સાવધાન! રાજકોટમાં ટીનેજર્સ ગુનાખોરીના રસ્તે? ત્રણ દિવસમાં ત્રણ કિસ્સાઓએ પોલીસ અને વાલીઓને ચોંકાવ્યા

ગામડામાં પિતા તનતોડ મહેનત કરીને બાળકને અભ્યાસ (Study) માટે મોકલતા હોય છે અને અહીં કેટલાક વિદ્યાર્થીઓ (Student) અવળે રસ્તે પહોંચી રહ્યા છે. ત્યારે આ કિસ્સાઓ એવા તમામ માતા-પિતા માટે લાલબત્તી સમાન છે જેઓ બાળકને અભ્યાસ અર્થે બહાર મોકલી રહ્યા છે.

સાવધાન! રાજકોટમાં ટીનેજર્સ ગુનાખોરીના રસ્તે? ત્રણ દિવસમાં ત્રણ કિસ્સાઓએ પોલીસ અને વાલીઓને ચોંકાવ્યા
Crime (Symbolic Image)
Mohit Bhatt

| Edited By: Nidhi Bhatt

Jun 28, 2022 | 6:39 PM

રાજકોટ એ (Rajkot News) સૌરાષ્ટ્રનું પાટનગર છે. સૌરાષ્ટ્રભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે રાજકોટ આવતા હોય છે. વાલીઓ પણ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાના બાળકને રાજકોટ મોકલતા હોય છે પરંતુ આપનું બાળક રાજકોટમાં રહીને ક્યાંક અવળા રસ્તે તો નથીને તે જાણવું દરેક માતા પિતાએ જરૂરી છે કારણકે, રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં બનેલા ત્રણ કિસ્સાઓએ ટીનેજર્સમાં ગુનાખોરીના વધતા ગુનાખોરીના પ્રમાણની ચાળીઓ કરી છે. માત્ર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બનેલા ત્રણ કિસ્સાઓમાં ટિનેજર્સ પોતાના મોજશોખ પુરા કરવા માટે ગુનાખોરીના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાઓ સમાજ માટે જરૂર લાલબત્તી સમાન છે.

કિસ્સો 1

નકલી નોટ સાથે ઝડપાયા વિદ્યાર્થીઓ

રાજકોટના પ્રેમમંદિર નજીક રહેતા અને ગાર્ડી કોલેજમાં અભ્યાસ કરતા કિશન પંચાણી 50 હજાર રૂપિયાની નકલી નોટ સાથે પોલીસ સકંજામાં આવી ગયો હતો. પોલીસે કિશનની પુછપરછ કરતા 500ના દરની 100 જેટલી નકલી નોટ આત્મીય કોલેજમાં બાયોટેક્નોલોજીનો અભ્યાસ કરતા આવેશ ભોર પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું છે. આ બંન્ને વિદ્યાર્થીઓ બહારથી રાજકોટ અભ્યાસ અર્થે આવ્યા હતા અને પોતાના મોજશોખ પૂરા કરવા માટે વિસાવદરના એક શખ્સ પાસેથી 1 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ ખરીદ કરી હોવાની કબુલાત આપી હતી.

કિસ્સો 2

ગે એપ્લિકેશનથી હનીટ્રેપ

મૂળ સાયલા અને હાલમાં રાજકોટના કુવાડવા રોડ પર રહેતા ટીવાય બીકોમનો વિદ્યાર્થી ગે હનીટ્રેપનો શિકાર બન્યો હતો. આ યુવકે સમલૈગિંક સબંધો અંગેની એપ્લિકેશન ઇન્સટોલ કરીને તેમાં મેસેજ કર્યો હતો જેના આધારે સામેથી એક મેસેજ આવ્યો હતો અને મેસેજના આધારે મળવા બોલાવ્યો હતો અને આ યુવકને અર્ધનગ્ન કરીને ચાર શખ્સોએ તેનો બિભસ્ત વિડીયો ઉતારી લીધો હતો અને છરીની અણીએ તેની પાસેથી 50 હજાર રૂપિયાની માગ કરીને 400 રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસે ચાર જેટલા ટીનેજર્સને ઝડપી પાડ્યા હતા.

કિસ્સો ૩

જન્મદિવસની ઉજવણી માટે ચોરી

રાજકોટના યુનિવર્સિટી પોલીસ દ્વારા એસએનકે અને ધોળકિયા જેવી મોંધીદાટ શાળામાં અભ્યાસ કરતા ત્રણ નબીરાઓને કન્ટ્ર્સ્કશન સાઇટ પરથી ચોરી કરતા પકડી પાડ્યા છે. જેમાંથી બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોએ ધોરણ 10નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જ્યારે કૃષ્ણપાલસિંહ વાઘેલાએ હાલમાં જ ઘોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરેલ છે. આ ત્રણેય શખ્સો પોતાના મિત્રનો જન્મદિવસ મોંઘી હોટેલમાં ઉજવવા માંગતા હતા જેથી તેઓ ચોરીના રવાડે ચડ્યા હતા અને ભાડે કાર લઇને ચોરી કરવા નીકળ્યા હતા. જો કે પોલીસે તેને પકડી પાડ્યા છે.

હાઇફાઇ કલ્ચર-નાઇટ આઉટના વ્યસને પુત્રને અવળે રસ્તે ચડાવ્યો – પિતાની વ્યથા

પકડાયેલા ત્રણ શખ્સો પૈકી એકના પિતાએ કહ્યું હતું કે ઉજ્જવળ ભવિષ્યની આશાઓ સાથે તેને રાજકોટની સર્વ શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ અર્થે બેસાડ્યો હતો. તેને મોંઘો ફોન પણ અપાવ્યો હતો પરંતુ તેની હાઇફાઇ કલ્ચરની લાઇફ સ્ટાઇલે અવળે રસ્તે ચડાવ્યો છે. નાઇટ આઉટના વ્યસનને કારણે રાત્રીને 8 વાગ્યે ઘરેથી નીકળીને મોડી રાતે ઘરે પરત આવતા હતા અને 20 થી 25 મિત્રો હોવાથી કોઇને કોઇનો જન્મદિવસ હોવાથી બહાર જ રહેતા હતા. જેના કારણે આવા અવળે રસ્તે ચડ્યા છે. આ વ્યથા શબ્દોથી વર્ણવી શકાય તેવી નથી.

બાળકોની લાઇફ સ્ટાઇલ પર નજર રાખવી વાલીની જવાબદારી – પોલીસ

ત્રણ દિવસમાં ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ત્રણ કિસ્સાઓ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી.જાડેજાએ લોકોને અપીલ કરતા કહ્યું હતું કે દરેક વાલીએ પોતાના બાળક પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. તેના મિત્રો કોણ છે તે કોને મળે છે. તેના શોખ અને લાઇફ સ્ટાઇલ તેને આપવામાં આવતા રૂપિયા કરતા વધારે લક્ઝરીયસ તો નથી ને, આ ઉપરાંત તેના સોશિયલ મિડીયા પર પણ નજર રાખવી પણ ખૂબ જરૂરી છે. જો બાળકો પર નજર હશે તો જરૂરથી તેઓને એક ડર રહેશે અને તેઓ ખોટું કામ કરતા પહેલા સો વખત વિચાર કરશે.

નિયમીત શાળા-કોલેજની મુલાકાત લેવી જોઇએ, તેનો અભિપ્રાય શિક્ષકો પાસેથી લેવો જોઇએ- પ્રોફેસર નથવાણી

આ અંગે શિક્ષણવિદ્દ પ્રોફેસર નિર્મલ નથવાણીએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, દરેક માતા પિતાએ પોતાના સંતાનોની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. તેઓ જે શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા હોય ત્યાં વાલીઓએ અચૂક મુલાકાત લેવી જોઇએ. તે નિયમીત રીતે શાળા-કોલેજ જાય છે કે નહિ તેની તકેદારી લેવી જોઇએ. તેનું શાળા-કોલેજમાં વર્તન કેવા પ્રકારનું છે તેની શિક્ષકો-પ્રોફેસરો પાસેથી માહિતી લેવી ખૂબ જ જરૂરી છે. આવું કરવાથી દરેક વિદ્યાર્થી નિયમીત બનશે અને તેઓ ખોટા રસ્તે જતા બચશે.

શહેરની લાઇફ-સ્ટાઇલ અને મોજશોખ માટે ગુનાખોરીના રસ્તે બાળકો વળી રહ્યા છે

રાજકોટ ઝડપથી વિકસતું શહેર છે અહીંની લાઇફ સ્ટાઇલ આધુનિક છે તેવામાં ગામડેથી આવતા બાળકો પોતાની લાઇફસ્ટાઇલ અને મોજશોખ પૂરા કરવા માટે ગુનાખોરીના રસ્તે વળી રહ્યા છે. સાયન્સ, મેનેજમેન્ટ, મેડિકલ અને સીએ જેવા ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસ માટે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હોય છે. ગામડામાં પિતા તનતોડ મહેનત કરીને બાળકને અભ્યાસ માટે મોકલતા હોય છે અને અહીં કેટલાક વિદ્યાર્થીઓ અવળે રસ્તે પહોંચી રહ્યા છે. ત્યારે આ કિસ્સાઓ એવા તમામ માતા પિતાઓ માટે લાલબત્તી સમાન છે જેઓ બાળકને અભ્યાસ અર્થે બહાર મોકલી રહ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati