
Morbi News: ચાર દિવસ પહેલા ગુમ થયેલ બાળકીની મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. મોરબીના લખધીરપુર રોડ પર આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની ચાર વર્ષની બાળકી લાપતા થઈ હતી. જે અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Morbi News: ઈઝરાયેલ હમાસ યુદ્ધની અસર મોરબી સીરામીક ઉદ્યોગ પર પડી, કરોડો રૂપિયાનો માલ અટવાયો
બાળકી ગુમ થયા બાદ ચાર દિવસ બાદ બાળકીનો મૃતદેહ એક બંધ સીરામીક કારખાના નજીકથી મળી આવ્યો હતો. બાળકીની હત્યા થઈ હોવાની શંકા આધારે મોરબી તાલુકા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ રોયલ સીરામીક કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની ચારેક વર્ષની માસુમ બાળકી ચાર દિવસ પહેલા ગુમ થઈ હતી. બાળકી લાપતા બનતા પરિવારે શોધખોળ શરૂ કરી મોરબી તાલુકા પોલીસમાં ગુમસુધા નોંધ કરાવવામાં આવી હતી.
પોલીસ અને પરિવાર દ્વારા ગુમ થયેલ બાળકીની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે મોરબીના લખધદિરપુર રોડ ઉપર આવેલ મેટ્રો સીરામીક ફેક્ટરીની બાજુમાં બંધ પડેલા કારખાનામાંથી કૂતરાઓએ ફાડી ખાધેલ હાલતમાં એક બાળકીનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી પોલીસને મળતા મોરબી તાલુકા પોલીસ કાફલો સ્થળે પર દૌડી ગયો હતો.
પોલીસ બાળકીનો કબ્જો લઈ તપાસ કરતા મૃતક બાળકી લાપતા થયેલ પરપ્રાંતીય પરિવારની જ હોવાનું સ્પષ્ટ બન્યું હતું. પોલીસ ને પ્રથમ દ્રષ્ટિએ ચાર વર્ષની માસૂમ બાળકીની હત્યા કરવામાં આવી હોવાની શંકા સાથે બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મહત્વનું છે કે આ બાળકીનો મૃતદેહ બંધ પડેલા કારખાના પાસે મળ્યો હતો, જો કે હાલ પ્રાથમિક મૃતદેહ જોતા એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બાળકીને મોતને ઘાટ ઉતારી મૃતદેહને ફેકી દીધો હોઈ શકે છે. જો કે શ્વાને મૃતદેહ પર બચકા ભર્યાના નિશાન પણ જોવા મળ્યા છે.
મોરબી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(With Input Credit- Rajesh Ambaliya morbi)
Published On - 2:36 pm, Sat, 21 October 23