5 વર્ષમાં રૂપાણી સરકારમાં ગુજરાતે કર્યો વિકાસ અપરંપાર, જાણો સમગ્ર માહિતી

ગુજરાતમાં મુખ્યપ્રધાન રૂપાણીનો 7 ઓગસ્ટના રોજ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થશે. આ સાથે જ તેઓ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ચોથા મુખ્યપ્રધાન (Chief Minister) બનશે.

5 વર્ષમાં રૂપાણી સરકારમાં ગુજરાતે કર્યો વિકાસ અપરંપાર, જાણો સમગ્ર માહિતી
CM Vijay Rupani (File Image)

ગુજરાતના હાલના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે (DyCM Nitin Patel) 7 ઓગસ્ટ 2016ના રોજ શપથ લીધા હતા. છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતની વિકાસકૂચ અવિરત આગળ વધતી રહી છે. ગુજરાતની સાડા છ કરોડ ઉપરાંતની જનતા માટે અનેક જનહિત કાર્યો, યોજનાઓ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના જનસેવાના પાંચ વર્ષના કાર્યકાળમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ અને કોરોના મહામારી જેવી વિકટ સમસ્યાઓ આવી છે.

 

 

આ આપત્તિઓમાં એક નીડર લીડરના નિર્ણાયક નેતૃત્વ હેઠળ સંવેદનશીલતાપૂર્વક, પારદર્શક, પ્રગતિશીલતાના દર્શન દરેક ગુજરાતીઓએ કર્યા છે. કોરોના મહામારી સામે આખું વિશ્વ લડી રહ્યું હતું, ત્યારે મુખ્યપ્રધાને સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને આરોગ્ય વિષયક અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ ગુજરાતની જનતાની પડખે સતત ઊભા રહ્યા છે.

 

છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિર્ણાયક નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાતે 1700થી વધુ જનહિતલક્ષી નિર્ણયો લઈને તેનું પરિણામલક્ષી અમલીકરણ કર્યું છે. આ દરેક નિર્ણયના કેન્દ્રમાં ગુજરાતના લોકોનું હિત રહ્યું છે. નિર્ણયોનું અમલીકરણ કરવા માટે ‘ફાસ્ટ ટ્રેક ગવર્નન્સ’ આ સરકારની આગવી ઓળખ બની છે. પ્રત્યેક નિર્ણયમાં લોકોને સાથે રાખીને લોકોના વિકાસ માટે પરિણામલક્ષી અમલીકરણ થયું છે.

 

પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ગુજરાતના વિકાસની રફતાર અને વિકાસદરની વૃદ્ધિ પ્રગતિશીલતાની મજબૂત ગવાહી આપે છે. કરુણા અભિયાનથી અબોલ પશુપંખી માટેની કાળજીથી માંડીને જનજનની સુરક્ષા અને સુખાકારીની શ્રેણીબદ્ધ યોજનાઓ સંવેદનશીલતા અને દૃઢ નિર્ણાયકતાની સાક્ષી આપે છે. ભ્રષ્ટાચાર ઉપર  આક્રમણ કરીને રાજ્યની આર્થિક પરિસ્થિતિને વધુ સુદૃઢ બનાવાઈ છે.

 

ત્યારે મહેસૂલી કાયદાઓમાં મોટાપાયે જનહિતલક્ષી પરિવર્તનો કરી રાજ્યના સામાન્ય જનની સુખાકારીને પ્રાધાન્ય અપાયું છે. કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, યુવાનોનું કૌશલ્ય નિર્માણ અને નારી સશક્તીકરણના ક્ષેત્રને છેલ્લા પાંચ વર્ષોમાં વધુ વેગ મળ્યો છે.

 

આવો જોઈએ પાંચ વર્ષમાં કરેલા એક કામની ઝલક

છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતનો વાર્ષિક વિકાસ દર સરેરાશ 9.5 ટકા રહ્યો છે. ભારતના જીડીપીમાં ગુજરાતની 7.9 ટકા હિસ્સેદારી રહી છે. માથાદીઠ આવક અને માથાદીઠ ખર્ચમાં ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે. વર્ષ 2018 અને 2019 એમ સતત 2 વર્ષથી સ્ટાર્ટ અપ રેન્કિંગમાં ગુજરાત નંબર વન રહ્યું છે. નાણાકીય 2020-21ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતે રૂ. 1.19 લાખ કરોડનું ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) પ્રાપ્ત કર્યું છે. જે સમગ્ર ભારતના કુલ FDIના 53.2 ટકા થાય છે. 19.67 લાખ હેકટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ હરોળમાં છે.

 

 

કમ્પોઝિટ વૉટર મેનેજમેન્ટ ઈન્ડેક્સમાં 2018-19 અને 2020 સળંગ ત્રણ વર્ષ દરમિયાન ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. 12 ટકા રિન્યૂએબલ એનર્જીના ઉત્પાદન સાથે ગુજરાત ભારતનું બીજા ક્રમે આવતું રાજ્ય છે. 5 વર્ષ પહેલા ગુજરાતની માથાદીઠ આવક રૂપિયા 1,39,254 હતી, જે આજે 2,16,326 રૂપિયા છે. 5 વર્ષ પહેલા ગુજરાતમાં 3,76,000ની આસપાસ MSME એકમો હતા, જે આજે 8,66,000 જેટલા છે.

 

 

5 વર્ષ પહેલા ગુજરાતમાં 57 વિશ્વ વિદ્યાલય હતાા, જે આજે 76 છે. 5 વર્ષ પહેલા 3,230 તબીબી બેઠકોની સામે આજે 5,500 તબીબી બેઠકો છે. 5 વર્ષ પહેલા 143 પોલિટેકનિક કોલેજો સામે આજે રાજ્યમાં 164 પોલિટેકનિક કોલેજો છે. રાજ્યની જનતાના વિકાસ માટે કલ્યાણકારી યોજનાઓ માટે 5 વર્ષ પહેલાં બજેટનું કદ રૂ. 1,37,667 કરોડ હતું, જે આજે રૂ. 2,03,147 ઉપર પહોંચ્યું છે. ગુજરાતના ગરવા ગિરનારમાં વિશ્વનો સૌથી મોટો રોપ-વે ગુજરાતની શાન બન્યો છે. સમગ્ર દેશમાં સૌથી પહેલા સી-પ્લેનની વ્યવસ્થા ગુજરાતે શરૂ કરી.

 

 

રાષ્ટ્રની પેટ્રોલિયમ પ્રોડક્ટની નિકાસના કુલ 39 ટકા સાથે ગુજરાત દેશમાં અગ્રેસર છે. ઓર્ગેનિક કેમિકલ્સની નિકાસના 53 ટકા સાથે ગુજરાત સૌથી આગળ છે. પ્લાસ્ટિક રો મટિરિયલની કુલ નિકાસના 63 ટકા સાથે ગુજરાત નંબર વન છે. કૃષિ રસાયણોની કુલ નિકાસના 64 ટકા સાથે રાજ્ય નંબર વન છે. કેમિકલ ઉત્પાદનમાં પણ ગુજરાતનો હિસ્સો રહ્યો છે. કૃષિ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો અગ્રેસર રહ્યો છે. ગુજરાતનો કૃષિ વિકાસ દર 10 ટકા જેટલો છે.

 

 

સુરત ડાયમંડ બુર્શ વિશ્વની સૌથી મોટી ઓફિસ ઈમારતો પૈકી એક અને તમામ હીરા વેપાર પ્રવૃત્તિઓનું ધમધમતું કેન્દ્ર બની રહેશે. રાજ્યના 6 શહેરને સ્માર્ટ શહેરો તરીકે વિકસાવાશે. શહેરી આવાસ ક્ષેત્રે સબસિડી વિતરણમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં ગાંધીનગર નજીક ગિફ્ટ સિટી નવા ભારતના સ્વપ્નને સાકાર કરી રહ્યું છે. માંડલ, બેચરાજી અને ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ ઝોન છે. અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ બે મેગાસિટી વચ્ચે ઝડપી પરિવહનથી વિકાસના નવતર સીમાડા સર કરશે.

 

 

માર્ચ, 2020માં કોરોનાનો સૌ પ્રથમ પોઝિટિવ કેસ ગુજરાતમાં નોંધાયાના ગણતરીના દિવસોમાં ચાર મહાનગરો, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 2,200 બેડ્સની ક્ષમતા સાથેની ડેડિકેટિડ કોવિડ-19 હોસ્પિટલ સ્થાપિત કરી હતી. પ્રથમ લહેર દરમિયાન રાજ્યના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વ્યાપક મેડિકલ તપાસ તેમજ ડોર-ટુ-ડોર આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે ધન્વંતરી આરોગ્ય રથ (મોબાઇલ મેડિકલ વાન)ની શરૂઆત કરવામાં આવી હતી.

 

 

સામાન્ય વ્યક્તિને પોતાનામાં કોરોનાના લક્ષણો હોવાનું જણાય તો તાત્કાલિક ટેસ્ટિંગ અને તેના પરિણામ માટે 104 હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. સપ્ટેમ્બર, 2020 સુધીમાં રાજ્યનો રિકવરી રેટ 82.71% સુધી પહોંચ્યો હતો અને મૃત્યુદર ઘટીને 2.83% થઈ ગયો હતો. કોરોના મહામારીની બીજી લહેરની શરૂઆત માર્ચ, 2021માં થઈ. આ વખતે પડકાર મોટો હતો કારણ કે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં અચાનક ધરખમ વધારો થયો હતો. પ્રથમ લહેર વખતે એક દિવસમાં મહત્તમ પોઝિટિવ કેસનો આંકડો 1,600 પર અટક્યો હતો.

 

 

પરંતુ બીજી લહેર દરમિયાન એક દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 15,000ની આસપાસ પહોંચી ગયો હતો. સંક્રમણ વધતા રાજ્યના કુલ 29 શહેરોમાં અને છેલ્લે કુલ 36 શહેરોમાં રાત્રિ કર્ફયુ અને આંશિક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા હતા. ગુજરાતની નિર્ણાયક સરકારે ત્રીજી લહેર સામે પણ સર્તક રહીને તૈયારીઓ આરંભી દીધી છે.

 

 

ઓક્સિજનની માંગને પહોંચી વળવા માટે ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા 1,150 મેટ્રિક ટનથી વધારીને 1,800 મેટ્રિક ટન કરવામાં આવશે. પીએસએ પ્લાન્ટ્સની સંખ્યા પણ વધારીને લગભગ 400 કરવામાં આવશે. ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સંખ્યા 700થી વધારીને 10,000 કરવામાં આવશે. સંભવિત ત્રીજી લહેર માટે રેમડેસિવિર, એમ્ફોટેરેસિન-બી, ટોસિલિઝુમેબ અને ફેવિપેરાવીર ટેબલેટ્સનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવશે.

 

 

ત્રીજી લહેરનો સામનો કરવા માટે પૂરતો મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સુનિશ્ચિત કરવામાં આવશે. થ્રી ટી સ્ટ્રેટેજી માટે સર્વેલન્સ યુનિટ્સની સંખ્યા 14 હજારથી વધારીને 21 હજાર અને સર્વેલન્સ ટીમની સંખ્યા 21 હજારથી વધારીને 60 હજાર કરવાનો સંકલ્પ. સાથે જ ધન્વંતરિ અને સંજીવની રથની સંખ્યા પણ વધારવામાં આવશે.

 

કૉવિડ-19ની પરિસ્થિતિના સીધા નિયંત્રણ માટે મુખ્યમંત્રી સ્તરે દેખરેખ થઈ શકે તે માટે જિલ્લા સ્તર પર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ કાર્યરત કરવામાં આવશે, જેમને સીએમ ડેશબોર્ડ સાથે રિયલ ટાઈમ અપડેટના માધ્યમથી જોડવામાં આવશે. હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડ્સની જાણકારી માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવશે.

 

કોવિડ-19ની બીજી લહેરનો સામનો ગુજરાત કરી જ રહ્યું હતું, તે દરમિયાન તાઉતે વાવાઝોડાની અન્ય એક કુદરતી આફત સામે રાજ્યને લડવું પડ્યું. પરંતુ, ગુજરાતે ખૂબ હિંમતથી અને સફળતાપૂર્વક તાઉતે વાવાઝોડાનો સામનો કર્યો હતો. વર્ષ 2017માં બનાસકાંઠા અને અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે રૂ. 1,706 કરોડની સહાયતા આપવામાં આવી હતી. વર્ષ 2018માં વિવિધ કુદરતી આફતોના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે રાહત આપવા માટે રૂ. 1,673 કરોડની નાણાકીય સહાયતા આપવામાં આવી હતી.

 

 

અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કમોસમી વરસાદને કારણે પાકને થનારા નુકસાનથી ખેડૂતોને રક્ષણ આપવા માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરી છે. આ યોજનાનો મહત્તમ લાભ ખરીફ પાકોની ખેતી કરનારા ખેડૂતોને મળે છે. ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનોના વાજબી ભાવ મળે અને તેઓ આર્થિક રીતે સક્ષમ બને તે માટે તેમના ખેત ઉત્પાદનોની ટેકાના ભાવે રાજ્ય સરકાર ખરીદી કરે છે.

 

છેલ્લા 5 વર્ષમાં રાજ્ય સરકારે 20 લાખથી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ.19 હજાર કરોડથી વધુના 38 લાખ 37 હજાર મેટ્રિક ટન ખેત ઉત્પાદનોની ખરીદી કરી છે. ખેડૂતોને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે શૂન્ય ટકાના વ્યાજદરે પાક ધિરાણ આપવામાં આવે છે. ખેતરમાં સોલર પેનલ મૂકીને ખેડૂતો વીજળીનું ઉત્પાદન જાતે કરીને વધારાની વીજળીથી આવક મેળવી શકે એવી ‘સૂર્યશક્તિ કિસાન યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. અત્યાર સુધીમાં 4,445 લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે.

 

 

ખેડૂતોને દિવસના સમયે પણ વીજળી પૂરી પાડવાનો સંવેદનશીલ નિર્ણય લઈને ‘કિસાન સૂર્યોદય યોજના’નો તબક્કાવાર અમલ કરવામાં આવ્યો, જેથી રાત્રે અંધારામાં પાણી વાળવાની ઝંઝટ અને જીવજંતુઓના ત્રાસમાંથી ખેડૂતોને મુક્તિ મળી. અત્યાર સુધીમાં રાજ્યના 3 લાખ 38 હજારથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે.

 

આ પણ વાંચો: Gujarat Top News: રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી,શિક્ષણ કે પછી કોરોના વેક્સિન અંગેના મહત્વના સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં

Click on your DTH Provider to Add TV9 Gujarati