RAJKOT : હાઇફાઇ ફલેટધારકોના બાલકનીના અભરખાં ! ગેરકાયદેસર બાંધકામથી બે મજૂરોના થયા મોત

આ અંગે સામેના ફ્લેટમાં રહેતા જમનભાઇ પટેલે કહ્યું હતું કે તેઓ પોતાના ફલેટની અંદર આવતાની સાથે જ જોરદાર અવાજ આવ્યો હતો. જ્યારે બહાર નીકળીને જોયું તો સામેના ફલેટમાંથી સ્લેબ ઘરાશયી થયો. જેમાં બે લોકો દટાયાં હતા,

Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 23, 2021 | 5:23 PM

રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામે બે મજૂરોનો ભોગ લીધો છે. શહેરના નાનામૌવા રોડ પર આવેલા જીવરાજ પાર્કમાં એક ફલેટના રિનોવેશન દરમિયાન સ્લેબ ધરાશયી થતા બે મજૂરોના મોત નીપજ્યા છે. જ્યારે એક મજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આખા મામલાની વાત કરવામાં આવે તો જીવરાજ પાર્કની અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલા બ્લોસમ સીટીમાં ગેરકાયદેસર રીતે બાલકની બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.

આજે અચાનક જ એક સ્લેબ તૂટતા ચાર સ્લેબ એક સાથે તૂટી પડ્યાં હતા. જેના કારણે બે મજૂરો ત્યાં દટાયા હતા. જ્યારે એક મજૂર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. મરનાર મજૂરોના નામ શિવાનંદ અને રાજુ સાગઠિયા છે. જ્યારે સુરજકુમાર નામનો શ્રમિક ઇજાગ્રસ્ત થયો છે.આ સોસાયટીના રહીશો મનપાની મંજૂરી વિના પોતાના ફ્લેટમાં બાલકની બનાવતા હોવાથી સ્લેબ દિવાલમાં ટકી ન શક્યો..

ગણતરીની સેકન્ડમાં સ્લેબ તૂટ્યો અને બે દટાયા-પ્રત્યક્ષદર્શી

આ અંગે સામેના ફ્લેટમાં રહેતા જમનભાઇ પટેલે કહ્યું હતું કે તેઓ પોતાના ફલેટની અંદર આવતાની સાથે જ જોરદાર અવાજ આવ્યો હતો. જ્યારે બહાર નીકળીને જોયું તો સામેના ફલેટમાંથી સ્લેબ ઘરાશયી થયો. જેમાં બે લોકો દટાયાં હતા, જેને બહાર કાઢ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હતો. જેને એબ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

પાંચ દિવસ પહેલા મનપાએ નોટિસ આપી હતી-મેયર

આ સમગ્ર મામલે રાજકોટના મેયર પ્રદિપ ડવે તપાસના આદેશ આપ્યા છે.મેયરના કહેવા પ્રમાણે પાંચ દિવસ પહેલા ટાઉન પ્લાનીંગ શાખા દ્રારા બિલ્ડીંગમાં થઇ રહેલા ગેરકાયદેસર બાંધકામને બંધ કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી. જોકે બિલ્ડીંગધારકોએ તેને અવગણીને બાંધકામ ચાલુ રાખ્યું હતું. જેના કારણે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશન દ્રારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.મહત્વનું છે કે બ્લોસમ સીટીના ફ્લેટઘારકો દ્વારા બંન્ને બાજુએ ગેરકાયદેસર બાલકની બનાવવામાં આવી રહી હતી. હાલ તો આ દુર્ઘટનાને લઇને રાજકોટ શહેરમાં લોકમુખે અલગ-અલગ ચર્ચાએ જોર પકડયું છે.

 

આ પણ વાંચો : પોરબંદર: દરિયામાંથી 150 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલ 7 ઈરાનીઓની પુછપરછમાં થયો મોટો ખુલાસો

આ પણ વાંચો : Bharuch: પાણીના વહેણમાં તણાતું બાઈક બચાવવા મથી રહેલા 2 યુવાનોના દિલધડક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">