
PM મોદીએ લખેલા ગરબા પર રાજકોટમાં હવે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની વાત સામે આવી છે. PM મોદીએ લખેલા અને ખાસ કરીને ધ્વનિ ભાનુશાળીના અવાજમાં લોન્ચ થયેલા આ ગરબાના PM મોદીએ પણ ખૂબ વખાણ કર્યા હતા અને કલાકારોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
હવે આ ગરબા પર રાજકોટમાં એક વર્લ્ડ રેકોર્ડ સ્થપાવા જઈ રહ્યું છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં શરદ પૂનમના દિવસે એક લાખ લોકો PM મોદીએ લખેલા માડી ગરબા પર ગરબે રમશે. જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં થશે.
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની આગેવાનીમાં શહેર ભાજપ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ઇન્ક્રેડીબલ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદી દ્વારા લિખિત માડી ગરબો શરદ પૂનમના પવિત્ર દિવસે માતાજીની આરાધના સ્વરૂપે ઘર ઘર સુધી પહોંચે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ રાજ્ય અને દેશભરમાં ભરડો લઈ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો હજાર રહેવાના હોય આ કાર્યક્રમમાં હાજર વિદ્યાથીઓ, યુવાનો અને શહેરીજનોને ડ્રગ્સથી દૂર રહેવાનો સંકલ્પ કરાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા અને રાજકોટના તમામ ધારાસભ્યો, સાંસદ મોહન કુંડારિયા અને રામભાઈ મોકરિયા અને રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ વર્લ્ડ રેકૉર્ડમાં પ્રખ્યાત ગાયક અને ગરબા સ્પેશિયાલિસ્ટ પાર્થિવ ગોહિલના અવાજમાં તેમની સાથે ગાયક કલાકારોની ટીમ અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો આપનાર સાજીંદાઓ માડી ગરબા પર રાજકોટના યુવાઓને ડોલાવશે.
આટલા મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોય જેને લઇને સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સ્થળ પર ૩૦ જેટલી મેડિકલ ટીમો અને 10 જેટલી એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. જેથી કોઈ મેડિકલ ઇમરજન્સીમાં ત્વરિત સ્થળ પર જ સારવાર મળી રહેશે અને મોટી ઇમરજન્સીમાં તાત્કાલિક વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડી શકાશે. આ ઉપરાંત યુવાનોના આકર્ષણ માટે 20 જેટલા આકર્ષક સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવશે.
આ પણ વાંચો : Rajkot Video: ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસની આવક, ભાવ વધારવા ખેડૂતોએ કરી માગ
આ કાર્યક્રમમાં આકર્ષક અને કલાત્મક સ્ટેજ અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથે યુવાઓને ગરબે રમવાની મજ્જા પડી જશે. એક લાખથી વધુ યુવાનો એક સાથે ગરબે રમે તેવી આ પેલી તક છે,આ ઉપરાંત આ કાર્યક્રમમાં 500થી વધુ સ્વયં સેવકો પણ વ્યવસ્થા જાળવવા માટે ખડેપગે રહેશે.
Published On - 9:02 pm, Wed, 25 October 23