ખેતીની સાથે પશુપાલન કરીને પશુપાલકો શ્રેષ્ઠ આજીવીકા મેળવી રહ્યાં છે : રાઘવજી પટેલ

ખેતીની સાથે પશુપાલન કરીને પશુપાલકો શ્રેષ્ઠ આજીવીકા મેળવી રહ્યાં છે : રાઘવજી પટેલ
Pastoralists are getting best livelihood by raising animals along with agriculture: Raghavji Patel (ફાઇલ)

મંત્રીએ જણાવ્યું કે, કૃષિ માટે મળતા કિસાન ક્રેડીટ કાર્ડનાં ધોરણે રાજયના પશુપાલકોને પશુ નીભાવ માટે ટૂંકી મુદતના ધિરાણ માટે પશુપાલકોને કિસાન ક્રેડીટ કાર્ડ આપવાનો મહત્વનો નિર્ણય ભારત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Mar 30, 2022 | 6:06 PM

મંત્રી રાઘવજી પટેલે (Minister Raghavji Patel)મંગળવારે વિધાનસભા ગૃહમાં બજેટની જોગવાઇઓ પર ચર્ચા દરમિયાન પશુપાલન (Animal Husbandry) અને ડેરી વિકાસ વિભાગની(Dairy Department) વિગતો આપતા જણાવ્યું કે, ખેતીની (Agriculture)સાથે સાથે પશુપાલન વ્યવસાય કરીને રાજયના પશુપાલકો આજીવીકા મેળવી રહયાં છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વર્ષ 2002થી રાજ્યવ્યાપી પશુ આરોગ્ય મેળા અભિયાનની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત 67,600 થી વધુ મેળાઓ આયોજન કરી ગામ બેઠા કુલ 2 કરોડ 75 લાખથી વધુ પશુઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવ્યા છે.

મંત્રીએ ઉમેર્યું કે, “મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજના” માટે કુલ રૂ. 500 કરોડની માતબર રકમની નવી બાબત સુચવેલ છે. જેમાં રાજયની ગૌશાળાઓ અને પાંજરાપોળ ખાતે આંતર માળખાકીય અને અદ્યતન સુવિધાઓ તથા સંસ્થાઓ ખાતેના પશુઓના નિભાવ માટે સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. રખડતા પશુઓના લીધે રોડ પર થતા જીવલેણ અકસ્માત તેમજ ખેતીના પાકને ભેલાણ જેવા પ્રશ્નો હલ કરવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રખડતા પશુઓ માટે વિશેષ પ્રવૃતિઓ હાથ ધરવા રૂપિયા પચાસ-પચાસ કરોડની જોગવાઈ નવી જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે કહ્યુ કે, લોકડાઉન દરમ્યાન રાજ્યની ગૌશાળા -પાંજરાપોળના પશુઓના નિભાવ માટે દૈનિક રૂ. 25/- લેખે 7-મહિના માટે રૂ. 223 કરોડ જેટલી માતબર રકમ સહાયની ચૂકવણી કરવામાં આવી છે. કામધેનુ યુનિવર્સીટી માટે આ અંદાજપત્રમાં કુલ રૂ.111 કરોડ 45 લાખની જોગવાઈ સુચવી છે. કચ્છ જિલ્લામાં નવી વેટરીનરી કોલેજ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. પશુ આરોગ્ય સેવાઓ અંતર્ગત “મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુસારવાર યોજના” માટે કુલ રૂ. 24 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પશુ ચિકિત્સા માટે વર્ષ 2022-23 માં કુલ 40 નવીન સ્થાયી પશુ દવાખાના શરુ કરવા રૂ. 2 કરોડ 40 લાખની જોગવાઈ સાથે નવી બાબત રજુ કરવામાં આવી છે.

મંત્રી એ ઉમેર્યું કે, “દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું” ની યોજના હેઠળ રાજ્યના 4600 થી વધુ ગામોને આવરી લેવામાં આવ્યા છે. જેના માટે રૂ. 58 કરોડની જોગવાઈ સુચવેલ છે. કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ રાજ્યને વધુ 127 ફરતાં પશુ દવાખાના માટે કેપિટલ ખર્ચ પેટે કુલ રૂ. 8 કરોડ 89 લાખની 100 ટકા કેન્દ્રની સહાય ઉપલબ્ધ થયેલ છે. હાલમાં શહેરી વિસ્તારમાં કાર્યરત 37 “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962” એકમોની સેવાઓ રૂ.8 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યું કે, વર્ષ 2022-23માં પણ 4,497 પશુ આરોગ્ય મેળાના આયોજન માટે કુલ રૂ. 4 કરોડ 49 લાખની જોગવાઈ સુચવી છે. કેન્દ્ર સરકારની 100 ટકા સહાયથી અમલમાં મુકાયેલ “નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” હેઠળ વર્ષ 2020-21માં કુલ 170 લાખ ગાય-ભેંસ વર્ગના પશુઓને વિનામુલ્યે ખરવા-મોવાસા રોગ સામે રસીકરણ કરવામાં આવ્યા છે.

મંત્રીએ ઉમેર્યું કે, પશુપાલન વિષયક સહાય અંગે કુલ 1 લાખથી વધુ પશુપાલકોના ગાભણ પશુઓ માટે સમતોલ ખાણદાણ પુરા પાડવા કુલ રૂ.44 કરોડની જોગવાઈ કરી છે. 12 દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે રૂ.64 કરોડ 25 લાખની જોગવાઈ અને ગાયના સંવર્ધનને પ્રોત્સાહન આપવા 50 દુધાળા પશુ ફાર્મની સ્થાપના માટે આગામી વર્ષમાં રૂ. 3 કરોડ 90 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રીએ જણાવ્યું કે, કૃષિ માટે મળતા કિસાન ક્રેડીટ કાર્ડનાં ધોરણે રાજયના પશુપાલકોને પશુ નીભાવ માટે ટૂંકી મુદતના ધિરાણ માટે પશુપાલકોને કિસાન ક્રેડીટ કાર્ડ આપવાનો મહત્વનો નિર્ણય ભારત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. તે અંતર્ગત ભારત સરકાર દ્વારા મળતી 3% વ્યાજ સહાય ઉપરાંત વધારાની 4% વ્યાજ રાહત માટે રૂ. 300 કરોડની જોગવાઈ સહકાર ખાતા હસ્તક સૂચવવામાં આવ્યા છે. જેથી પશુપાલકો “ઝીરો ટકાના વ્યાજ દરે ટૂંકી મુદતનું ધિરાણ” મેળવશે.

મંત્રીએ ઉમેર્યું કે, કેન્દ્ર સરકારની સહાયથી પાટણ ખાતે “સેક્સડ સીમેન લેબોરેટરી” કાર્યરત કરવામાં આવી છે. જેમાં ઉત્પાદિત થનાર સીમેન ડોઝનાં ઉપયોગથી અંદાજિત 85 થી 90 ટકા વાછરડી-પાડીનો જન્મ થશે. ફ્રોઝન સીમેન સ્ટેશન, પાટણ ખાતે છેલ્લા પાંચ વર્ષમાં કુલ 1 કરોડ 20 લાખથી વધુ થીજવેલ સીમેન ડોઝનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માંડવી, જિ.-સુરત અને ભુતવડ, જિ.-રાજકોટ ખાતે નવીન ફ્રોઝન સીમેન સ્ટેશનનું નિર્માણ કાર્ય અંતિમ તબકકામાં છે. આગામી વર્ષે રાજ્યમાં 3,462 પશુ જાતીય આરોગ્ય કેમ્પના આયોજન માટે કુલ રૂ. 2 કરોડ 8 લાખની જોગવાઈ સુચિત કરવામાં આવી છે. પશુપાલન વિસ્તરણ સેવાઓ ક્ષેત્રે 248 તાલુકા પશુપાલન શિબિર તથા 66 જિલ્લા પશુપાલન શિબિરના આયોજન માટે રૂ. 3 કરોડ 47 લાખ અને 565 શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કાર આપવા માટે રૂ. 46 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે પશુપાલન થકી ગ્રામિણ આત્મનિર્ભરતાના સંકલ્પને સિદ્ધ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનો મત મંત્રીએ વ્યક્ત કર્યો હતો. વિધાનસભા ગૃહે ચર્ચાના અંતે પશુપાલન, ડેરી વિકાસ અને ગૌ સંવર્ધન વિભાગની ગત વર્ષ કરતા 83%ના વધારા સાથે કુલ રૂ. 1,263 કરોડની જોગવાઇ મંજૂર કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ સામુહિક હત્યાઃ ફરાર થયેલા વિનોદ ઉપરાંત તેનાં સાસુ પર પણ પોલીસને શંકા, હત્યાની રાતે તે વિનોદની સાથે ઘરમાં જ હતાં

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં રજૂ કર્યુ MCD સંશોધન બિલ, કહ્યું- દિલ્લી સરકાર કોર્પોરેશન સાથે સાવકી મા જેવું વર્તન કરી રહી છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati