કોરોનાની ત્રીજી લહેર પહેલા રાજકોટમાં દર્દીઓની ઝડપી સારવાર માટે બનશે આ ખાસ કોવીડ હોસ્પિટલ

Movable Covid Hospital in Rajkot : ખાસ પદ્ધતિથી તૈયાર કરવામાં આવતી આ હોસ્પિટલ ગણતરીની મિનીટોમાં તૈયાર થઇ જાય છે.પ્રાથમિક તબક્કે 100 બેડની આ હોસ્પિટલમાં ઉભી કરવામાં આવશે.

કોરોનાની ત્રીજી લહેર પહેલા રાજકોટમાં દર્દીઓની ઝડપી સારવાર માટે બનશે આ ખાસ કોવીડ હોસ્પિટલ
special Movable Covid hospital will be built in Rajkot before the third wave of Corona (File Photo)

RAJKOT : કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા રાજકોટ પ્રશાસન સતર્ક થયું છે. એક બાજુ બાળકોના મોટા પાયે સર્વે કરવામાં આવ્યાં છે તો હવે દર્દીઓની ઝડપી સારવાર માટે ખાસ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે રાજકોટમાં ઇન્ડો અમેરીકન ફાઉન્ડેશન સંસ્થાના સહકારથી રાજકોટના ચૌધરી ગ્રાઉન્ડમાં 100 બેડની મુવેબલ હોસ્પિટલ તૈયાર થવા જઇ રહી છે. ખાસ પદ્ધતિથી તૈયાર કરવામાં આવતી આ હોસ્પિટલ ગણતરીની મિનીટોમાં તૈયાર થઇ જાય છે.પ્રાથમિક તબક્કે 100 બેડની આ હોસ્પિટલમાં ઉભી કરવામાં આવશે જેમાં એસી અને ઓક્સિજન લાઇન પણ ઇન્સ્ટોલ કરી શકાશે.ઇન્ડો અમેરિકન સંસ્થા અને જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે અને એકાદ બે દિવસમાં કામ ચાલુ કરીને એક સપ્તાહમાં હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે.

આ પ્રકારની દેશની પ્રથમ હોસ્પિટલ તૈયાર થશે : જિલ્લા કલેક્ટર
આ અંગે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યું હતુ કે કોરોનાની ત્રીજી લહેરની આશંકા છે જેને લઇને વહીવટી તંત્ર સતર્ક છે અને તૈયારીઓ કરી રહ્યું છે.તત્કાલિન કલેક્ટર દ્વારા આ પ્રોજેક્ટની પ્રપોઝલ મૂકવામાં આવી હતી અને ત્યારબાદ તેને એપ્રુઅલ મળી ગયું છે, જેથી ટૂંક સમયમાં આ હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. આ પ્રકારની હોસ્પિટલ દેશની પ્રથમ હોસ્પિટલ બનશે. આ હોસ્પિટલની ખાસિયત એ છે કે એકવાર ઉપયોગમાં લીધા બાદ અન્ય સ્થળે પણ આ હોસ્પિટલ ખસેડી શકાશે અને તેનું આયુષ્ય 10 વર્ષનું રહેશે. પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઉપયોગ કર્યા બાદ જો સફળતા મળશે તો અન્ય સ્થળે પણ આ પ્રકારની હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.

ચૌધરી હાઇસ્કૂલના કેમ્પસમાં વિશેષ વ્યવસ્થા ઉભી કરાઇ
પહેલા આ મુવેબલ હોસ્પિટલ રાજકોટની સિવીલ હોસ્પિટલમાં તૈયાર કરવાનું આયોજન હતું, પરંતુ ત્યાં જગ્યાના અભાવને કારણે આ વ્યવસ્થા ત્યાં થઇ શકી નહી. જેથી આ વ્યવસ્થા ચૌધરી હાઇસ્કૂલમાં ઉભી કરવામાં આવી છે. ઇન્ડો અમેરીકન ફાઉન્ડેશન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અંગે જગ્યાનો સર્વે પુરો કરી દેવામાં આવ્યો છે અને આ જગ્યાએ વ્યવસ્થાઓ ઉભી કરીને ત્યાં હોસ્પિટલનું કામકાજ શરૂ કરવામાં આવશે.

પીપીપી પ્રોજેક્ટથી હોસ્પિટલનું નિર્માણ થશે
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યું હતુ કે આ હોસ્પિટલનું નિર્માણ પીપીપી પ્રોજેક્ટથી કરવામાં આવ્યું છે.વહીવટી તંત્રને આ હોસ્પિટલના નિર્માણ માટે કોઇ ખર્ચ લાગવાનો નથી,હોસ્પિટલના નિર્માણનો તમામ ખર્ચ ઇન્ડો અમેરીકન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કરવામાં આવશે.વહીવટી તંત્ર આ હોસ્પિટલ માટે જગ્યાની ફાળવણી કરશે અને પ્રાથમિક તબક્કે 100 બેડ ઉભા કરવામાં આવશે.જો જરૂરિયાત વધારે પડશે તો બેડની સંખ્યા પણ વધારવામાં આવશે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati