ફરી એક વાર ગુજરાતના રાજકારણમાં ‘બેન’ સક્રિય?

વર્ષ 2017ની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં આનંદીબેન પટેલ સક્રિય ભૂમિકામાં જોવા મળ્યા હતા, ત્યારે ભુપેન્દ્ર પટેલના નામનો ભાજપના સિનિયર નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો

ફરી એક વાર ગુજરાતના રાજકારણમાં 'બેન' સક્રિય?
Anandiben Patel (File Image)

ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ (MLA Bhupendra Patel)ની પસંદગી કરવામાં આવી છે. જેની સાથે ગુજરાતમાં પાટીદાર પાવર ની તો ચર્ચા થઈ રહી છે સાથે જ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર આનંદીબેન (Anandiben) સક્રિય થયા હોવાનો તેમજ મુખ્યપ્રધાનની પસંદગી પ્રક્રિયામાં ફરી એક વાર આનંદીબેનનો હાથ ઉપર રહ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

 

 

ઉલ્લેખનીય છે કે ભુપેન્દ્ર પટેલ આનંદીબેન જૂથના માનવામાં આવે છે. વર્ષ 2017માં ભુપેન્દ્ર પટેલની ધારાસભ્ય તરીકે ટિકિટ આપવાનો હટાગ્રહ પણ આનંદીબેનનો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે આનંદીબેને રાજીનામુ આપ્યું, ત્યારે તેઓ ઘાટલોડિયાના ધારાસભ્ય હતા. જો કે મુખ્યપ્રધાનતરીકે પદ પરથી ઉતર્યા બાદ ફરી ક્યારેય ચૂંટણી ના લડવાનો નિર્ણય કર્યો હતો, જેની જાણ પણ એમને મોવડી મંડળને કરી હતી.

 

આનંદીબેનની સક્રિય ભૂમિકા

જો કે વર્ષ 2017ની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં આનંદીબેન પટેલ સક્રિય ભૂમિકામાં જોવા મળ્યા હતા, ત્યારે ભુપેન્દ્ર પટેલના નામનો ભાજપના સિનિયર નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ આ નામ જ ઘાટલોડિયામાં ભાજપનો ઉમેદવાર બનશે એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો અને અંતે મોડી રાતે અમદાવાદમાં ઉમેદવારના નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઘાટલોડિયામાં ભુપેન્દ્ર પટેલના નામ પર મહોર મારવામાં આવી હતી.

 

ગુજરાતમાં ભાજપ ભલે જૂથવાદ ના હોય એવી વાત કરે, પરંતુ આનંદીબેન તથા અમિત શાહ વચ્ચે નો ખટરાગ જગજાહેર હતો. આનંદીબેન જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપ્યું, ત્યારે પણ એમણે નીતિન પટેલ મુખ્યપ્રધાન બને એ માટે આગ્રહ રાખ્યો હતો અને આ નિર્ણય પર સંમતિ પણ સધાઈ ગઈ હતી. જો કે અંતિમ ઘડીએ નિર્ણય બદલાયો અને મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીની પસંદગી કરવામાં આવી.

 

આનંદી બેન ટૂંક સમય માટે મૌન રહ્યા. CM તરીકે રાજીનામુ આપ્યા પછી 6 મહિના બાદ એમને મધ્યપ્રદેશમાં રાજ્યપાલ બનાવવામાં આવ્યા, વર્તમાનમાં તેઓ યુપીના રાજ્યપાલ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. જો કે જેમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુજરાતની રાજનીતિમાં સીધી નજર હોય છે એ જ રીતે આનંદીબેન પટેલની પણ ગુજરાત ભાજપની ગતિવિધિઓ પર સીધી નજર હોય છે.

 

જે રીતે ભુપેન્દ્ર પટેલની CM તરીકે નિમણુંક થઈ છે, ત્યારે રાજકીય વર્તુળોમાં ફરી એક વાર ગુજરાતમાં આનંદીબેનનો હાથ ઉપર રહ્યો હોવાની ચર્ચા છે. કેમકે ભુપેન્દ્ર પટેલ આનંદી બેન જૂથના છે એ વાત જગજાહેર હતી અને છેલ્લી ઘડી સુધી આ નામની ચર્ચા પણ ન હતી, ભાજપમાં ધારાસભ્યની બેઠકમાં પણ અંતિમ પાટલી પર ભુપેન્દ્ર પટેલ બેઠા હતા. ત્યારે જે રીતે નવા નામની નિમણુંક થઈ છે, જેનાથી આનંદીબેનના જૂથમાં એક ખુશીનો માહોલ છે સાથે જ ફરી એકવાર આનંદીબેન ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા હોવાની ચર્ચાએ વેગ પકડ્યું છે.

 

આ પણ વાંચો: ગાંધીનગર રાજભવન પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય પાલને મળી સરકાર રચવાનો દાવો કર્યો

 

આ પણ વાંચો: જાણો છો, ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે કેટલી છે સંપતિ ?

Click on your DTH Provider to Add TV9 Gujarati