RAJKOT : બોઘરા-બાવળિયાના ગઢમાં ગાબડું,જિલ્લા પંચાયતની બંન્ને બેઠક પર કોંગ્રેસનો વિજય

રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું, જેનું આજે પરિણામ આવી ગયું છે. આ ચૂંટણી પરિણામમાં ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયાં છે.

RAJKOT : બોઘરા-બાવળિયાના ગઢમાં ગાબડું,જિલ્લા પંચાયતની બંન્ને બેઠક પર કોંગ્રેસનો વિજય
RAJKOT: Election results of Nagarpalika and District Panchayat seats declared

સાણથલી-શિવરાજપૂર જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસનો વિજય

પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના ગઢ સમાન જસદણ તાલુકાની જિલ્લા પંચાયતની બે બેઠક સાણથલી અને શિવરાજપુર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે અને ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.આ બંન્ને બેઠક પર વિજેતા ઉમેદવાર કોરોનાના કારણે મૃત્યુ પામ્યા બાદ પેટાચૂંટણી આવી હતી જેમાં શિવરાજપુર બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર વિનુભાઈ મેણીયા નો 2084 મત થી વિજય થયો હતો. જ્યારે સાંણથલી બેઠકના કૉંગ્રેસના શારદાબેન ધડુક નો 400 મતે વિજય થયો છે.નવી સરકાર બન્યા બાદ પ્રથમ ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.

હારનો સ્વીકાર કરીએ છીએ,જ્યાં ચૂક હશે ત્યાં મહેનત કરીશું-ભૂપત બોદર

જિલ્લા પંચાયતની પેટાચૂંટણીના પરિણામમાં ભાજપની હાર જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે સ્વીકારી હતી.ભૂપત બોદરે કહ્યું હતું કે જનતાનો ચૂકાદો સ્વીકારીએ છીએ.અમારી જ્યાં પણ ચૂક થઇ હશે તે સ્વીકારીશું અને મહેનત કરીને તેને સુધારવાના પ્રયત્નો કરીશું.

ઉમેદવારોની પસંદગી સમયે જ બાવળિયાએ જવાબદારીમાંથી હાથ ખંખેર્યા હતા

જિલ્લા પંચાયતની પેટાચૂંટણી જાહેર થઇ ત્યારે ગાંધીનગરમાં સરકારની ઉથલપાથલ થઇ રહી હતી તેવા સમયે જ કુંવરજી બાવળિયાએ પ્રદેશ ભાજપને પત્ર લખીને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાંથી હાથ ખંખેરી લીધા હતા અને પોતે વ્યસ્ત હોવાનું કહીને પાર્ટીના આદેશ શિરોમાન્ય રહેશે અને પોતે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં નહિ જોડાય તેની જાહેરાત કરી હતી.

હાર માટે બે નેતાઓનો જુથવાદ કે અન્ય કારણ?

જસદણ પંથક આમ તો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે પરંતુ કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા બાદ આ વિસ્તારમાં ભાજપને ફાયદો થયો હતો.જો કે પેટાચૂઁટણીના પરિણામે ફરી આ વિસ્તારમાં કોંગ્રેસ આજે પણ મજબૂત છે તે સાબિત કર્યું છે.જો કે આ વિસ્તારમાં ભરત બોઘરા અને કુંવરજી બાવળિયા વચ્ચેનો જુથવાદ યથાવત છે.બે બેઠક પૈકી શિવરાજપૂર બેઠક કોળી સમાજના પ્રભુત્વવાળી છે જ્યાં કુંવરજી બાવળિયાનો દબદબો છે જ્યારે સાંણથલી બેઠકમાં ભરત બોઘરા પાટીદાર સમાજમાં પકડ ધરાવે છે જો કે બંન્ને બેઠક પર આંતરિક જુથવાદને કારણે કોંગ્રેસને લાભ મળ્યો છે ત્યારે આ પરિણામની આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેટલી અસર થશે તે જોવાનું રસપ્રદ રહેશે.

ઉપલેટામાં નગરપાલિકામાં વોર્ડ નં.5માં પણ કોંગ્રેસનો પંજો ફરી વળ્યો

રાજકોટના ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નં.5ની પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ છે. ભાજપનાં મહિલા સભ્યનું કોરોનામાં મૃત્યુ થતાં બેઠક ખાલી પડતાં પેટાચૂંટણી આવી હતી, જેમાં કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર દક્ષાબેન વેકરિયાની જીત થઇ છે. ભાજપના ઉમેદવાર કૃણાલ સોજીત્રાને 885 મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેનને 1098 મત મળ્યા છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati