રાજકોટ બસ પોર્ટની દુર્દશા મામલે tv9ના અહેવાલ બાદ જાગ્યુ એસટી તંત્ર, છતમાંથી પાણી ટપક્તા એજન્સીને ફટકારી નોટિસ- જુઓ વીડિયો

રાજકોટના હજુ થોડા વર્ષો પહેલા જ તૈયાર થયેલા બસ પોર્ટની દુર્દશા સામે આવી છે. 145 કરોડના ખર્ચે તૈયાર થયેલા બસ પોર્ટના વેઈટીંગ એરિયામાં છતમાંથી પાણી ટપકે છે, જેના કારણે કેટલાક મુસાફરોને ભરશિયાળે ભીંજાવાનો વારો આવ્યો. દુર્દશા તો એ હદે કે એસટી તંત્ર દ્વારા જ્યા પાણી ટપકે છે ત્યા ડોલ મુકી જાણે સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યુ છે.

| Edited By: | Updated on: Jan 12, 2024 | 10:36 PM

રાજકોટના બસ પોર્ટ બન્યાના ત્રણ વર્ષમાં જ ભ્રષ્ટાચારની પોલ ખૂલી ગઈ છે. રાજ્યના તમામ બસ સ્ટેશનને ઍરપોર્ટ જેવા બનાવવાના સરકારો દ્વારા દાવા તો કરી દેવાયા પરંતુ આ દાવા જાણે ખોખલા અને પોકળ સાબિત થઈ રહ્યા છે. 145 કરોડના ખર્ચે રાજકોટનું બસ પોર્ટ તૈયાર થયુ છે પરંતુ એક જ વર્ષમાં અહીં છતમાંથી પાણી ટપકવા લાગ્યુ છે. જે બસપોર્ટની તુલના ઍરપોર્ટ સાથે કરવામાં આવતી હતી અને એટલે જ તેને બસ પોર્ટ નામ અપાયુ હતુ તે બસ પોર્ટની દુર્દશાના વરવા દૃશ્યો સામે આવ્યા છે.

વેઈટીંગ એરિયામાં છતમાંથી ટપકે છે પાણી

આ બસ પોર્ટમાં વેઈટિંગ એરિયામાં છતમાંથી પાણી ટપકે છે. જેના કારણે કેટલાક મુસાફરોને ભીંજાવાનો પણ વારો આવ્યો હતો. પાણી ટપક્તુ હોવાથી મુસાફરોને ભારે હાલાકી સહન કરવી પડે છે. જ્યાં મુસાફરો બેસે છે તે વેઈટિંગ એરિયામાં જ છતમાંથી પાણી ટપકી રહ્યુ છે અને ડોલ મુકીને જાણી સમસ્યાનુ સમાધાન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

એન્ટ્રી ગેટ પર ઉભરાઈ ગટર

આટલુ ઓછુ હોય તેમ બસપોર્ટની બહાર પણ બદ્દથી બદ્દતર દૃશ્યો જોવા મળી રહ્યા છે અને બસ પોર્ટના એન્ટ્રી ગેટ પાસે ગટરના પાણી ભરાયેલા છે. જરા વિચારો એન્ટ્રી ગેટ પર જ ગટરના પાણી ભરાયેલા છે. મુસાફરો બાપડા આ ગટરના પાણીમાંથી પસાર થઈને ચાલવા મજબુર છે. જાણે ચોમાસુ હોય અને પાણી ભરાયા હોય તે પ્રકારના દૃશ્યો હાલ બસપોર્ટ બહાર જોવા મળે છે.

પાણીનું પરબ શોભાના ગાંઠિયા સમાન, પરબ છે પરંતુ પાણી નથી

એક તરફ છતમાંથી પાણી ટપકી રહ્યુ છે અને બહાર ગટર ઉભરાઈ રહી છે પરંતુ બસપોર્ટમાં પીવાના પાણીના પરબમાં પાણી જ નથી આવી રહ્યુ અને પાણીનુ પરબ શોભાના ગાંઠિયા સમાન બન્યુ છે. જરા વિચારો અહીં રોજ હજારો વિદ્યાર્થીઓ, ગરીબ મુસાફરો આવતા હોય છે જે પરબમાં પાણી ન આવતુ હોવાથી પૈસા ખર્ચવા મજબુર બન્યા છે.

આ પણ વાંચો : કબુતરબાજી મામલે ગુજરાત, દિલ્હી સહિત 14 એજન્ટ સામે નોંધાયો ગુનો, એક વર્ષમાં 1500થી વધુ ગુજરાતીઓને અમેરિકા પહોંચાડ્યા હોવાનો ચોંકાવનારો ખૂલાસો

લાઈન લીકેજ હોવાથી છતમાંથી ટપકે છે પાણી- એસટી નિયામક

બસ પોર્ટની તમામ અસગવડતા અને અસુવિધા મુદ્દે એસટી વિભાગના નિયામકે જણાવ્યુ કે ઉપરના ફ્લોર પર લાઈન લીકેજ હોવાના કારણે પાણી ટપકવાની સમસ્યા આવી રહી છે. પાણીની લાઈનમાંથી લિકેજ અંગે એજન્સીને નોટિસ આપવામાં આવી છે. ઉપરાંત જો કોઈ બેદરકારી સામે આવશે તો એજન્સીને દંડ ફટકારવામાં આવશે.

જો કે બસ પોર્ટની અસુવિધા બાબતે tv9 ગુજરાતીએ અહેવાલ પ્રસારીત કર્યા બાદ એસટી તંત્ર જાગ્યુ છે અને બસ પોર્ટની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:31 pm, Fri, 12 January 24