રાજકોટમાં એક પાટીદાર પરિવારમાં મિલકતનો વિવાદ સામે આવ્યો છે. પરંતુ વિવાદમાં ભાજપ પ્રભારીનું નામ પણ સામે આવતા અનેક સવાલો ઊઠી રહ્યા છે. રાજકોટમાં પાટીદાર સમાજની વિધવા મહિલાને તેના જ પરિવારજનો દ્વારા હેરાન-પરેશાન કરાતા હોવાના આક્ષેપો ઊઠી રહ્યા છે. ક્રિષ્ટીના પટેલ નામની યુવતીએ. સો. મીડિયામાં વીડિયો શેર કરીને પીડા ઠાલવતા ન્યાયની માંગ કરી હતી. જે બાદ આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે.
ક્રિષ્ટીના પટેલ ટેલિવુડમાં કલાકાર છે અને મુંબઈમાં રહે છે. તેની માતા અંજુ અમૃતિયા. રાજકોટના ઘરમાં એકલા રહે છે. આરોપ છે કે બે દિવસ પહેલાં જ્યારે અંજુ અમૃતિયા ઘરમાં એકલા હતા. ત્યારે ક્રિષ્ટીનાના પિતરાઈ ભાઈઓ આનંદ અને બીપીન અમૃતિયા જગદીશ નામના અન્ય એક શખ્સ સાથે ઘરમાં ધસી આવ્યા હતા અને અંજુ અમૃતિયા પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.હુમલાની ઘટના બાદ અંજુ અમૃતિયાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પરંતુ, કાકા દિનેશ અમૃતિયા ભાજપના પ્રભારી હોઈ અને રાજકીય વગ ધરાવતા હોઈ તેમની ફરિયાદ ન લેવાતી હોવાનો પણ પરિવારનો આરોપ છે.
કૌટુંબિક કાકા ક્રિષ્ટીનાના પિતા પરેશ અમૃતિયાની મિલકત પચાવવા પ્રયાસ કરતા હોવાના આક્ષેપો ઊઠી રહ્યા છે. મિલકત પચાવવા માટે પરેશ અમૃતિયાના નામનું ખોટું વીલ બનાવ્યાનો પણ આરોપ સામે આવ્યો છે. હાલ માતા પર જે રીતે હુમલો કરાયો. તે જોતા ક્રિષ્ટીનાને લાગી રહ્યું છે કે તેના પિતાને પણ ષડયંત્ર રચી મોતને ઘાટ ઉતારાયા છે.
વિવાદિત મિલકતની વાત કરીએ તો પારિવારિક 3 દુકાન, પોપટપરાની 185 વાર જમીન, ભાયાવદરમાં 3 વીઘા જમીન તેમજ ભાયાવદરમાં એક પ્લોટ છે. જો કે સમગ્ર મામલે કોઈ કોર્ટ કાર્યવાહી કરવામાં નથી આવી. હાલ તો ક્રિષ્ટીનાની એક જ માંગ છે કે પોલીસ સમગ્ર કેસમાં તટસ્થ તપાસ કરે.
Input Credit- Mohit Bhatt- Rajkot
Published On - 2:00 pm, Mon, 4 August 25