
હિંમતનગર કેળવણી મંડળની ચૂંટણી પર સાબરકાંઠા અને અરવલ્લી એમ બંને જિલ્લાની નજર હતી. હજારો વિદ્યાર્થીઓ બંને જીલ્લાઓમાંથી અભ્યાસ માટે કેળવણી મંડળની સંસ્થાઓમાં આવતા હોય છે. આમ બંને જિલ્લાના વિદ્યાર્થીઓના અભ્યાસને લઈ વધુ આધુનિક સુવિધાઓની માંગ વર્તાઈ રહી હતી.
છેલ્લા કેટલાક સમયથી કેળવણી મંડળની કેટલીક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ પાટલી પર બેસીને અભ્યાસ ના કરી શકે એવી સ્થિતિમાં હતી. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસ મજબૂરી પૂર્વક કરવો પડે એવી સ્થિતિ હતી અને જેની ફરિયાદો પણ કરવામાં આવી હતી. આ સ્થિતિમાં હવે નવા હોદ્દેદારો આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નવી આશાઓ બંધાઈ છે.
કેળવણી મંડળના પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. નવા ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક મળતા વિજયી ઉમેદવારોને શુભેચ્છાઓ એકબીજાને પાઠવવા સાથે બેઠકની શરુઆત કરવામાં આવી હતી.જેમાં કાર્યકારની અધ્યક્ષ ગોપાલસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
પ્રગતિ પેનલના વિજયી ઉમેદવાર હેમત જંયતિલાલ મહેતાને પ્રમુખ પદે નિમણૂંક કરવામાં આવી હતી. ડો યશવંત પટેલ અને નાગરિક સહકારી બેંકના ચેરમેન હિરેન ગોરને કેળવણી મંડળના ઉપપ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે મંત્રી પદે જીતેન્દ્ર નાથાલાલ પટેલની પસંદગી કરવામાં આવી હતી. સહમંત્રી પદે પરાગ દોશી અને ખજાનચી તરીકે પંકજ પટેલની વરણી બેઠકમાં કરવામાં આવી હતી. આમ પ્રગતિ પેનલે જીત બાદ સત્તાના સુત્રો સત્તાવાર રીતે સંભાળી લીધા હતા.
કેળવણી મંડળમાં શહેરના શ્રેષ્ઠીઓ અને આગેવાનોએ યોગ્ય સભ્યો મંડળમાં સામેલ થવાની આશાઓ રાખી રહ્યા હતા. જે કાર્ય પૂર્ણ થયા બાદ હવે સાબર યુનિવર્સિટીને લઈ મિશન ચાલી રહ્યુ છે એ તેજ બનશે. સ્થાનિક ધારાસભ્ય દ્વારા આ માટે સતત પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેને લઈ હવે નજીકના સમયમાં સાબર યુુનિવર્સિટીનો લાભ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને મળી શકે છે. હાલમાં વિદ્યાર્થીઓને છેક પાટણ સુધી લાંબા ધક્કા ખાવાની અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.
Published On - 4:29 pm, Sat, 6 January 24