ઉપલેટા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, અઠવાડિયામાં જો વરસાદ નહીં પડે તો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ

ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે અને સાથો સાથ સિંચાઈનું પાણી કેનાલ મારફતે આપવાની પણ માંગ કરી રહ્યા છે. હવે આગામી દિવસોમાં જો વરસાદ નહીં વરસે તો ખેડૂતોની સ્થિતિ કફોડી બનશે.

ઉપલેટા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, અઠવાડિયામાં જો વરસાદ નહીં પડે તો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ
File Image

ઉપલેટા ( Upleta) પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે, ત્યારે આગામી અઠવાડિયામાં જો વરસાદ નહીં પડે તો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો બંધાય છે, પરંતુ વરસાદ વરસતો નથી જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગયા વર્ષ કરતા ચોમાસું ખૂબ જ નબળું જોવા મળી રહ્યું છે, ત્યારે ઉપલેટા પંથકમાં વાવણી બાદ ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે.

 

 

જેને લઈને ખેડૂતોએ વાવેલી મગફળી, કપાસ, સોયાબીન વગેરે પાકો સુકાઈ રહ્યા છે અને વરસાદ નહીં પડવાને કારણે ખેડૂતોની મહા મહેનતે કરેલ વાવેતર મુરઝાઈ રહ્યા છે અને પાક ખરાબ થઈ જતા આર્થિક નુકશાની જવાની ભીતિને લઈને ચિંતિત બન્યા છે. ‘તાઉ તે’ વાવઝોડાના કારણે ઉપલેટાના સેવત્રા ગામમાં પણ ભારે નુક્સાન થયું હતું, પરંતુ સરકાર દ્વારા હજુ આ વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો નથી અને કોઈ સહાય પણ આપવામાં આવી નથી.

 

 

ઉપલેટાના સેવાંત્રા ગામના ખેડૂતોનું કહેવું છે કે ઉપલેટા પંથકમાં ભીમ અગ્યારસે વાવણી બાદ ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ વરસતા વાવેલા પાકોને પૂરતા પ્રમાણમાં વરસાદનું પોષણ ન મળતા કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોનું ઘણા ખરા ખેડૂતોએ બે વખત વાવેતર કરવું પડ્યું હતું, ત્યારે આ વાવણી બાદ વાવેલા પાકોમાં નહિંવત જેટલો જ વરસાદ હોવાથી મગફળી, કપાસ જેવા પાકો વરસાદના અભાવે મુરઝાઈ રહ્યા છે.

 

 

ખેડૂતોનું કહેવું છે કે જો આગામી બેથી ત્રણ દિવસમાં સારો વરસાદ નહીં વરસે તો આ વર્ષે વાવેતર કરેલા પાકો નિષ્ફળ થઈ જવાની પુરી શક્યતાઓ સર્જાઈ રહી છે, ત્યારે ઉપલેટા પંથકમાં વાવણી બાદ સારો એવો વરસાદ વરસ્યો જ નથી જેને લઈને વાડી, કુવા કે બોરમાં પણ પૂરતા પાણી ચડ્યા નથી અને કુવાઓ પણ તળિયા જાટક થઈ ગયા છે. આમ ખેડૂતોએ પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાય છે.

 

 

ગત વર્ષની સરખામણીએ ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં વરસાદની ઘટ જોવા મળી છે. ઉપલેટાના સેવાંત્રાના ખેતરમાં ઉભો પાક મુરઝાઈ રહ્યો છે. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે અને સાથો સાથ સિંચાઈનું પાણી કેનાલ મારફતે આપવાની પણ માંગ કરી રહ્યા છે. હવે આગામી દિવસોમાં જો વરસાદ નહીં વરસે તો ખેડૂતોની સ્થિતિ કફોડી બનશે.

 

 

આ પણ વાંચો – Narmada : રાજપીપળા ખાતે સીએમ રૂપાણીએ દેશની પ્રથમ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીનું ખાતમુહૂર્ત કર્યું

 

આ પણ વાંચો – Neeraj Chopra : જો તમારું નામ નીરજ છે તો અહીં પહોંચી જાઓ , તમને ફ્રી માં સ્ટાઇલિસ હેરકટ કરી આપવામાં આવશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati