નવસારી(Navsari)ના ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા (Attacks on MLA Anant Patel) બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર એલર્ટ બન્યું છે. ખેરગામમાં જિલ્લા કલેકટર દ્વારા 144ની કલમ લાગુ કરી 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દીધી છે. સોમવારે સાંજે પોલીસે ખેરગામરમાં ફ્લેગમાર્ચ પણ યોજી હતી. ઉલ્લેખનીય છે કે ખેરગામ દશેરા ટેકરી નજીક શનિવારે સાંજે એક મિટિંગમાં હાજરી આપવા આવેલા ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો થયા બાદ તેમના સમર્થકો અને આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઘટનાના ઘેર પ્રત્યાઘાત પડ્યા છે. નવસારી ઉપરાંત સુરત, ડાંગ અને ભરૂચ સહિતના વિસ્તારોમાં હુમલાખોરોને ઝડપી પડી કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
ધારાસભ્ય ઉપર હુમલાની ઘટના બાદ નવસારી જિલ્લામાં શાંતિ ડહોળાય નહીં અને જાતિવાદ સહિતના મુદ્દે વાતાવરણ ઉગ્ર બને નહીં તે માટે જિલ્લા કલેકટર દ્વારા 18 ઓક્ટોબર સુધી ખેરગામ પોલીસ સ્ટેશનના સમગ્ર વિસ્તારમાં 4 કે તેથી વધુ લોકોના એકત્ર થવા ઉપર અને મંડળીના સ્વરૂપમાં અથવા સરઘસના સ્વરૂપે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. 144 લાગુ થતા અનેક સ્થળોએ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સતત હાજરી દેખાઈ રહી છે. પોલીસે સોમવારે સાંજે ખેરગામ વિસ્તારમાં પોલીસે ફ્લેગમાર્ચ પણ યોજી હતી.
ત્યારે ડાંગ જિલ્લાના આહવા તેમજ વઘઈ ખાતે આજે સોમવારના રોજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી ધરણા યોજ્યા હતા. કોંગી કાર્યકરોએ પગપાળા કલેક્ટર કચેરીએ પહોંચી અનંત પટેલ ઉપર થયેલા હુમલાની ઘટનામાં આરોપીઓને કડક સજા થાય અને તેમની ત્વરિત ધરપકડની માંગ કરાઈ હતી.
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા,ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર,સમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠિવાલા સહિતના આગેવાનોએ એક જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. કોંગી અગ્રણીઓએ કોંગ્રેસના આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર નવસારીના ખેરગામ ખાતે હુમલાણી ઘટનાને વખોડી નાખી હતી. રાજ્યમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો હેરાનગતિ થતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા.