વ્યાજખોરોનો ત્રાસ અસહ્ય થઈ ચુક્યો છે. મુડી અને તેના વ્યાજ કરતા પણ વધારે પૈસા લેવાના કિસ્સામાં પણ આર્થિક કપરી સ્થિતીમાં મુકાયેલા લોકોએ મજબૂર થઈને શોષાવુ પડે છે. તો કોઈકે અસહ્ય ત્રાસ સામે અંતિમ પગલા તરફ વળવા મજબૂર થવુ પડતુ હોય છે. સાબરકાંઠા હિંમતનગર (Himmatnagar) શહેરમાં દરજી કામ કરતા યુવક પર અસહ્ય ત્રાસ વ્યાજખોરોએ ગુજાર્યો હતો. તો વળી તેના પરીવારની મહિલાઓને લઈને પણ અસભ્ય માંગણીઓ કરતા હોવાને લઈને આખરે તેણે મોતને વહાલુ કરી લીધુ હતુ. ઘટનાને લઈ વ્યાજખોરો સામે હિંમતનગર શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન (B Division Police Station Himmatnagar) માં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં એક આરોપી વ્યાજખોર વકીલ પણ હોવાનુ ફરીયાદમાં સામે આવ્યુ છે.
હિંમતનગર શહેરમાં દરજી કામ કરીને જીવન ગુજરાન ચલાવતા ભાર્ગવ ગોહિલે વ્યાજખોરોના ત્રાસથી પોતાના ઘરમાં જ પુરાઈ રહેવુ મજબૂર થવુ પડ્યુ હતુ. દુકાને આવીને જાહેરમાં બેફામ ગાળો અને અસભ્ય વર્તન કરવાને લઈને ત્રાસ વર્તાવી મુક્યો હતો સાથે જ દુકાનની દરજી કામની થતી આવક પણ ફાઈનાન્સરો દ્વારા બળજબરી પૂર્વક લઈ જતા હતા. જેને લઈ તેઓ દુકાને પણ જઈ શકતા નહોતા. ઘરે રહેવા દરમિયાન પણ ઘરે આવીને ફાઈનાન્સરો દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો અને પૈસાના બદલામાં અઘટીત માંગણીઓ કરવામાં આવતી હતી. વ્યાજખોરોએ ત્રણ ટકાથી લઈને 10 ટકા સુધીનુ વ્યાજ વસૂલ કરવાને લઈને આર્થિક ભીંસ વધુ મુશ્કેલ બની ગઈ હતી. ઉપરથી વ્યાજખોરોને પૈસાની ચુકવણી કરવા છતાં ત્રાસ ગુજારતા અને વધુ વ્યાજનો હિસાબ ગણાવતા હતા. જેથી ઘરમાં જ પરિવાર સુઈ રહેવા દરમિયાન રાત્રીના સમયે ગળે ફાંસો ખાઈને પોતાનુ જીવન ટૂંકાવી દીધુ હતુ.
આ પહેલા પણ તેઓને વ્યાજખોરો અવાર નવાર વ્યાજના પૈસાને લઈને મારઝૂડ કરી હતી. આરોપી ભરત ભાટ અને ભરત બારોટે (વકીલ) તો ઘરે આવીને 10 ટકાની વ્યાજની ઉઘરાણી કરીને મારઝૂડ કરતા પત્નિએ પોતાના પતિને છોડાવવા વચ્ચે પડવુ પડ્યુ હતુ. આ ઉપરાંત બજારમાં પણ એકવાર તકરાર કરીને ગડદાપાટુનો માર માર્યો હતો. અને પતિ પત્નિને જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી.
હિંમતનગર શહેરના બી ડિવિઝન પોલીસે ઘટના અંગે વ્યાજખોરો સામે દુષ્પ્રેરણ આપવાનો ગુનો દર્જ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસે શહેરના 7 જેટલા ફાયનાન્સરો સામે આ મામલામાં આરોપી દર્શાવ્યા છે. જે આરોપીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકના ફોનમાંથી કોલ રેકોર્ડીંગ પણ સામે આવ્યા છે. જેમાં આરોપીઓ બેફામ બિભત્સ ગાળાનો બોલીને ત્રાસ ગુજારતા હોવાની ક્લીપો હોઈ ફોનને એફએસએલમાં મોકલીને તપાસ હાથ ધરી છે.