સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લા રાજસ્થાન સરહદને અડકીને આવેલા છે, વિસ્તારમાં અવારનવાર દારુની હેરાફેરી ઝડપાતી રહે છે. પરંતુ આમ છતાં જિલ્લામાં દારુની હેરફેર જ નહીં પણ વેચાણ થતુ હોવાનુ ફરીયાદો ઉઠતી હોય છે. જેની પર જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરાતી હોય છે. જોકે આ દરમિયાન એસીબી (Anti-Corruption Bureau) ની ટીમે દારુનો હપ્તો ઉઘરાવવા ગયેલા પોલીસ કર્મીને રંગેહાથ ઝડપી લીધો છે. ઈડર પોલીસ (Idar Police Station) ના હેડ કોન્સ્ટેબલ દ્વારા દારુના હપ્તા ઉપરાંત દારુ વેચાણ કરનારને દારુનો કેસ નહીં કરવાને લઈ પૈસાની માંગણી કરી હતી. જેને લઈ હિંમતનગર એસીબીની ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ.
હિંમતનગર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ બીકે ગમારને ફરીયાદ મળી હતી. જે મુજબ આરોપી લક્ષ્મણસિંહ દેવડા ફરીયાદી પાસે લાંચની રકમ લેવા માટે દબાણ કરી રહ્યા છે. જેને લઈ ફરીયાદના આધારે એસીબીની ટીમ દ્વારા ઈડરમાં ભિલોડા ત્રણ રસ્તા પાસે આરોપીને ઝડપી લેવા માટે છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ.
ફરીયાદી દારુ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાનો ધંધો કરતો હતો. જેને લઈ દશેક દીવસ પહેલા ઈડર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આરોપી લક્ષ્મણસિંહ જોરુસિંહ દેવડા ફરીયાદીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ફરીયાદી દારુના ધંધાર્થી પાસેથી ધંધો કરવા માટે હપ્તાની રકમની માંગણી કરી હતી. આમ ગેરકાયદેસર દારુનુ વેચાણ કરવા દેવા માટે આરોપી હેડ કોન્સ્ટેબલે હપ્તાની રકમ લઈ ધંધો ચલાવવા દેવાની પરવાનગી આપવાનુ જણાવેલ. વળી, અગાઉનો દારુનો કેસ પણ નહીં બતાવવામાં આવે, આ માટે રુપિયા 6 હજારની માંગણી કરી હતી.
પોલીસ કોન્સ્ટેબલ દેવડાએ લાંચની રકમ ફરીયાદીના કુંટુંબી ભાઈ મારફતે માંગણી કરેલ. અને લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોઈ તેઓએ એસીબીના ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો હતો. જેને લઈ એસીબી ગુજરાતની ટીમે સાબરકાંઠા એસીબી ટીમને ફરીયાદ આપવા માટે સલાહ કરી હતી. જે મુજબ હિંમતનગર ખાતે ફરીયાદ નોંધાવી હતી અને ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ. જે દરમિયાન આરોપી ફરીયાદીના ભાઈ અને આ અંગે હાજર પંચની રુબરુમાં લાંચ માંગવાના હેતુલક્ષી વાતચીત કરીને 6 હજાર રુપિયાની માંગણી કરી હતી.
ફરીયાદી પક્ષ તરફથી પોલીસ કર્મી લક્ષ્મણસિંહને રોકડ રકમ આપતા જ હાજર ટીમે તેમને સ્થળ પર જ રંગે હાથ ઝડપી લઈને લાંચ સ્વિકારવા અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. હિંમતનગર એસીબી પોલીસ મથકના પીઆઈ બીકે ગમાર અને તેમની ટીમે ભ્રષ્ટાચાર આચરતા પોલીસ કર્મીને ઝડપી લીધો હતો.