Cyclone Tauktae: સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ

Cyclone Tauktae: તૌકતે વાવાઝોડાની જિલ્લામાં થનારી સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક મોરચે તૈયારીઓ આરંભાઈ છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 15, 2021 | 1:08 PM

Cyclone Tauktae: તૌકતે વાવાઝોડાની જિલ્લામાં થનારી સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક મોરચે તૈયારીઓ આરંભાઈ છે. જિલ્લામાં તૌકતે  વાવાઝોડું આગાહી અનુસાર તા.16થી ગુજરાતમાં પ્રવેશશે તથા તા.17 અને તા.18 વચ્ચે જામનગર જિલ્લામાં પ્રવેશ કરશે ત્યારબાદ જામનગર થી કચ્છ તરફ ફંટાઈ જશે.

તૌકતે સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ થયું છે. દરેક તાલુકામાં કલાસ-1 અધિકારીશ્રીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ, આશ્રયસ્થાનો, નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર, વીજ પુરવઠો, દવાઓ, બચાવ અને રાહત કામગીરી સહિતના મુદ્દે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં તૌકતે સાયકલોનને કારણે કોઈ જાન માલની નુકસાની ન થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્રારા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

હાલ દરિયામાં રહેલી 222 જેટલી બોટ પૈકી 37 બોટ પરત આવી ગયેલ છે તેમજ અન્ય બોટોને પરત લાવવા તંત્ર દ્વારા મત્સ્યોદ્યોગ સંગઠનો મારફત સૂચના અપાઈ છે. જરૂર જણાયે નીચાણવાળા વિસ્તારોમાં વસતાં લોકોને સલામત સ્થળોએ ખસેડવા તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. આરોગ્ય વિભાગને પૂરતો દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમોને જરૂર પડ્યે અગરિયાઓને સલામત સ્થળે ખસેડવાની સૂચના અપાઈ છે.

શક્યતાઓ છે તેવા નીચાણવાળા વિસ્તારોના 22 ગામો તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વહીવટીતંત્ર તથા પોલીસની ટીમો તેમને જરૂર જણાયે સુરક્ષિત સ્થળે ખસેડશે. આ કાર્યવાહી દરમિયાન લોકો તંત્રને પોતાનો યોગ્ય સહયોગ આપે તે ઈચ્છનીય છે.

મીઠાના અગરમાં કામ કરતા લોકો સુરક્ષિત સ્થળે ખસી જાય, જે લોકોની આસપાસમા જર્જરિત મકાન અથવા હોર્ડિંગ હોય તો તે દૂર કરવા સ્થાનિક પ્રશાસનને જાણ કરે, લોકો મીણબત્તી, બાકસ, ટોર્ચ તથા જીવનનિર્વાહની પ્રાથમિક ચીજો તૈયાર રાખે, જે ઘરમાં નાના બાળકો, સગર્ભા બહેનો તથા વૃદ્ધો છે તેઓ સુરક્ષિત સ્થળે રહી ડોક્ટરના સંપર્કમાં રહે.

તંત્ર દ્વારા 24 X 7 કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે, બચાવ અને રાહતની સાધનસામગ્રી સાથે વોર્ડ વાઇઝ તાંત્રિક ટીમોનુ ગઠન કરવામાં આવેલ છે, ફાયર ટીમોને એલર્ટ કરવામાં આવેલ છે, ભયજનક મકાનો ધરાવતા લોકોને સલામત સ્થળે ખસી જવા વ્યક્તિગત નોટિસ આપવામાં આવી છે.

વરસાદ દરમિયાન વધુ પાણી ભરાવાની શક્યતા છે તેવા વિસ્તારના લોકો માટે શાળાઓ તથા આશ્રય સ્થાનોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, વાવાઝોડા દરમિયાન જો લાંબાગાળા માટે વીજ પ્રવાહ ખોરવાય તો કોવિડ હોસ્પિટલો તથા ખાનગી હોસ્પિટલોને વીજપ્રવાહની વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્ર દ્વારા સૂચના અપાઇ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">