Rajkot : પોપટપરા વિસ્તારમાં જૂની અદાવતમાં પડોશીઓ વચ્ચે બબાલ, ફરિયાદી પર 7 લોકોએ કર્યો હુમલો, જુઓ Video
રાજકોટના પોપટપરા નજીક અમૃત સોસાયટી-3માં જૂની અદાવત અને પાર્કિંગના મામલે પાડોશીઓ વચ્ચે મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના બની છે. આ ઘટનામાં ફરિયાદી સંજય રાઠોડ પર પિતા-પુત્ર સહિત સાત લોકોએ હુમલો કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

રાજકોટના પોપટપરા નજીક અમૃત સોસાયટી-3માં જૂની અદાવત અને પાર્કિંગના મામલે પાડોશીઓ વચ્ચે મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના બની છે. આ ઘટનામાં ફરિયાદી સંજય રાઠોડ પર પિતા-પુત્ર સહિત સાત લોકોએ હુમલો કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ હુમલા દરમિયાન એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો દાવો પણ ફરિયાદી પરિવારે કર્યો છે, જોકે પોલીસે પ્રાથમિક તપાસમાં ફાયરિંગ અંગે કોઈ પુષ્ટિ કરી નથી.
પ્રાથમિક માહિતી અનુસાર, બે દિવસ પહેલા વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે બંને પક્ષો વચ્ચે બબાલ થઈ હતી. આ ઘટના પછી સમાધાન માટે ગયેલા ફરિયાદી સંજય રાઠોડ પર હુમલો કરાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ફરિયાદીના પરિવારજનોએ જણાવ્યું કે, ગોવિંદ આહીર તેમના ભત્રીજા વહુના ઘર પાસે આંટા મારતા હતા અને તેમના પતિને શોધી રહ્યા હતા. જ્યારે ફરિયાદીના પતિ સાંજે તેમને આ અંગે પૂછવા ગયા, ત્યારે 15-20 જેટલા લોકો ભેગા થઈને તેમના પર તૂટી પડ્યા અને માર માર્યો. પરિવારજનોએ ફાયરિંગ કરાયાનો પણ આરોપ લગાવ્યો છે, જેના કારણે ફરિયાદીના પતિ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.
જૂની અદાવતમાં પડોશીઓ વચ્ચે બબાલ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હુમલો કરનારાઓમાં ગોવિંદ ચાવડા અને તેમના પુત્ર જીતુ ચાવડા સહિત કુલ સાત લોકો સામેલ હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ગોવિંદ ચાવડાનું ઘર તાળું મારેલું જોવા મળ્યું હતું. ઘટના સ્થળેથી બેઝબોલના ધોકા સહિતના કેટલાક હથિયારો તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા. આ મારામારીમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવાની અને આસપાસના લોકોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં હુમલો કરનાર વ્યક્તિઓ ફરાર હોવાથી પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. આ બનાવ એવા સમયે બન્યો છે જ્યારે રાજકોટમાં પોલીસનું પેટ્રોલિંગ સઘન બન્યું છે અને રાત્રિના 11 વાગ્યા પછી મુખ્ય બજારો બંધ કરાવી કાયદાનો ભય જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં લોકો કાયદો હાથમાં લેતા અચકાતા નથી, જે એક ચિંતાનો વિષય બન્યો છે. પોલીસ તપાસમાં આ મામલે કઈ વિગતો સામે આવે છે તે જોવું રહ્યું.