતિ શૈલેષ બજાણિયા સાથે વીસેક દિવસથી પોતાના પિતાના ઘરે પિયરમાં રહેવા આવી હતી. સગર્ભા સ્થિતીની મંજૂ પતિ અને પોતાના ત્રણ વર્ષના પુત્રને લઈને આવીને રહેવા લાગી હતી. આ દરમિયાન તે બંનેને બાળકના જન્મને લઈ આવતા વિચારો પરેશાન કરી રહ્યા હતા.

પહેલાથી જ એક બાળક હતુ અને નબળી આર્થિક પરિસ્થિતી વચ્ચે વધુ એક બાળકને ઉછેરવા અને તેના ભવિષ્યના ખર્ચાઓને પહોંચી વળવા જેવા વિચારો હતો. આ દરમિયાન અધૂરા મહિને બાળકી અવતરી હતી. પતિ-પત્નિએ બાળકી જન્મતા જ તેનો નિકાલ કરી દેવાનુ નક્કી કર્યુ હતુ. આ માટે તેઓએ નજીકમાં જ યુજીવીએસએલ પાસેના ખેતરમાં દફનાવી દેવા માટેનુ નક્કિ કર્યુ હતુ. બંને જણા વહેલી સવારે છ વાગ્યાના અરસા દરમિયાન ઘરેથી નિકળીને ચાલતા જ ખેતરમાં પહોંચ્યા હતા.

કઠણ કાળજાની માતાએ જ ખાડો કરીને દાટી દીધી

માતાએ જ ખેતરમાં એક ખાડો ખોદીને જીવતી પુત્રીને તે ખાડામાં મુકીને ઉપર માટી વાળી દીધી હતી. માતાએ પોતાના જ હાથે પુત્રીને ખાડો કરીને દાટી દઈને તુરત જ પોતાના ઘર તરફ પરત ફરી હતી. આ દરમિયાન સાથે આવેલ પતિ ખેતરની બહાર રસ્તા પર કોઈ આ કૃત્યને જોઈના જાય એ માટે વોચ રાખતો ઉભો રહ્યો હતો. પત્નિ પુત્રીને દાટીને પરત ફરતા જ બંને સીધા જ ઘરે પહોંચ્યા હતા. બાદમાં બાળકી જીવીત નિકળવાને લઈ ચર્ચાસ્પદ વાતાવરણ ઉભુ થતા જ દંપતિએ ગાંભોઈને છોડી નિકળ્યા હતા.

આરોપી પિતા શૈલેષ બજાણિયા ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકામાં રહેતો હતો. ત્યાં ખેતમજૂરી કામ કરતો હતો અને જીવન નિર્વાહ કરતો હતો. જ્યાં તેને કેટલીક સમસ્યાઓ ગામમાં સર્જાતા અંતે ત્યાંથી તે પોતાની સાસરી ગાંભોઈમાં આવીને રહેવા લાગ્યો હતો. આ દરમિયાન પોતાની પત્નિની કૂખે પુત્રી જન્મી હતી.

પોલીસે સારવાર માટે તમામ મદદ કરવાની જવાબદારી સ્વિકારી

એસપી વાઘેલાએ કહ્યુ હતુ, કે સાબરકાંઠા પોલીસ દ્વારા તમામ પ્રકારની મદદ બાળકીની સારવાર માટે કરવામાં આવશે. બાળકી હાલમાં ક્રિટીકલ સ્ટેજમાં છે અને તેને બચાવી લેવા માટે સારવાર માટે સરકાર તરફથી સંપૂર્ણ મદદ કરાઈ રહી છે. આ માટે હિંમતનગર સિવિલના તબીબોની ટીમો પણ સતત દેખરેખ રાખી રહી છે. જોકે આ દરમિયાન કોઈ પણ પ્રકારની ઈમર્જન્સીમાં બહારથી કોઈ દવા કે અન્ય સારવારની જરુરિયાત ઉભી થાય તો એ જવાબદારી સાબરકાંઠા પોલીસ ઉપાડી લેશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati