રાજકોટ મહાનગરપાલિકાનો પ્રિ મોન્સુન પ્લાન પાણીમાં, વરસાદ આવે ત્યારે આ વિસ્તારોમાં અચૂક ભરાય છે પાણી !

ટીવીનાઇન ગુજરાતી (Tv9 Gujarati) રાજકોટમાં એવા વિસ્તારોની યાદી આપી રહ્યું છે  જ્યાં વરસાદ પડતાની સાથે જ પાણી ભરાવાની સમસ્યાઓ ઉભી થતી હોય છે. વરસાદ આવે ત્યારે આ વિસ્તારોમાં અચૂક પાણી ભરાય છે.

રાજકોટ મહાનગરપાલિકાનો પ્રિ મોન્સુન પ્લાન પાણીમાં, વરસાદ આવે ત્યારે આ વિસ્તારોમાં અચૂક ભરાય છે પાણી !
રાજકોટમાં આ વિસ્તારોમાં ભરાય છે પાણી
Mohit Bhatt

| Edited By: Nidhi Bhatt

Jun 28, 2022 | 5:22 PM

ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. રાજકોટમાં (Rajkot Latest News) ધોધમાર વરસાદ વરસ્યો છે. ગત રવિવારે આવેલા તોફાની વરસાદે સૌ કોઇને ચોમાસાનો અહેસાસ કરાવી દીધો છે. જો કે આ જ વરસાદે રાજકોટ મહાનગર પાલિકાના પ્રિ મોન્સુન પ્લાનની પણ પોલ છત્તી કરી દીધી છે. ટીવીનાઇન ગુજરાતી રાજકોટમાં એવા વિસ્તારોની યાદી આપી રહ્યું છે  જ્યાં વરસાદ પડતાની સાથે જ પાણી ભરાવાની સમસ્યાઓ ઉભી થતી હોય છે. રાજકોટમાં વરસાદ આવે ત્યારે આ વિસ્તારોમાં અચૂક પાણી ભરાય છે.

રાજકોટનો યાજ્ઞિક રોડ

વરસાદ અડ઼ધો ઇંચ પડે કે પાંચ ઇંચ કે તેનાથી વધારે પરંતુ રાજકોટના યાજ્ઞિક રોડ પર પાણી અચૂક ભરાય છે.આ વિસ્તારમાં મોટાભાગે દુકાનો અને ઓફિસો આવી છે ત્યારે ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર છે માલવિયા ચોકથી લઇને રામકૃષ્ણ આશ્રમ સુધી વરસાદમાં અહીં પાણી ભરાવાની સમસ્યા છે જેથી વાહનચાલકોને ભારે હાલાકી પડે છે.

રાજકોટનો રૈયારોડ

રાજકોટના રૈયારોડમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે.અહીં મુખ્યત્વે આઝાદ ચોક વિસ્તારમાં પાણી ભરાય છે.આસપાસની સોસાયટીઓના પાણી પણ આઝાદ ચોકના નીચાણવાળા વિસ્તારોમાં ભરાય છે જેના કારણે માત્ર એક ઇંચ વરસાદમાં પણ અહીં જાણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવો ઘાટ ઘડાયો છે.આ વિસ્તારમાં દબાણો હોવાને કારણે પાણી નિકાલની સમસ્યા સર્જાતી હોવાનો તંત્રનો દાવો છે. જો વધારે વરસાદ થાય તો રૈયા ચોક થી રૈયા ગામ જવાના રસ્તે પણ પાણી ભરાય છે.

રાજકોટનો 150 ફુટ રિંગરોડ

રાજકોટના 150 ફુટ રિંગરોડ તો વરસાદના સમયે જાણે કે નદીમાં પરીણમે છે.અહીં પાણી નિકાસની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે જ્યારે પણ વરસાદ આવે ત્યારે માધાપર ચોકડીથી મવડી ચોક સુધી રસ્તાની બંન્ને બાજુ પાણી ભરાય છે.રામાપીર ચોક,નાનામૌવા ચોક,કેકવી ચોકમાં તો હાલમાં બ્રિજના કામ ચાલતા હોવાને કારણે આ વિસ્તારમાં પાણી ભરાવાની વધુ સમસ્યા ઉભી થઇ છે.

રાજકોટનો માલવિયા કોલેજ ચોક

રાજકોટના માલવિયા કોલેજ ચોક નજીક પણ વરસાદી પાણી ભરાય છે.એક તરફ ગોંડલ રોડ ઓવરબ્રિજની કામગીરી ચાલતી હોવાને કારણે આ રસ્તા પર ટ્રાફિક જામ હોય છે તેવામાં વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે.

રાજકોટનો મવડી રોડ

રાજકોટના મવડી મેઇન રોડ પર આવેલા બાપા સીતારામ ચોકમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે.એક ઇંચ કરતા વધારે વરસાદ પડતાની સાથે જ આ વિસ્તારમાં પાણી ભરાય છે મવડી ગામ,નવો 150 ફૂટ રિંગરોડ અને કણકોટ તરફ હજારો લોકો પસાર થાય છે જેના કારણે ભારે હાલાકી પડે છે.

રાજકોટ પોપટપરા નાળુ

પોપટપરાના નાળુ અને વરસાદી પાણી ભરાવું આ બંન્ને એક શબ્દના પર્યાય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે.થોડો વરસાદ થતાની સાથે જ જંકસન અને પરસાણાનગર વિસ્તારની ડ્રેનેજનું પાણી અહીં આવી જાય છે અને તેના કારણે આ વિસ્તારમાં પાણી ભરાય છે પાણી ભરાવાને કારણે રસ્તો પણ બંધ થઇ જાય છે અને વાહન વ્યવહારને અસર પડે છે.

આ તો વાત થઇ થોડા વરસાદમાં રસ્તા પર ભરાઇ જતા પાણીની,જો શહેરમાં સારો વરસાદ પડે અને આજી નદીમાં પુર આવે તો સંતોષીનગર, લલુડી વોંકળી વિસ્તાર,જંગલેશ્વર,ભગવતી પરા અને વિજય પ્લોટ જેવા વિસ્તારોમાં લોકોના ઘરોની અંદર પાણી ઘુસી જતા હોય છે.

રસ્તા પર પાણી ભરાય છે પરંતુ 1 કલાકમાં ઉતરી પણ જાય છે – ડેપ્યુટી મેયર

શહેરમાં પાણી ભરાવાની સમસ્યા અંગે ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહે ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા છે પરંતુ એક કલાકમાં આ પાણીનો નિકાલ પણ થઇ જાય છે અને રસ્તા પરથી પાણી ઉતરી જાય છે.જો કે વરસાદી પાણીના નિકાલ માટે મહાનગરપાલિકા એલર્ટ મોડ પર છે અને ત્રણેય ઝોનમાં રેડ,યલો અને ગ્રીન એમ ત્રણ ઝોન પાડવામાં આવ્યા છે જેના કારણે સૌથી વધારે પાણી ભરાતું હોય તેને ગ્રીન ઝોન,તેનાથી થોડું ઓછું યલો ઝોનમાં રાખવામાં આવ્યું છે.દરેક ઝોનમાં 6 ડે.ઇજનેર,18 આસિસટન્ટ ઇજનેર અને 18 વર્ક આસિસટન્ટને કામગીરી સોંપાઇ છે જે પાણીનો તાત્ત્કાલિક નિકાલ થાય તે દિશામાં કામગીરી કરે છે જેથી પાણીનો જલદી નિકાલ થઇ શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati