રાજ્યના હવામાનમાં બે દિવસથી પલટો આવ્યો છે અને તેના કારણે ગુજરાતના વિવિધ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટા પણ પડ્યા છે. અમદાવાદ, સાબરકાંઠા, ખેડા, હિંમતનગર, ડાકોર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે હાલ તો ઠંડીમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ વાદળ હટી જતા ઠંડીમાં વધારો થશે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 24 કલાક સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શકયતાઓ સેવવામાં આવી હતી.ત્યારે અમદાવાદ સહિત ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ, ભાવનગર, પંચમહાલ, સાબરકાંઠામાં કમોસમી વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં જીવરાજ પાર્ક અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડ્યુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ બે દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ,તાપી, ડાંગમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગરમાં તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટમાં છુટો છવાયો કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. તો આ સાથે જ ઠંડીની વાત કરવામાં આવે તો જે પ્રમાણે તાપમાનમાં વધારો થયો છે. તેના કારણે ઠંડીમાં ઘટાડો થયો છે. જો કે પવનની ગતિ વધારે હોવાના કારણે હાલ લોકોને ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ વાતાવરણ સુકુ બનશે. તે પછી 20 ડિસેમ્બર બાદ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
હાલમાં શાકભાજી સહિત જે ધાન્ય પાકો વાવેલા છે તેમાંથી રાજગરો, રાઈડો, તેમજ લીલા શાકભાજીની ઉપજને આ માવઠાથી નુકસાનની શક્યતા છે જેના પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે