રાજકોટમાં આ ઘુઘરાવાળાને ત્યાં ઘુઘરા ખાતા પહેલા થઇ જજો સાવધાન, તપાસમાં કલર અને અખાધ્ય રસાયણની જોવા મળી હાજરી
રાજકોટમાં ખાધ પદાર્થોને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. વિવિધ વિસ્તારોમાં દુકાનોમાં આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે ઇશ્વર ઘુઘરાવાળા દ્રારા ઉપયોગમાં લેવામાં આવતી ચટણીમાં ભેળસેળ સામે આવી છે. મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્રારા છેલ્લા 24 કલાકમાં 37 જેટલા ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે પૈકી ત્રણ ડેરીમાંથી પણ દુધના નમૂના લેવામાં આવ્યા હતા.

રાજકોટ શહેરમાં ખ્યાતનામ એવા ઇશ્વર ઘુઘરાવાળાને ત્યાંથી મહાનગર પાલિકાએ લીધેલો નમૂનો ફેઇલ થયો છે. થોડા દિવસો પહેલા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્રારા હાથીખાના વિસ્તારમાં આવેલા ઇશ્વર ઘુઘરાવાળાને ત્યાંથી ચટણીના નમૂના લીધા હતા અને આ નમૂના લેબોલેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા જેમાં આ નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની તપાસમાં કલર અને અખાધ્ય રસાયણની હાજરી જોવા મળી છે જેના કારણે ઇશ્વર ઘુઘરાવાળા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના રસાયણ સ્વાસ્થ્ય માટે જોખમકારક
આરોગ્ય વિભાગની તપાસમાં ઇશ્વર ઘુઘરાવાળા દ્રારા ઉપયોગમાં લેવામાં આવતી ચટણીમાં ભેળસેળ સામે આવી છે.આ ભેળસેળવાળો ખાદ્ય પદાર્થ આરોગવાને કારણે પેટના રોગ,ચામડીના રોગ અને કેન્સર સુધીના રોગ થઇ શકે છે.આરોગ્ય વિભાગ દ્રારા આ રિપોર્ટના આધારે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેમાં વેપારીને મોટો દંડ અને તેના યુનિટ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટૂંકાવસ્ત્રો પર પ્રતિબંધ મુકાતા વિવાદ વકર્યો,જાણો શું છે સમગ્ર મામલો
24 કલાકમાં 37 ધંધાર્થીઓને ત્યાં તપાસ
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્રારા છેલ્લા 24 કલાકમાં 37 જેટલા ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે પૈકી ત્રણ ડેરીમાંથી પણ દુધના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં ન્યૂ કનૈયા ડેરી,ન્યૂ કૈલાશ ડેરી અને જય કિશાન ડેરીનો સમાવેશ થાય છે,મહાનગરપાલિકા દ્રારા આ દુધના નમૂના લઇને તેને પરીક્ષણ અર્થે લેબોલેટરીમાં મોકલવામાં આવશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે.રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સમયાંતરે આ પ્રકારની કાર્યવાહી હાથ ધરાતી હોય છે.