APMCની ચૂંટણી પહેલા ચેરમેન બોઘરાએ પાંચ વર્ષનો હિસાબ આપ્યો, રાદડિયા વિરોધીઓ પર તૂટી પડ્યા

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમા અનાવરણ અને જણસી સેડનું લોકાર્પણ થયું. કૃષિ મંત્રી જીતુ વાઘાણી, જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા.

APMCની ચૂંટણી પહેલા ચેરમેન બોઘરાએ પાંચ વર્ષનો હિસાબ આપ્યો, રાદડિયા વિરોધીઓ પર તૂટી પડ્યા
| Edited By: | Updated on: Oct 08, 2026 | 2:47 PM

રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં આજે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ધારાસભ્ય જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાની પ્રતિમા અનાવરણ અને જણસી માટેના સેડનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોના પાંચ વર્ષ પૂર્ણતાને આરે છે અને તેવા સમયે યોજાયેલા આ મહત્વના કાર્યક્રમમાં ચેરમેન જયેશ બોઘરાએ પાંચ વર્ષના કાર્યકાળનો હિસાબ આપ્યો હતો તો આ કાર્યક્રમમાં જયેશ રાદડિયા વિરોધી પર તૂટી પડ્યા હતા.

30 રૂપિયામાં ભોજન આપવાની શરૂઆત

આ કાર્યક્રમમાં સંબોધન કરતા ચેરમેન જયેશ બોઘરાએ કહ્યું હતું કે પાંચ વર્ષનું શાસન પ્રમાણિતાથી પાર કર્યું છે. રાત્રીના બે વાગ્યે પણ ખેડૂતોની વચ્ચે રહ્યો છું. જૂના માર્કેટિંગ યાર્ડમાં અસામાજિક તત્વોનો ત્રાસ હતો જે દૂર કર્યો છે. ખેડૂતોની જણસી ન પલળે તે માટે સેડ તૈયાર કરાવ્યા છે આ ઉપરાંત બહારગામના ખેડૂતોને ભોજન કરી શકે તે માટે માત્ર 30 રૂપિયામાં ભોજન આપવાની શરૂઆત કરાઇ છે.આ ઉપરાંત યાર્ડની ડિપોઝીટમાં પણ વધારો થયો છે અને આજે રાજકોટનું માર્કેટીંગ યાર્ડ ત્રીજા નંબરનું સૌથી મોટું યાર્ડ બન્યું છે.

આ કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રમાં તેની ટીમ દ્રારા કરવામાં આવતી કામગીરીના વખાણ કર્યા હતા અને વિરોધીઓ પર પ્રહાર કર્યો હતો. રાદડિયાએ કહ્યું પાંચ વર્ષ પહેલા આ યુવાનોની ટીમને લઇને ખેડૂતો પાસે મત માંગવા નીકળ્યો હતો. ખેડૂતો મને પુછતા હતા આ યુવાનો શું કરશે ત્યારે મેં કહ્યું હતું કે લાગશે વાર પણ આવશે મજા. આજે આ ટીમે પ્રમાણિકતાથી પાંચ વર્ષ કામ પૂરા કરીને ખેડૂતોની હિતમાં અનેક નિર્ણય કર્યા છે. આ કાર્યક્રમમાં પણ જયેશ રાદડિયાએ અકસ્માત વીમાની રકમ ૩ લાખથી વધારીને ૪ લાખ કરવાની જાહેરાત કરી હતી.

ગત ટર્મમાં પણ આવી ટોળકી નીકળી

વધુમાં રાદડિયાએ કહ્યું હતું કે હવે ગણતરીના દિવસોમાં ચૂંટણી આવી રહી છે. ફરી ખેડૂતો પાસે અમે મત માંગવા માટે જવાના છીએ અને એ પણ અમે કરેલા કામને આધારે પરંતુ કેટલાક લોકો હવે નીકળી પડશે. આપની પાસે મત માંગવા આવશે જેને કંઇ કર્યું નથી. ગત ટર્મમાં પણ આવી ટોળકી નીકળી હતી જેને 80 મત મળ્યા હતા જે કોઇ યાર્ડનો ગાંડો ઉભો રહે તો તેને પણ મળે.
સહકારી ક્ષેત્ર ખેડૂતોની સેવાનું માધ્યમ છે અને બેંક અને અન્ય સહકારી સંસ્થાઓ ખેડૂતોના હિતમાં બિનરાજકીય રીતે નિર્ણય લઇએ છીએ.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની હાજરી સૌ કોઇને ધ્યાન ખેંચે તેવી હતી.એક તરફ રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જુથની સામે અલ્પેશ ઢોલરિયાનું વલણ જોવા મળ્યું હતું એટલું જ નહિ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા અને વાઇસ ચોરમેન વિજય કોરાટ બંન્ને નેતાઓએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાનો ભાજપના પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો હતો.હજુ રાજકોટ લોધિકા સંઘમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂકનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અલ્પેશ ઢોલરિયાની હાજરી ખુબ જ સૂચક માનવામાં આવી રહી છે.

મહત્વનું છે કે રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીના પાંચ વર્ષ પુરા થયાં છે અને તેમાં આ કાર્યક્રમએ ફરી એ વાત પર ભાર મૂક્યો છે કે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીની જેમ જ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં રાદડિયા પોતાના સમર્થિત પેનલને મેદાનમાં ઉતારશે.

અમદાવાદમાં લક્ઝરી કારમાં ખતરનાક સ્ટંટ, વીડિયો વાયરલ થતાં પોલીસ તપાસ શરૂ, જુઓ Video

Published On - 2:47 pm, Thu, 8 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.