મહામંડલેશ્વર ભારતીબાપુ દેવલોક પામ્યા, જૂનાગઢમાં કરાશે અંત્યેષ્ઠી

વડપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટવીટ કરીને ભારતીબાપુને પાઠવી શ્રધ્ધાંજલિ. દેવલોક પામેલા મહામંડલેશ્વર ભારતીબાપુની ( Bhartibapu ) અંત્યેષ્ઠી(સમાધી) જૂનાગઢ ખાતેના આશ્રમે કરાશે.

  • Bipin Prajapati
  • Published On - 7:54 AM, 11 Apr 2021

મહામંડલેશ્વર અને ભારતી આશ્રમના સ્થાપક, ભારતી બાપુ ( Bhartibapu ) આજે સવારે દેવલોક પામ્યા છે. અમદાવાદના સરખેજ ખાતે મહામંડલેશ્વર ભારતીબાપુ દેવલોક પામ્યા છે.  ભારતીબાપુની તબિયત નાદુરસ્ત હતી. ભારતીબાપુના નશ્વર દેહ લોકોના દર્શન માટે ભારતી આશ્રમ સરખેજ ખાતે આજે 11 એપ્રિલને 2021ના સવારના 9.30 સુધી રાખવામા આવશે. ત્યાર બાદ તેઓના નશ્વરદેહને જૂનાગઢ ખાતે અંત્યેષ્ઠી ( સમાધી) માટે લઈ જવાશે.

ભારતીબાપુના દેવલોક પામ્યા હોવાના સમાચાર જાણી વિવિધ ધર્મ, સંપ્રદાયના સાધુ સંત મહારાજે દુખની લાગણી અનુભવી છે. ભારતીબાપુએ ધાર્મિક અને સામાજીક સેવાકીય પ્રવૃતિ દ્વારા અનેક પથદર્શક કામગીરી કરી હતી. ભારતીબાપુ દેવલોક પામ્યા હોવાના સમાચાર જાણી રાજકીય પક્ષોના નેતાઓ પણ ભારતીબાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહામંડલેશ્વર ભારતીબાપુના દેવલોક થયાના સમાચાર જાણીને દુઃખ વ્યક્ત કર્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગુજરાતી ભાષામાં ટવીટ કરીને ભારતીબાપુને શ્રધ્ધાંજલી આપતા કહ્યુ કે, જૂનાગઢ ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજનો ઉપદેશ આપણને કાયમ પ્રેરણા આપતો રહેશે. એમના લાખો સેવકોને મારી સાંત્વના. ઈશ્વર એમના આત્માને શાંતિ પ્રદાન કરે.

ભારતીબાપુ દેવલોક થયા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીવે શોકાજલી પાઠવી.

ભારતીબાપુએ પોતાના આશ્રમ ભારતી આશ્રણ ખાતે ગૌશાળા બનાવીને ગાયનું જતન કરતા હતા. તો ભારતી આશ્રમમાં દરેક વ્યક્તિ માટે સમાન ભાવ સાથે વિનામુલ્યે રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી હતી.  આ સેવાનો લાભ આશ્રમમાં આવનાર દરેક સાધુ, સંત, ભિક્ષુક અને મહેમાનને આપવામાં આવતો હતો.

અમદાવાદના સરખેજ ગામમાં આવેલ ભારતી આશ્રમ ખાતે ભારતીબાપુ, આર્યુવેદ દવાઓનુ ઔષધાલય ચલાવતા હતા. જ્યા દર્દીઓને વિનામુલ્યે સારવાર અને દવા આપવામાં આવતી હતી.   ભારતી આશ્રમ સ્વયસંચાલીત ગુરુકુળ પણ ધરાવે  છે જેમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ઉચ્ચશિક્ષણ સાથે જીવનનાં અમૂલ્ય ઘડતરના પાયાનું સિંચન કરાય છે. આશ્રમમાં વારે-તહેવારે તેમજ શુભ પ્રસંગે નાનામોટા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તથા ભક્તિ ભજન સાથે ગુરુના જ્ઞાનરૂપી ઝરણાને ખળખળ વહેવડાવીને સમગ્ર ભારતી આશ્રમનું વાતાવરણ ખૂબજ ભક્તિમય અને પ્રફૂલ્લીત રહે તેવો ભારતીબાપુનો સતત પ્રયાસ રહેતો હતો.