પ્રિમોન્સુન કામગીરીને લઈને ધોરાજી નગર પાલિકાએ ધોળકુ ધોળ્યુું હોવાનો વિપક્ષનો આરોપ
અસહ્ય ગરમી બાદ હવે વરસાદની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજકોટના ધોરાજીમાં નગરપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીમાં ધોળકું ધોળ્યું હોવાનો વિપક્ષનો આક્ષેપ છે. જે કંઈ કામગીરી છે એ કાગળ પર જ રહી ગઈ છે. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી વરતાતી નથી. તેમ છતાં નગરપાલિકાનો દાવો છે કે કામગીરી પૂરજોશમાં ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ધોરાજી નગરપાલિકા કોંગ્રેસ શાસિત છે. ત્યારે નગર પાલિકાના સત્તાપક્ષના સદસ્યએ પણ એવો દાવો કર્યો છે કે ચૂંટણી વખતે આપેલા વચનો પાલિકા પૂરી નથી કરી શકી.
આ તરફ પ્રિ-મોન્સુન કામગીરીને લઈને ધોરાજી શહેર ભાજપના પ્રમુખે પણ કોંગ્રેસ શાસિત પાલિકા પર સવાલો ઉઠાવ્યા છે. ભાજપના શહેર પ્રમુખનો આક્ષેપ છે કે પ્રિ-મોન્સૂન કામગીરીના નામે પાલિકાના સતાધીશોએ લાખો રૂપિયાના બિલ બનાવી અને ભ્રષ્ટાચાર કર્યો છે. તેમજ કામગીરી વગર લોકોની હેરાનગતિ વધારી છે. જોકે આ તરફ ભાજપના આક્ષેપોને નગરપાલિકાના કારોબારી સભ્ય પાયાવિહોણા ગણાવતા કહે છે કે વિપક્ષ પાસે આક્ષેપ સિવાય કોઈ કામ નથી. બાકી પ્રિ-મોન્સુન કામગીરી ચાલુ જ છે.